સુરેન્દ્રનગર સહિત ઝાલાવાડ પંથકમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની આસ્થાભેર ઉજવણી
- નંદ ઘેર આનંદ ભયો... જય કનૈયા લાલ કી...ના નાદ સાથે - સુરેન્દ્રનગર, વઢવાણ અને જોરાવરનગર સહિત નગરો અને તાલુકા મથકો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં શોભાયાત્રા નીકળી : મટકી ફોડ અને રાસલીલા સહિતના ધાર્મિક કાર્યક્રો યોજાયાસુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેર સહિત ઝાલાવાડ પંથકમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે શ્રીકૃષ્ણ જન્મોત્સવની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શોભાયાત્રા-મટકી ફોડ, શ્રી કૃષ્ણ જન્મોત્સવનાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ અંગેની વધુ વિગત એવી છેકે, કોરોનાકાળ પછી બે વર્ષે ઝાલાવાડ પંથકમાં જન્માષ્ટમી પર્વની મુક્ત રીતે ઉજવણી કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર, વઢવાણ, જોરાવરનગરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.વિ.હિ.પ દ્વારા ૩૮મી જન્માષ્ટમી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું. દુધરેજ વડવાળા મંદિર, સુરેન્દ્રનગર દ્વારકાધીશની હવેલી, વઢવાણના મુરલી મનોહર મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યુ હતું. થાનગઢ ખાતે ભૌયરેશ્વર પ્લોટ વિસ્તારમાં દ્વારકેશ યુવા ગૃપ દ્વારા શ્રી કૃષ્ણ ભગવાનની મુર્તિને હિન્ડોળે ઝુલતા મુકી લોકોના દર્શનાર્થે મુક્યા હતા. ચોટીલા ખાતે ડુંગર ઉપર માં ચામુંડાનાં દર્શનાર્થે ભાવિકો ઉમટી પડયા હતા. ચોટીલા શહેરમાં વિવિધ મંડળો દ્વારા મટકીફોડનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. સુરેન્દ્રનગર શહેરમાં પણ દિગુભાનો ચોક,વાદીપરા, ૮૦ ફુટ રોડ, જોરાવરનગર- રતનપર સહીતનાં વિસ્તારોમાં મટકી ફોડના કાર્યક્રમ યોજાયા હતા. લખતર શહેરમાં વિ.હી.પ, બજરંગદળ પ્રેરીત જન્માષ્ટમી મહોત્સવ સમીતી આયોજીત શોભાયાત્રાનું શહેરનાં ખીજડીયા હનુમાનજી મંદિરથી તાલુકા ભાજપ પ્રમુખ ડી.કે.ચવલીયા, કારોબારી ચેરમેન જયેન્દ્રભાઈ પટેલ સહિતના આગેવાનોએ પ્રસ્થાન કરાવ્યુ હતું. શહેરનાં માર્ગો પર શોભાયાત્રા નીકળી હતી. ઠેર ઠેર મટકીફોડનાં કાર્યક્રમો યોજાયા હતા. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. લખતર શહેરમાં ઠેર ઠેર કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે નાગરીકોએ પણ પોતાના ઘેર કૃષ્ણના વધામણા કરવા માટે આયોજન કરાયા હતા ત્યારે શહેરના બાળ બોધ ચોકમાં રહેતા ભરતભાઈ મિસ્ત્રીના નિવાસ સ્થાને તેમના પરિવારજનો દ્વારા કૃષ્ણ જન્મની રાત્રીના બાર કલાકે ઉજવણી કરી હતી. કેટલાક કૃષ્ણ ભક્તો દ્વારા વર્ષોની પરંપરાનુસાર ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની પોતાના ઘરમાં રહીને ભક્તિ ભાવપુર્વક રીતે ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે થાનગઢમાંો જન્માષ્ટમી મહોત્સવ નિમીતે શ્રી કનૈયા ગૃપ થાનગઢ દ્વારા થાનગઢમાં ઠાકર મંદિરે આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં થાનગઢમાં શ્રીકૃષ્ણનો ૨૧ ફુટનો હિંડોળો બનાવવામાં આવ્યો હતો. શેરીયુ અને ગલીઓમાં મટકીઓ ફોડવામાં આવી હતી. શ્રી કનૈયા ગૃપ અને ભક્તો ગોવાળીયો મોટી સંખ્યામાં દર્શન કરવા ઉમટી પડયા હતા. જે રાત્રે બાર વાગે કૃષ્ણ જન્મ હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી ના નારા સાથે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો અને પંજરીની પ્રસાદી આપવામાં આવી જન્માષ્ટમી મહોત્સવ શ્રી કનૈયા ગૃપ દ્વારા ઉજવવામાં આવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.