જામનગરમાં બર્ધનચોક કાપડ માર્કેટ વિસ્તારમાં ગેરકાયદે ઉભી કરાયેલી દીવાલની પાડતોડ દરમિયાન દિવાલ ધસી પડતાં સર્જાઇ દુર્ઘટના - At This Time

જામનગરમાં બર્ધનચોક કાપડ માર્કેટ વિસ્તારમાં ગેરકાયદે ઉભી કરાયેલી દીવાલની પાડતોડ દરમિયાન દિવાલ ધસી પડતાં સર્જાઇ દુર્ઘટના


- જામ્યુકોની એસ્ટેટ શાખાના ત્રણ કર્મચારીઓ દિવાલના કાટમાળ હેઠળ દબાતાં ભારે અફડાતફડીનો માહોલ- એક કર્મચારી પગમાં ચાર ફ્રેક્ચર થયા: જ્યારે અન્ય બે કર્મચારીઓને ઇજા થવાથી હાથમાં ટાંકા લેવા પડ્યાજામનગર તા 29 જુન 2022,બુધવાર જામનગરમાં બર્ધનચોક કાપડ માર્કેટ વિસ્તારમાં એક વેપારી દ્વારા ઊભી કરાયેલી ગેરકાયદે દીવાલની પાડતોડ દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી, અને દીવાલ એકાએક ધસી પડતાં મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા ના ત્રણ કર્મચારીઓ દીવાલના કાટમાળ હેઠળ દબાયા હતા, અને તેઓને તાત્કાલિક જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર અપાઇ છે. આ બનાવને લઇને મહાનગરપાલિકાના અધિકારીઓમાં દોડધામ થઈ છે.આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં બર્ધનચોક કાપડ માર્કેટ વિસ્તારમાં એક વેપારી દ્વારા ગેરકાયદે રીતે દીવાલ ઊભી કરી લઇ દુકાનમાં શટર વગેરે લગાવી દેવાયા હતા, જે અંગેની જાણકારી મળવાથી જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગેરકાયદે દિવાલ જાતે દૂર કરી લેવા વેપારીને નોટિસ પાઠવી હતી, પરંતુ વેપારી દ્વારા કોઇ દરકાર કરવામાં આવી ન હોવાથી આખરે આજે સવારે સાડા સાત વાગ્યાના અરસામાં જામનગર મહાનગર પાલિકાની દબાણ શાખાની ટુકડી ડીમોલેશન કરવા માટે પહોંચી હતી, અને દિવાલનું બાંધકામ દૂર કરવા ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.દરમિયાન એકાએક દીવાલ ધસી પડતાં એસ્ટેટ શાખાના ત્રણ કર્મચારીઓ દિવાલના કાટમાળ હેઠળ દબાયા હતા, અને ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.એસ્ટેટ શાખા ના કર્મચારી અજય સિંહ ચુડાસમાને ડાબા પગમાં દીવાલ ધસી પડવાના કારણે ચાર ફ્રેકચર થયા છે, અને તેઓને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા છે, અને તેમના પર સર્જરી કરવામાં આવી રહી છે.આ ઉપરાંત ગોપાલભાઈ ખાણધર અને અવેશ મકરાણી નામના બે કર્મચારીઓ, કે જે બંનેને હાથમાં ઈજા થઈ હતી, અને બંનેને ત્રણ ટાંકા લેવા પડ્યા છે. જોકે બંને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે.આ બનાવની જાણ થતાં જામનગર મહાનગરપાલિકાના અધોકારીનો કાફલો ઘટનાસ્થળે તેમજ જી.જી. હોસ્પિટલે દોડી ગયો હતો, જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય કુમાર ખરાડીએ પણ ઇજા પામેલા કર્મચારીઓના મામલે ચિંતા વ્યક્ત કરી હતી, અને ત્રણેયની જરૂરી સારવાર અને મદદ માટેની સૂચનાઓ આપી હતી. આ બનાવને લઇને જામનગર મહાનગરપાલિકાના વર્તુળમાં દોડધામ થઈ છે. જોકે ત્રણેય કર્મચારીઓ સંપૂર્ણપણે ભયમુક્ત છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.