વડોદરા: પાણીગેટ કહાર મહોલ્લામાં બે જૂથો વચ્ચે મારામારી, પાંચ ઇજાગ્રસ્ત, 11 વિરુદ્ધ રાયોટીંગનો ગુનો
વડોદરા,તા.23 ઓગષ્ટ 2022,મંગળવારવડોદરા શહેરના પાણીગેટ કહાર મોહલ્લા પાસે જન્માષ્ટમી પર્વે આરતી નિમિત્તે થયેલ ઝઘડાની અદાવતે બે જૂથો બાખડતા ઇજાગ્રસ્ત પાંચ વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. સામ સામી ફરિયાદના આધારે પાણીગેટ પોલીસે 11 શખ્સો વિરુદ્ધ રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સાગર દેવીપુજક ( રહે - કુંભારવાડા, પાણીગેટ )એ ફરિયાદ નોંધાવી હતી કે, પાણીગેટ શાકમાર્કેટ પાસે ભગત દેવીપુજક , રમેશ દેવીપુજક, કાંતિ દેવીપુજક, સુનિલ દેવીપુજક, શનિ દેવીપુજક અને સંજુ દેવીપુજક ( તમામ રહે - ગંજખાના પોલીસ ચોકીની સામે )એ મને ઉભો રાખી ભગત દેવીપુજક એ જણાવ્યું હતું કે, જન્માષ્ટમીના દિવસે મારે આરતી ઉતારવાની હતી તારા પિતાએ કેમ ઉતારી તેમ કહી ઝઘડો કર્યો હતો. અને અચાનક ચાકુનો ખભાના ભાગે ઘા મારતા હું જીવ બચાવવા નાસ્યો હતો. આ દરમિયાન કહાર મહોલ્લા પાસે મને ઝડપી પાડી હુમલાખોરોએ માર માર્યો હતો. આ દરમિયાન મને બચાવવા માટે વચ્ચે આવેલા મારા પિતાને પણ માથામાં ધાર્યું મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. ફરિયાદના આધારે પોલીસે ઉપરોક્ત છ હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. તો સામા પક્ષે ભગત દેવીપુજકએ ફરિયાદ નોંધાવી હતી કે, પાણીગેટ કહાર મહોલ્લા ખાતે હું ઝાડ ઉપર ચડીને ઝાડ કાપી રહ્યો હતો તે સમયે કૈલાશ દેવીપુજક, સાગર દેવીપુજક તથા રોહીત દેવીપુજક ( રહે - પાણીગેટ ), અર્જુન વાઘેલા અને મહેશ વાઘેલા ( રહે - એકતાનગર આજવા રોડ ) ઘસી આવ્યા હતા. અને જન્માષ્ટમીના રોજ થયેલ ઝઘડા બાબતે અપશબ્દો બોલી હોકી વડે મને માર માર્યો હતો. લોખંડની પાઇપનો ફટકો મને માથામાં વાગતા ઈજા પહોંચી છે. જેથી મારો ભાઈ તથા પિતરાઈ ભાઈઓ મને બચાવવા માટે દોડી આવ્યા હતા. તેઓ ઉપરપણ હુમલાખોરોએ હુમલો કરી માર માર્યો હતો. આ હુમલામાં ત્રણ વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. ફરિયાદના આધારે ઉપરોક્ત પાંચ હુમલાખોરો વિરુદ્ધ પોલીસે ગુનો નોધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.