ઉંમર નાની, ધ્યેય મોટો ———— પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે પ્રેરણાદાયી બન્યો પાધરૂકાનો યુવા ખેડૂત રોહિત
ઉંમર નાની, ધ્યેય મોટો
------------
પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે પ્રેરણાદાયી બન્યો પાધરૂકાનો યુવા ખેડૂત રોહિત
------------
૧૦ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી પાધરૂકાનો રોહિત મેળવે છે મબલખ આવક
------------
પ્રાકૃતિક ખેતી થકી ઉત્પાદન વધુ અને ખર્ચ ઓછો – રોહિત
------------
મગફળી, શેરડી, બાજરો, મગ, અડદ, ચણા અને શાકભાજીનું વાવેતર કરી વર્ષે લાખો રૂપિયાની આવક
------------
ગીર સોમનાથ તા.૨૦: સુત્રાપાડા તાલુકાના પાધરૂકા ગામના યુવાન ખેડૂત રોહિતભાઇ પંપાણિયાની ઉંમર નાની છે પરંતુ ધ્યેય ખૂબ મોટો છે. જેમણે માત્ર ૨૨ વર્ષની ઉંમરમાં પ્રાકૃતિક ખેતી શરૂ કરી દીધી છે અને મગફળી, શેરડી, બાજરો, મગ, અડદ, ચણા અને શાકભાજી સહિતના પાકોની પ્રાકૃતિક ખેતી કરી વર્ષે લાખો રૂપિયાની મબલખ આવક મેળવે છે.
રોહિતભાઇ ઉકાભાઇ પંપાણિયાએ જણાવ્યું હતું કે, મારી પાસે ૨૦ એકર જમીન છે. તેમાં પહેલા રાસાયણિક ખેતી કરતો હતો પણ ખર્ચ વધી જતો હતો. મેં છેલ્લા ૫ વર્ષથી ૧૦ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી છે. કારણ કે, રાસાયણિક ખેતી થકી થતા પાક લોકોના સ્વાસ્થ્ય માટે નુકસાન કારક અને ઉત્પાદન લેવા માટે વધુ પડતો ખર્ચ કરવો પડતો હતો. આથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી.
રોહિતભાઈએ શરૂઆતમાં ૧૦ એકર જમીનમાં મગફળી, શેરડી, બાજરો, મગ, અડદ, ચણા અને શાકભાજી સહિતના પાકોનું પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરી હતી. જેમાં તેમને એક એકરે ૬૦,૦૦૦ જેટલી આવક સામે રાસાયણિક ખેતીના ખર્ચ કરતા પ્રાકૃતિ ખેતીનો ખર્ચ નહીંવત થાય છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન વધુ મળે છે. ઉપજમાં બીજા કરતા લીલમણીમાં સારૂ દેખાય છે. રોગ-જીવાત પણ ઓછી આવે છે અને ખર્ચ પણ નહીંવત થાય છે. જ્યારે રાસાયણિક ખેતીમાં ઉત્પાદન ઓછુ થતું જાયને ખર્ચ વધતો થાય છે. રોગ-જીવાતનું પ્રમાણ પણ વધુ રહે છે. દવા-ખાતરનો ખર્ચ વધી જાય છે. પ્રાકૃતિક ખેતી થકી વર્ષે લાખો રૂપિયાની આવક મળી રહી છે. વધી રહેલી બિમારીઓને કંટ્રોલ કરવા અને લોકોના સારા સ્વાસ્થ્ય પ્રદાન કરવા અન્ય ખેડૂતોએ પણ હવે પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઇએ.
આજના યુવાનો ખેતી છોડી અન્ય ધંધા, રોજગાર તરફ વળે છે ત્યારે પ્રાકૃતિક ખેતી થકી પણ લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી શકાય તે સાબિત કરીને યુવા ખેડૂત રોહિત અન્ય ખેડૂત અને યુવાનો માટે પ્રેરણાદાયી બન્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.