કોલસા કૌભાંડ: પૂર્વ કોલસા સચિવ એચસી ગુપ્તાને ત્રણ વર્ષની જેલની સજા
નવી દિલ્હી,તા.08 ઓગષ્ટ 2022,સોમવારદિલ્હીની એક કોર્ટે મહારાષ્ટ્રમાં કોલસાની ખાણની ફાળવણીમાં ગેરરીતિ સંબંધિત કેસમાં ભૂતપૂર્વ કોલસા સચિવ એચસી ગુપ્તાને ત્રણ વર્ષની જેલની સજા ફટકારી છે.સ્પેશયલ જજ અરુણ ભારદ્વાજે કોલસા વિભાગના પૂર્વ સંયુક્ત સચિવ કેએસ ક્રોફાને પણ બે વર્ષની જેલની સજા સંભળાવી છે અને તેમના પર 50,000 રૂપિયાનો દંડ લાદ્યો છે. સજાની સાથે ગુપ્તાને 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.લોહારા ઈસ્ટ કોલ માઈનની ફાળવણી સંબંધિત કેસમાં કોર્ટે બંનેને ગુનાહિત કાવતરું, છેતરપિંડી અને ભ્રષ્ટાચાર માટે દોષિત ઠેરવ્યા હતા. આ દરમિયાન કોર્ટે દોષિત કંપની ગ્રેસ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (GIL)ના ડિરેક્ટર મુકેશ ગુપ્તાને ગુનાહિત કાવતરા અને છેતરપિંડી માટે ચાર વર્ષની જેલની સજા ફટકારી છે અને તેમના પર 2 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. સાથે જ કંપનીને 2 લાખ રૂપિયાનો અલગથી દંડ ભરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.એચસી ગુપ્તાને અગાઉ કોલસા કૌભાંડના અન્ય ત્રણ કેસમાં પણ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ કેસોમાં સજા વિરુદ્ધ ગુપ્તા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી દિલ્હી હાઈકોર્ટમાં હાલ પેન્ડિંગ છે અને ગુપ્તા હાલ જેલમાં છે.શું છે સમગ્ર મામલો ?સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) અનુસાર 2005થી 2011 વચ્ચે આરોપીએ ભારત સરકાર વિરુદ્ધ ગુનાહિત કાવતરું ઘડ્યું હતું. સીબીઆઈએ એમ પણ કહ્યું કે કંપનીએ તેની અરજીમાં કુલ રૂ. 120 કરોડની આવકનો દાવો કર્યો હતો, જ્યારે તેની કુલ આવક માત્ર રૂ. 3.3 કરોડ હતી.સુપ્રીમ કોર્ટે 25 ઓગસ્ટ, 2014ના રોજ કોલસાની ખાણો માટેની તમામ ફાળવણી રદ કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.