જામનગરના નવનિર્મિત ડૉ. બાબા સાહેબ આંબેડકર રેલવે ઓવર બ્રિજ તેમજ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું મુખ્યમંત્રીના હસ્તે ઈ લોકાર્પણ - At This Time

જામનગરના નવનિર્મિત ડૉ. બાબા સાહેબ આંબેડકર રેલવે ઓવર બ્રિજ તેમજ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું મુખ્યમંત્રીના હસ્તે ઈ લોકાર્પણ


જામનગર તા 5 જુલાઈ 2022,મંગળવાર જામનગર શહેરમાં સમર્પણ સર્કલ થી વુલનમીલ તરફ જવાના રેલવે ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા પછી ડૉ. બાબા સાહેબ આંબેડકર રેલવે ઓવરબ્રિજનું આવતીકાલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે ઇ-લોકાર્પણ કરાશે, અને લાંબા સમયની ઇન્તેઝારી પછી રેલ્વે ઓવર બ્રિજ પ્રજાજનોને સમર્પિત કરી દેવાશે. આ ઉપરાંત વેસ્ટ-ટુ એનર્જી પ્લાન્ટનું પણ મુખ્યમંત્રીના હસ્તે ઇ- લોકાર્પણ કરવામાં આવશે.જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, જી.યુ.ડી.સી. તથા પી.પી.પી. આધારિત વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ તથા જી.યૂ.ડી.એમ. તેમજ ૧૫ માં નાણાપંચની 0ગ્રાન્ટ અંતર્ગત કુલ ૨૧૪ કરોડના વિવિધ પ્રકલ્પોનું ઇ- લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત ના કાર્યક્રમો યોજાયા છે.આવતીકાલે બુધવારે સવારે ૯.૩૦ વાગ્યે જામનગર મહાનગરપાલિકાના ટાઉનહોલમાં ઇ-લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી, ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઇ-લોકાર્પણ થશે.આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કૃષિમંત્રી વાઘજીભાઈ પટેલ, જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય આર.સી.ફળદુ ,તેમજ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) ઉપરાંત નગરના મેયર બીનાબેન કોઠારી મુખ્ય અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહે છે.સૌપ્રથમ પીપીબી બેઝ ૯૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા વેસ્ટ-ટુ એનર્જી પ્લાન્ટ નું ઇ-લોકાર્પણ થશે, ત્યારબાદ એલસી નંબર ૧૯૯ રેલવે ક્રોસિંગ ઉપર ટુ લેન ડૉ. બાબા સાહેબ આંબેડકર રેલવે ઓવરબ્રિજ કે જે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ની તથા જી.યૂ. ડી.સી. ની ગ્રાન્ટ અંતર્ગત રેલવે પોર્સન સહિત ૩૦ કરોડના ખર્ચે નિર્માણ પામ્યો છે, જેનું ઇ-લોકાર્પણ કરીને પ્રજાજનો માટે ખુલ્લો મુકવામાં આવશે.આ ઉપરાંત સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ૮ કરોડના ખર્ચે નાગમતી નદીના પુલથી હાપા માર્કેટિંગ યાર્ડને જોડતા ફોરલેન રોડનું પણ ઇ-લોકાર્પણ થશે.આ ઉપરાંત જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તથા ૧૫ માં નાણાપંચની ગ્રાન્ટ અન્વયે ૬૧ કરોડના ખર્ચે ડી.આઈ. પાઇપલાઇન દ્વારા વોટર સપ્લાય કામનું ઇ-ખાતમુહૂર્ત કરાશે. જેમની સાથે સાથે ૧૫ કરોડ ના ખર્ચે જામનગર શહેરમાં જુદી જુદી જગ્યાએ આસફાલ્ટ રોડના કામોનું ખાતમુહૂર્ત કરાશે. જયારે આરોગ્ય વિભાગ તથા ૧૫ માં નાણાપંચની ગ્રાન્ટ માંથી ૧૦ કરોડ ના ખર્ચે હાપા ખાતે યુ. સી.એચ.સી. સેન્ટર બનાવવાના કામનું પણ ઇ-ખાતમુહૂર્ત કરાશે.કુલ ૧૨૮ કરોડના ખર્ચે તૈયાર થયેલા કામોનું ઇ-લોકાર્પણ થશે, જ્યારે ૮૬ કરોડના કામોનું ઇ-ખાતર્મુત કરાશે.જામનગરના મ્યુનિ.ટાઉનહોલમાં આયોજિત ઉપરોક્ત ઇ-લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડી, ડેપ્યુટી કમિશનર એ.કે. વસ્તાણી, ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, તેમજ વિરોધ પક્ષના નેતા આનંદભાઈ રાઠોડ દ્વારા નિમંત્રણ પાઠવાયું છે. સમગ્ર પ્રોજેક્ટને પરીપૂર્ણ કરવા માટે જામનગર મહાનગરપાલિકાના સીટી ઇજનેર ભાવેશ જાની જહેમત લઈ રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.