બેરોજગાર યુવાનને ભાગીદાર બનાવ્યો: તેને જ દગો દઈ બીજી પેઢી ઉભી કરી વિશ્વાસઘાત કર્યો
વિરાણી આઘાટમાં કારખાનું ધરાવતાં રસિકભાઈ ખાણધરે કોમ્પ્યુટર સર્વિસનું કામ કરવા આવતાં ધવલ નામના શખ્સને દયા દાખવી 33 ટકા ભાગીદારી આપ્યાં બાદ તે શખ્સે દગો આપી પોતાની અલગ પેઢી ઉભી કરી છેતરપીંડી આચરતાં ભક્તિનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી. પોલીસે આરોપી ધવલની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.
બનાવ અંગે નનામવા મેઈન રોડ પર અજમેરા શાસ્ત્રીનગરમાં વ્હાઇટ હાઉસમાં રહેતાં રસીકભાઈ વિરજીભાઈ ખાણધર (ઉ.વ.50) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ધવલ વલ્લભ ખાંટ (રહે.જીવરાજપાર્ક, સત્યજીત સોપાન એપાર્ટમેન્ટ) અને હિતેષ હરી કાલોરાણીયા (રહે. પુનીતનગર શેરી નં.10) નું નામ આપતાં એ. ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.વધુમાં ફરિયાદમાં રસિકભાઈએ જણાવ્યું છે કે, તેના કારખાને અને બીજી પેઢી વાયબ્રન્ટ મેટલ ટેકમાં આરોપી ધવલ ખાંટ કોમ્પ્યુટર સર્વિસનું કામ કરવા આવતો હતો. જેને કારણે તેને 2006થી ઓળખે છે.
જે-તે વખતે તેણે કહ્યું હતું કે, તેની પાસે કોઈ ધંધો નથી, હાલ જે ધંધો છે તેમાં કમાણી નથી, જેથી તેના કારખાનામાં ગમે તે યુનિટમાં - નોકરીમાં રાખી લેવા વિનંતી કરી હતી.પરિણામે તેને 2019માં તેના કારખાનામાં એક પણ રૂપિયાનું રોકાણ કરાવ્યા વગર 33 ટકાના ભાગીદાર તરીકે રાખ્યો હતો. જેનો દસ્તાવેજ પણ કર્યો હતો.
ત્યાર પછી ધવલને માર્કેટીંગ, ઓફિસ વર્ક, એકાઉન્ટ અને ફાયનાન્સને લગતું તમામ કામ સોંપ્યું હતું. જેથી તે ટુરમાં જઈ વેપારીઓને શોધી લાવતો હતો. થોડા સમય બાદ ધવલે તેના કારખાનામાં હિતેષને માર્કેટીંગના કામ માટે રાખ્યો હતો. આ રીતે બંને આરોપી તેના કારખાનામાં સેલીંગ સહિતનું તમામ કામ સંભાળી, તમામ વહિવટ પણ કરતા હતા.
2023માં તેઓની તબિયત લથડતા બે- ત્રણ મહિના કારખાને જઈ શક્યા ન હતા. આ સમય દરમિયાન બંને આરોપીઓએ તેની ગેરહાજરીનો ફાયદો લઈ તેના કારખાનાનો મહત્વનો ડેટા લઈ લીધો હતો. જે ડેટામાં પાર્ટીના કોન્ટેક, પ્રોડક્ટ કોસ્ટીંગ વગેરે હતા. એટલું જ નહીં બંને આરોપીઓએ તેની જાણ બહાર વાવડીમાં અલગથી બીજુ યુનિટ ઉભું કરી તેમાં મેટ ફોકસ મેટલ નામનું કારખાનું શરૂ કરી દીધું હતું. પોતાની બ્રાન્ડનું નામ અશ્વેધ રાખ્યું હતું.
ગઈ તા.31-3-2024 ના ધવલે કહ્યું કે, કારખાનામાં મને પ0 ટકા ભાગીદારી કરી આપો અથવા તો હિસાબ આપીને છૂટ્ટો કરો, જેથી તેને ભાગીદારીમાંથી છુટ્ટો કર્યો હતો. તે વખતે તેનો હિસાબ પણ કરી નોટરી રૂબરૂ ભાગીદારી છુટ્ટી થયાનો દસ્તાવેજ પણ કર્યો હતો. ધવલ પાસે તે વખતે તેના હસ્તકના અલગ-અલગ વેપારીઓ પાસેથી રૂા.56.47 લાખ લેવાના નીકળતા હતા. આ તમામ વેપારીઓની માહિતી માત્ર ધવલ પાસે જ હતી. જેથી તે ઉઘરાણું કરી રકમ ચુકવી આપશે તેવું નકકી થયું હતું. સાથો-સાથ ધવલે પોતે તેના કારખાનાની હાર્ડવેર પ્રોડકટનો ઉપયોગ નહીં કરે તેવી બાંહેધરી પણ આપી હતી.
જેથી તે ધંધામાં નડતરરૂપ ન થાય તે માટે તેને ગુડવીલના રૂા.12 લાખ ચુકવ્યા હતા.ભાગીદારી છુટ્ટી થયા બાદ ધવલે વેપારીઓ પાસેથી લેવાના થતા રૂા.56.47 લાખ ઉઘરાણી કરી તેને આપ્યા ન હતા. આ બાબતે આજ સુધી કોઈ જવાબ પણ આપ્યો નથી. એટલું જ નહીં તેના માણસ હિતેષને પણ સાથે લઈ ગયો હતો. બંને આરોપીઓએ તેના ગ્રાહકો પાસે જઈ એવું કહેવાનું શરૂ કર્યું હતું કે વેરીટો બ્રાન્ડના અમે માલીક છીએ, આ બ્રાન્ડને પ્રિમીયમ સેગમેન્ટમાં ક્ધવર્ટ કરી છે, હવેથી અમે તમને અશ્વેધ બ્રાન્ડનો માલ આપીશું, વેરીટો બ્રાન્ડનો માલ તમારી પાસે પડયો હોય તો અમને પરત આપી દયો, તે માલ હવે વેચવાનો નથી. આ રીતે તેની બ્રાન્ડનો માલ વેપારીઓ પાસેથી પાછો મંગાવે છે અને પોતાનો માલ મોકલે છે. જેનું પેમેન્ટ તેણે કરવું પડે છે.
પરિણામે ધંધામાં મોટી આર્થિક નુકસાની થઈ છે.આ ઉપરાંત બંને આરોપીઓએ સોશિયલ મીડીયામાં વેરીટોના માલીક હોય તે રીતે પોતાના મોબાઈલ નંબરો લખી નાખ્યા હતા. તેના પુત્રનું બાઈક અને બે મોબાઈલ ફોન પણ લઈ જઈ પરત આપ્યા નથી. તેની પેઢીના 2019 થી 2022 સુધીના રોજમેળ પણ અવાર-નવાર કહેવા છતાં પરત આપતો નથી. જેથી બંને શખ્સોએ છેતરપિંડી આચરતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી ભક્તિનગર પોલીસે ગુનો નોંધી આરોપી ધવલ ખાંટની ધરપકડ કરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.