વાગરા: વાલી મિટિંગ એટલે વાલી,બાળક અને શિક્ષક વચ્ચેનો સબંધસેતુ : જુંજેરા સ્કૂલ ખાતે વાલી મિટિંગ યોજાઈ, મોટી સંખ્યામાં વાલીઓ-માતાઓ હાજર રહ્યા.. - At This Time

વાગરા: વાલી મિટિંગ એટલે વાલી,બાળક અને શિક્ષક વચ્ચેનો સબંધસેતુ : જુંજેરા સ્કૂલ ખાતે વાલી મિટિંગ યોજાઈ, મોટી સંખ્યામાં વાલીઓ-માતાઓ હાજર રહ્યા..


શિક્ષકો સાથે સંવાદ કરવાથી બાળકોના અભ્યાસમાં સુધારો લાવી શકાય છે. મુખ્યત્વે શિક્ષણ પ્રણાલી ત્રણ બાબતો સાથે સંકળાયેલી છે. ૧.વાલી ૨. વિદ્યાર્થી ૩. શિક્ષક. આ ત્રણેય શિક્ષણના આધારો છે. બાળકનો સર્વાંગી વિકાસ તેના ઘરના વાતાવરણમાંથી મળે છે પણ બાળકને જ્ઞાન અને જરૂરી માર્ગદર્શન શાળામાંથી જ મળે છે. સમય બદલાયો વ્યવસ્થા બદલાઈ અને લોકોની આર્થિક સામાજિક વિચારસરણીમાં પરિવર્તન આવ્યું તેની સાથે શિક્ષણ જગતમાં પણ ઘણા ફેરફારો સ્વીકૃતિ બનવા લાગ્યા. હવે શિક્ષણ માત્ર સંતાનનું નહી પણ કુટુંબનું કાર્યક્ષેત્ર બન્યું છે શાળાઓ સાથે કુટુંબ(સમાજ) નું જોડાણ આજના સમયનો નવો વિચાર છે. બાળકોના વિકાસ અને વિચાર પ્રક્રિયાને કેળવવામાં બંને સાથે મળીને નિર્ણયો લે તે ખુબ જરૂરી છે. શિક્ષક અને વાલી વચ્ચેનો સંપર્ક અને સંવાદ ખુબ જ અગત્યનો હોય છે. જે બંને વચ્ચે પરસ્પર સહકાર અને વિશ્વાસનો પાયો નાખે છે. આ માટે ફોન કે ચિઠ્ઠીના સંવાદ કરતા પણ પ્રત્યક્ષ મુલાકાત સૌથી મહત્વની ગણાય છે. વાલીના પક્ષે શાળા કે શિક્ષકો સાથેની મુલાકાતનો મુખ્ય હેતુ પોતાનું સંતાન સારું શિક્ષણ મેળવે તેજ હોવી જોઈએ. અભ્યાસને લગતા પ્રશ્નોના સમાધાન માટે શિક્ષકો સાથે સંવાદ કરવાથી બાળકોના અભ્યાસમાં સુધારો લાવી શકાય છે. જે તે વિદ્યાર્થીની નબળાઈ અને ક્ષમતાથી વાકેફ થઈને ચર્ચા થાય તો વિદ્યાર્થીના વિકાસમાં નક્કર કામ થઈ શકે છે.

