ચીન અકળાયું- અમેરિકાના પૂર્વ સ્પીકર ભારત પ્રવાસે:નેન્સી પેલોસી દલાઈ લામાને મળવા આવ્યા; તેમની તાઈવાન મુલાકાત પર ચીને યુદ્ધની ધમકી આપી હતી - At This Time

ચીન અકળાયું- અમેરિકાના પૂર્વ સ્પીકર ભારત પ્રવાસે:નેન્સી પેલોસી દલાઈ લામાને મળવા આવ્યા; તેમની તાઈવાન મુલાકાત પર ચીને યુદ્ધની ધમકી આપી હતી


અમેરિકાના ભૂતપૂર્વ સ્પીકર નેન્સી પેલોસી 2 દિવસની ભારત મુલાકાતે આવ્યા છે. તેઓ ધર્મશાળામાં તિબેટના ધાર્મિક નેતા દલાઈ લામાને મળશે. પેલોસી બપોરે સાડા બાર વાગ્યે હિમાચલ પ્રદેશના કાંગડા એરપોર્ટ પર ઉતર્યા હતા. તેમની સાથે 6 અમેરિકન સાંસદોનું ડેલિગેશન પણ હાજર છે. નેન્સી અગાઉ આ પહેલા મે 2017માં દલાઈ લામાને મળવા ભારત આવ્યા હતી. ત્યારબાદ ચીને અમેરિકાને તિબેટ મામલે હસ્તક્ષેપ કરવા સામે ચેતવણી આપી હતી. પેલોસી લાંબા સમયથી તિબેટની આઝાદીનું સમર્થન કરે છે. અમેરિકામાં 12 જૂને તિબેટ સંબંધિત એક બિલ પસાર કરવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે અમેરિકા તિબેટ વિશે સમગ્ર વિશ્વમાં ચીન દ્વારા ફેલાવવામાં આવેલા જુઠ્ઠાણાનો જવાબ આપશે. આ દરમિયાન અમેરિકન અધિકારીઓ ચીનના દાવાને પણ નકારી કાઢશે કે તિબેટ તેનો હિસ્સો છે. પેલોસી જ્યારે તાઈવાન ગયા ત્યારે 24 ફાઈટર પ્લેને એસ્કોર્ટ કર્યા હતા
આ બિલ પાસ થયા બાદ અમેરિકન સાંસદોની આ મુલાકાતને ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. ખરેખરમાં ચીન તિબેટને સમર્થન આપવા માટે હંમેશા અમેરિકાનો વિરોધ કરતું આવ્યું છે. આવી સ્થિતિમાં નેન્સી પેલોસીની આ મુલાકાત વિવાદને વધારી શકે છે. પેલોસી એ જ અમેરિકન નેતા છે, જેમની 2022માં તાઇવાનની મુલાકાત અંગે ચીને યુદ્ધની ધમકી આપી હતી. ત્યારબાદ નેન્સીના પ્લેનને યુએસ નેવી અને એરફોર્સના 24 એડવાન્સ ફાઈટર જેટ્સ દ્વારા એસ્કોર્ટ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ચીને તાઈવાનને ચારે બાજુથી ઘેરીને યુદ્ધાભ્યાસ પણ કર્યો હતો. નેન્સી પેલોસીએ તેમની 2008ની ધર્મશાળાની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે તિબેટમાં માનવાધિકારના રક્ષણ માટે યુએસ તેની કામગીરી ચાલુ રાખશે. તેમણે 2019માં સંસદમાં 'તિબેટ પોલિસી એક્ટ' પસાર કરવામાં મદદ કરી હતી. આ એક્ટ દ્વારા અમેરિકા તિબેટની ઓળખ બચાવવા માટે અવાજ ઉઠાવે છે. પેલોસીના કારણે જ અમેરિકામાં દલાઈ લામાનું કદ વધ્યું છે. કમ્યુનિસ્ટ સરકાર સત્તામાં આવ્યા પછી તિબેટ પર ચીનનું વલણ બદલાયું
