પાકિસ્તાનમાં શિયા અને સુન્ની વચ્ચે અથડામણ:5 દિવસમાં 49ના મોત, 200થી વધુ ઘાયલ, વર્ષોથી 30 એકર જમીનનો વિવાદ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના કુર્રમ જિલ્લામાં શિયા અને સુન્ની સમુદાયો વચ્ચે જમીન વિવાદમાં 49 લોકોના મોત થયા છે. આ સિવાય 200થી વધુ લોકો ઘાયલ થયા છે. આ વિવાદનું મૂળ 30 એકર જમીન છે. કુર્રમ જિલ્લાના બુશેહરા ગામમાં બે જાતિઓ વચ્ચે તેના માલિકી હક્કને લઈને વિવાદ ચાલી રહ્યો છે. BBCના અહેવાલ મુજબ, ગયા અઠવાડિયે બુધવારે બે પરિવારો વચ્ચે આ લડાઈ શરૂ થઈ હતી જે ટૂંક સમયમાં બે જાતિઓ વચ્ચે ફેલાઈ ગઈ હતી. જેને લઈને હવે સમગ્ર જિલ્લામાં તણાવનો માહોલ છે. પાકિસ્તાની ટીવી ચેનલ સમા ન્યૂઝ અનુસાર, સુન્ની સમુદાયને સરહદ પાર અફઘાન આદિવાસીઓનું સમર્થન મળી રહ્યું છે, જેના કારણે તેઓ ભારે પડી રહ્યા છે. બે પરિવારો વચ્ચે શરૂ થયેલી લડાઈ સમગ્ર જિલ્લામાં ફેલાઈ ગઈ
કુર્રમના ડેપ્યુટી કમિશનર જાવેદુલ્લા મેશુદે સ્થાનિક મીડિયાને જણાવ્યું કે બે સમુદાયો વચ્ચે આ લડાઈ 6 દિવસથી ચાલી રહી છે. તેમણે અધિકારીઓઓ સાથે મળીને, આદિવાસી સમુદાયના વડીલો અને અન્ય લોકોની મદદથી બે સમુદાયો વચ્ચે સમજુતી કરાવી છે, પરંતુ હજુ પણ જિલ્લાના અન્ય ભાગોમાં ગોળીબારના અહેવાલો છે. સ્થાનિક પોલીસ અધિકારી મુર્તઝા હુસૈને પાકિસ્તાની અખબાર ડોનને જણાવ્યું કે સુન્ની મિદગી અને શિયા મલીખેલ સમુદાયો વચ્ચે 2007માં વિવાદ શરૂ થયો હતો. ત્યારે પણ હિંસાની ઘટનાઓ બની હતી. ગયા વર્ષે જુલાઈમાં પણ વિવાદ થયો હતો જે બાદ શિયા અને સુન્ની સમુદાયો વચ્ચે લડાઈ થઈ હતી. આમાં ઘણા લોકો માર્યા ગયા હતા. ગયા વર્ષે સમાપ્ત થયેલો વિવાદ ફરી શરૂ થયો
ગયા વર્ષે, બંને પક્ષો વચ્ચેની લડાઈ બંધ થયા પછી, તેમની વચ્ચે સમજૂતી થઈ હતી. કોની જમીન છે તે સરકાર નક્કી કરશે તેવું નક્કી થયું હતું. બંને પક્ષોએ જમીન વિવાદો ઉકેલતા લેન્ડ કમિશનના નિયમોનું પાલન કરવાનું રહેશે. આ પછી કમિશને પોતાનો નિર્ણય આપ્યો અને આ જમીન શિયા સમુદાયને આપી દીધી. પરંતુ એક વર્ષ બાદ આ અંગે ફરી વિવાદ શરૂ થયો હતો. બુધવારે જમીન સંબંધિત વિવાદની ચર્ચા ચાલી રહી હતી ત્યારે એક વ્યક્તિએ ફાયરિંગ કર્યું હતું. આ પછી બંને સમુદાયો વચ્ચે લોહિયાળ સંઘર્ષ શરૂ થયો. પાકિસ્તાન બન્યા પહેલા જ ઘણા વિવાદો છે, જેનો ઉકેલ આજ સુધી આવ્યો નથી
સમા ચેનલના અહેવાલ મુજબ કુર્રમમાં હાલમાં આઠ મોટા સંઘર્ષ ચાલી રહ્યા છે. આમાંના મોટા ભાગના પાકિસ્તાનના નિર્માણ પહેલાના છે. આ તમામ બાબતો જમીન સાથે જોડાયેલી છે. જમીન સુધારણાના અભાવે આ વિવાદ હજુ સુધી ચાલુ છે. જ્યારે પણ તેમની વચ્ચે વિવાદ શરૂ થાય છે, ત્યારે તે કબિલાની લડાઈમાંથી કોમી તોફાનમાં ફેરવાય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.