*વાલી મિટિંગમાં મોટી સંખ્યામાં વાલીઓ-માતાઓ હાજર રહ્યા :-* વિદ્યાર્થીઓનું કઇ રીતે ઘડતર થઇ રહ્યું છે. તેમજ વિદ્યાર્થીઓની સતત પ્રગતિથી વાલીગણને અવગત કરાવાના હેતુસર તેમજ પરિવાર અને સ્વજનો સાથે સ્નેહાળ મુલાકાત માટે જુંજેરા સ્કૂલ પરિવાર દ્વારા વાલી મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ તારીખ. ૧૬/૧૨/૨૦૨૪ ને સવારે 9 કલાકે વાગરા સ્થિત જુંજેરા સ્કૂલ ખાતે સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દીપ પ્રગટાવી પ્રાર્થના સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યાર બાદ ઉપસ્થિત શાળાના ટ્રસ્ટીગણ, આચાર્ય સહિત શિક્ષકોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ઉપસ્થિત શિક્ષકો તેમજ આચાર્ય હિતેશ ભાઈએ ઉપસ્થિત શાળાના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને શિક્ષણ પ્રત્યે જરૂરી સંબોધન કર્યું હતું. ત્યાર બાદ શાળાના વિદ્યાર્થીઓએ પણ શાળા પ્રત્યે પોતાના અનુભવો રજૂ કર્યા હતા. જેમાં જુંજેરા વિદ્યાલય વાગરાની બેસ્ટ સ્કૂલ હોવાંનું જણાવી વિદ્યાર્થીઓએ શાળાનું ગૌરવ વધાર્યું હતું. ઉપસ્થિત વાલીઓએ પણ પોતાના વિચારો રજૂ કરી હાજરજનોને સંબોધન કર્યું હતું. તેમજ શાળા પરિવાર દ્વારા આગામી પરીક્ષા અંગે પણ વિદ્યાર્થીઓ સહિત વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉક્ત કાર્યક્રમમાં સ્કૂલના ટ્રસ્ટીગણ જેમાં રાણા સાહેબ, સ્કૂલના આચાર્ય હિતેશ કુમાર, શિક્ષકગણ, વાલીગણ, માતાઓ અને શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. શાળાના ટ્રસ્ટી નિમેષભાઈ પંચાલ જેઓ અનિવાર્ય સંજોગોને કારણે કાર્યક્રમમાં હાજર રહી શક્યા ન હતા. પરંતુ તેઓએ ટેલિફોનિક વાતચીતથી ઉપસ્થિત લોકોમાં હાજર થઈ પોતાનું વક્તવ્ય આપ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત હોવા ન છતાં તેઓએ પોતે ઉપસ્થિત હોવાની અનુભૂતિ કરાવા બદલ તાળીઓના ગડગડાટથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. સાથેજ શાળા પરિવારે પણ તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

*14 વર્ષ પેહલા શાળાની શરૂઆત કરાઇ હતી. :-* ઉલ્લેખનીય છે, કે વાગરાના અસમાં પાર્ક.3 સ્થિત જુંજેરા વિદ્યાલયની સ્થાપના વર્ષ 2010-11 માં થઈ હતી. ટ્રસ્ટીમંડળ સહિત શિક્ષકગણના અથાગ પ્રયત્નો થકી કોરોના કાળના કપરા સમય બાદ પણ આજે આ શાળા વટવૃક્ષ બનીને અડીખમ છે. અને પોતાની એક આગવી છબી ઉભી કરી છે. અને તેથીજ અહીંયા વાગરા સહિત આસપાસના ગામોમાંથી પણ વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ અર્થે આવે છે. અહીંયા શિશુ 