ચીન અને તિબેટ વચ્ચેનો વિવાદ વર્ષો જૂનો છે. ચીન કહે છે કે તિબેટ તેરમી સદીમાં ચીનનો હિસ્સો રહ્યો છે, તેથી તિબેટ પર તેનો અધિકાર છે. તિબેટ ચીનના આ દાવાને નકારી કાઢે છે. 1912માં તિબેટના ધાર્મિક નેતા અને 13મા દલાઈ લામાએ તિબેટને સ્વતંત્ર જાહેર કર્યું હતું. તે સમયે ચીને કોઈ વાંધો ઉઠાવ્યો ન હતો, પરંતુ લગભગ 40 વર્ષ પછી ચીનમાં કમ્યુનિસ્ટ સરકાર સત્તામાં આવી. આ સરકારની વિસ્તરણવાદી નીતિઓને કારણે ચીને 1950માં હજારો સૈનિકો સાથે તિબેટ પર હુમલો કર્યો હતો. તિબેટ પર ચીનનો કબજો લગભગ 8 મહિના સુધી ચાલુ રહ્યો. અંતે, 1951માં તિબેટના ધાર્મિક નેતા દલાઈ લામાએ 17 મુદ્દાના કરાર પર હસ્તાક્ષર કર્યા. આ કરાર પછી તિબેટ સત્તાવાર રીતે ચીનનો ભાગ બની ગયું. જો કે દલાઈ લામા આ સંધિને સ્વીકારતા નથી. તેમનું કહેવું છે કે આ સંધિ દબાણ હેઠળ કરવામાં આવી હતી. ચીન સાથેના વિવાદ વચ્ચે દલાઈ લામા તિબેટ છોડીને ભારત આવ્યા હતા
આ દરમિયાન તિબેટીયન લોકોમાં ચીન સામે ગુસ્સો વધવા લાગ્યો. 1955 પછી સમગ્ર તિબેટમાં ચીન વિરુદ્ધ હિંસક પ્રદર્શનો શરૂ થયા. આ દરમિયાન પ્રથમ બળવો થયો જેમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા. માર્ચ 1959માં સમાચાર ફેલાયા કે ચીન દલાઈ લામાને બંધક બનાવવા જઈ રહ્યું છે. આ પછી દલાઈ લામાના મહેલની બહાર હજારો લોકો એકઠા થઈ ગયા હતા. આખરે દલાઈ લામા તિબેટની રાજધાની લ્હાસાથી ભાગીને સૈનિકના વેશમાં ભારત પહોંચ્યા. ભારત સરકારે તેમને આશ્રય આપ્યો. ચીનને આ પસંદ નહોતું. એવું કહેવાય છે કે 1962ના ભારત-ચીન યુદ્ધનું પણ આ એક મોટું કારણ હતું. દલાઈ લામા હજુ પણ ભારતમાં વસે છે. તિબેટની દેશનિકાલ સરકાર હિમાચલ પ્રદેશની ધર્મશાળાથી ચાલે છે. આ સરકારની પણ ચૂંટણી યોજાય છે. વિશ્વભરના તિબેટીયન શરણાર્થીઓ ચૂંટણીમાં મતદાન કરે છે. શરણાર્થી તિબેટીયનોએ મતદાન કરવા માટે નોંધણી કરાવવી પડે છે. ચૂંટણી દરમિયાન તિબેટીયન લોકો તેમના રાષ્ટ્રપતિને ચૂંટે છે જેને 'સિક્યોંગ' કહેવામાં આવે છે. ભારતની જેમ ત્યાંની સંસદનો કાર્યકાળ પણ 5 વર્ષનો હોય છે. તિબેટીયન સંસદનું હેડક્વાર્ટર હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં છે. 'સેન્ટ્રલ તિબેટીયન એડમિનિસ્ટ્રેશન' દ્વારા જાહેર કરાયેલ 'ગ્રીન બુક' ધરાવતા તિબેટીયનોને જ મત આપવાનો અને ચૂંટણી લડવાનો અધિકાર છે. આ પુસ્તક ઓળખપત્ર તરીકે કામ કરે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.