1 થી લઈ ધોરણ 10 સુધીનું શિક્ષણ આપવામાં આવે છે. શાળામાં કોમ્પ્યુટર ક્લાસ, લેબોરેટરી, રમત ગમતનું મેદાન સહિતની સુવિધા ઉપલબ્ધ છે. જુંજેરા વિદ્યાલયમાં હાલ કુલ 325 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ટ્રસ્ટીગણ બાદ શાળાની આ સિદ્ધિનો શ્રેય શાળાના પ્રિન્સિપાલ હિતેશ કુમારને જાય છે. હિતેશ કુમાર છેલ્લા 3 વર્ષ ઉપરાંતથી જુંજેરા સ્કૂલમાં પ્રિન્સીપાલ તરીકે કાર્યરત છે. તેમજ તેઓની ધર્મપત્ની પણ શાળામાં બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છે. હિતેશ કુમાર હંમેશા શાળાના કામોમાં જોતરાયેલા જોવા મળે છે. અને તેઓ સ્કૂલ ટાઈમ સિવાય પણ હર હમેશ સ્કૂલની ચિંતા કરતા હોય છે. તેઓની મહેનતના સ્વરૂપેજ શાળાના પરિણામમાં પણ દર વર્ષે સુધારો જોવા મળે છે. અને એટલેજ વાલીગણમાં પણ તેઓની પ્રશંશાઓ થઈ રહી છે. મોટી સંખ્યામાં વાલી મિટિંગમાં હાજર રહેવા બદલ આચાર્ય હિતેશ કુમારે શાળા પરિવાર વતી સૌનો આભાર માન્યો હતો. અંતે ભોજન લઈ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

*વાલીઓ સંતાનોના ભણતરમાં સહભાગી બનો: આચાર્ય હિતેશ કુમાર :-* જુંજેરા વિદ્યાલયના પ્રિન્સિપાલ હિતેશ કુમારે વાલીઓને સંબોધન કરતાં જણાવ્યુ હતું કે જો તમે ઈચ્છતાં હો કે તમારું બાળક શાળામાં અવ્વલ રહે, સાંજના પોતાનું હોમ વર્ક કરે તથા તમામ સામાન્ય જાણકારીથી વાકેફ રહે તો તેમાં તમારે પણ મહત્ત્વનો ભાગ ભજવવો પડશે. કારણ કે આ માત્ર શાળાના શિક્ષકોની જ જવાબદારી નથી. બાળકના શાળા પ્રવેશથી લઈને તેની તમામ પ્રવૃત્તિઓ સાથે વાલીઓ સંકળાયેલા હોય તે જરૃરી બની ગયું છે. આજે બાળકોનું ભણતર માતા-પિતા માટે કસોટીરૃપ થઈ રહ્યું છે. એક સમયે પોતાના સંતાનો કયા ધોરણમાં ભણે છે તે પિતા જાણતા નહિ. અને માતા પર પણ ક્યારેય બાળકોની પરીક્ષાનું ટેન્શન જોવા મળતું નહિ. પરંતુ આજે તો પરિસ્થિતિમાં સંપૂર્ણ પરિવર્તન આવી ગયું છે. મા-બાપ બાળકના ભણતરની બાબતે સતત ચિંતીત રહે છે અને તે માટે જાતજાતના પ્રયાસો કરતાં જોવા મળે છે. આથી વાલીઓએ શાળાના સમય દરમિયાન  બાળક શું કરે છે તેની માહિતી સંતાનોને હળવાશથી પ્રશ્નો પૂછીને મેળવવી જોઈએ. સંતાનોના અભ્યાસક્રમ તથા શાળામાં ચાલતી ઈતર પ્રવૃત્તિ વિશે મા-બાપે પણ માહિતી રાખવી જોઈએ.  બાળકના ભણતરમાં રસ ધરાવતાં વાલીઓ સાથે શિક્ષકો પણ આત્મીયતાથી વાત કરે છે તેઓ જાણે છે કે બાળકોની સંભાળ રાખતાં અને તેમની પ્રત્યેક બાબત પ્રત્યે જાગૃત રહેતા વાલીઓ જ તેના ભણતર પ્રત્યે ગંભીર વલણ ધરાવે છે. હવે ઘણી શાળાઓમાં વાલી અને શિક્ષકો મળી શકે તે માટે ચોક્કસ સમય નક્કી કરવામાં આવે છે. આ સમયે મા-બાપ પોતાના બાળકોની શાળાકીય પ્રવૃતિ બાબતે જાણી શકે છે અને તે સંબંધિત કોઈ સમસ્યા હોય તો શિક્ષક સાથે છૂટથી ચર્ચા પણ કરી શકે છે. સંતાનના અભ્યાસ સંબંધિત કોઈ સમસ્યા નજરે ચડે તો તરત જ તેના શિક્ષકનો સંપર્ક કરવો જોઈએ. ક્યારેક ઘરના વાતાવરણ કે સંજોગોની પણ બાળમાનસ પર વિપરીત અસર પડતી હોય છે એટલે જો એવી કોઈ તકલીફ હોય તો તે બદ્લ પણ શિક્ષક સાથે છૂટથી વાતચીત કરવી. જેમ કે - સંયુક્ત  કુટુંબ હોય કે નોેકરિયાત માતા હોય, ઘરમાં બીજા સંતાનના જન્મને કારણે બાળક ઓછપ અનુભવતું હોય  કે મા-બાપ તેને પૂરતો સમય ફાળવી ન શકતા હોય વગેરે ઘણી વખત એવું બને કે માતા-પિતા વચ્ચે ખટરાગ હોય ત્યારે તેની અવળી અસર બાળકોના મન પર પડે છે. તે જ પ્રમાણે ઘરમાં તેનાથી નાના ભાઈ કે બહેનના જન્મ બાદ તેના પ્રત્યે સહુનું ધ્યાન ઓછું થઈ જતાં પણ તે આંતરિક રીતે મુંઝાયેલું રહે છે એટલે  આવી કોઈ તકલીફ હોય તો તે અંગે શાળાના શિક્ષક સાથે છૂટથી વાત કરો જેથી  શિક્ષક શાળાના સમય દરમિયાન તેના પર વધારે ધ્યાન આપે. તે જ પ્રમાણે અચાનક જ બાળક ભણવામાં નબળું થતું જાય તો પણ તાત્કાલિક તેના શિક્ષકનો સંપર્ક કરવો જોઈએ. જેથી શાળામાં કોઈ તકલીફ હોય તો તેનું નિવારણ થઈ શકે. જો બાળક શિક્ષકનો સંદેશ તમને ન પહોંચાડતું હોય તો શિક્ષકને કહો કે કેલેન્ડરમાં આૃથવા પેન્સિલ બોક્સમાં નોટ લખીને મોકલે. શિક્ષકને મળવા સમયસર પહોંચવું જોઈએ. તથા જે પણ વાતચીત કરવાની હોય તે મુદ્દા લખીને જવા. જેથી ભૂલી ન જવાય. બાળકે કોઈ તોફાન-મસ્તી કર્યા હોય અને ફરિયાદ સાથે શાળામાં મળવા બોલાવ્યા હોય તો પણ આત્મવિશ્વાસપૂર્વક જવું જોઈએ. કારણ કે આ પ્રકારે મળવા જવાથી પણ બાળકમાં રહેલી કોઈ સમસ્યા હોય તો તેનો ઉકેલ મળી શકે છે. ઘણી  વખત એવું બને છે કે વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોવાથી શિક્ષક બધાને સંભાળી ન શકતા હોવાથી પણ ફરિયાદ કરે છે. એટલે શિક્ષકની ફરિયાદનું મૂળ કારણ જાણ્યા વગર બાળક પર ગુસ્સો કરવો નહિ. પહેલાં સાચી હકીકત જાણવી જોઈએ. શાળાની પીટીએ મિટિંગમાં હાજરી આપવી જોઈએ જેથી શિક્ષકો સાથે મુક્તમને ચર્ચા કરી શકાય. બાળકોની નોટબુકોને રોજેરોજ તપાસવી જેથી શિક્ષકે કોઈ ચિઠ્ઠી મોકલી હોય તો તેની જાણ થઈ જાય. અને આ દ્વારા સંતાનના શિક્ષણ વિશેની પણ  માહિતી મળી શકે છે. શાળાના કલાકો બાદ શિક્ષકોનું પણ અંગતજીવન હોય છે. એટલે કટોકટીભર્યા સંજોગો ન હોય તો શાળા પૂરી થયા બાદ શિક્ષકનો સંપર્ક ન કરવો. અહીં  એક મહત્વની વાત યાદ રાખો કે જો તમે તમારા સંતાનના શિક્ષકને માન આપશો તો  તમારા બાળકો પણ તેને સમ્માન આપશે.

*સ્કૂલમાં યોજાતા કાર્યક્રમોમાં જો મા-બાપ ગેરહાજર રહે તો બાળક લઘુતાગ્રંથિ અનુભવે છે. : આચાર્ય-હિતેશ કુમાર :-*  વાલીઓને સમજણ આપતા વધુમાં હિતેશ કુમારે જણાવ્યુ હતું કે સંતાનો શાળામાં શું ભણે છે તથા જે ભણે છે તેને સમજાય છે કે નહિ તે પણ જાણવું જરૃરી છે. એવું નથી કે માત્ર સરકારી શાળાઓમાં જ ભણતરને નામે મીંડુ હોય છે કેટલીક અંગ્રેજી માધ્યમની ખાનગી શાળાઓ પણ માત્ર મોટી મોટી વાતો કરતી હોય છે અને તેમાં શૈક્ષણિક સ્તર નીચું હોવાનું જાણવા મળે છે. શિક્ષકો શાળામાં કેવું  ભણાવે છે અને તે બાળક સમજી શકે છે કે નહિ તે બાબત જાણવી પણ જરૃરી છે. ઘણી વખત આપણી ધારણા કરતાં સંતાનો ખૂબ ઓછું ભણતાં હોય એવું પણ જોવા મળે છે. એટલે જો તે કોઈ વિષયમાં નબળું હોય તો તે શોધી કાઢવું જોઈએ. આ માટે આપણે ત્યાં ઘણી ટેસ્ટ પણ છે. જેમાં વિવિધ વિષયમાં બાળકની હોશિયારી ચકાસવામાં આવે છે. બાળકના અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને તે સંબંધિત તસવીરો, ફિલ્મો કે વેબસાઈટ શોધીને બાળકને તે બતાવો. શાળામાં તેને જે કંઈ ભણાવવામાં આવ્યું હોય તે તેના જ શબ્દોમાં સમજાવવાનું કહો જેથી તેને શું સમજાયું છે કે શું નથી સમજાયું તેની જાણ થશે. પાઠયપુસ્તકના જ્ઞાનનો વાસ્તવિક જીવનમાં કેવી રીતે ઉપયોગ થશે તે પણ બાળકને સમજાવવું  જોઈએ. માતા-પિતા બંને નોકરિયાત કે પ્રોફેશનલ હોય તો તેમણે બાળકના ઉછેર અને શિક્ષણ માટે જરૃરી સમય ફાળવી ધ્યાન આપવું જોઈએ. પૈસા ખર્ચી મોંઘુ ટયુશન રખાવી દેવાથી બાળકની ભણતર સંબંધિત સમસ્યાઓ દૂર થતી નથી. વાલીઓએ કારકિર્દી અને પરિવાર વચ્ચે સંતુલન રાખવું જોઈએ. નોકરિયાત માતાઓએ સમયમાં થોડી છૂટછાટ મળે તેવી નોકરી પસંદ કરવી જોઈએ જેથી તે બાળકોના ઉછેરમાં ધ્યાન આપી શકે. બને તો ઑફિસમાં ઓછો સમય રહી ઘરે બેસીને કામ પૂરું કરો જેથી બાળકને પણ તમારી કંપની મળી રહે અને ઓફિસનું કામ પણ ન બગડે. આ બાબતે તમારા ઉપરી સાથે ખુલ્લા મનથી વાત કરો અને કામમાં વિલંબ ન થાય તેની ખાતરી આપો તથા તેવું કરીને બતાવો. બાળક શાળાએથી પરત આવે ત્યારે ઘરમાં માતા  આૃથવા પિતાની હાજરી હોવી જરૃરી છે. તેને પ્રેમથી જમાડો, તેની સાથે વાતો કરતાં કરતાં કામ કરો તથા રાતના સુતી વખતે તેને વાર્તા સંભળાવો અને વ્હાલ વરસાવતાં સુવડાવો. બાળકને પૈસા કરતાં તમારી મમતાની વધુ જરૃર  હોય છે તે વાત યાદ રાખો. સૌથી મહત્વની વાત એ છે કે, સંતાનના શાળાકીય કાર્યક્રમોમાં અચૂક હાજર રહો. સ્પોર્ટ્સ ડે, એન્યુઅલ ડે જેવા કાર્યક્રમો સમયે જો મા-બાપ ગેરહાજર રહે તો બાળક લઘુતાગ્રંથિ અનુભવે છે. છેવટે, તમે ખીલવેલા માસુમ પુષ્પના માળી તમે જ છો તે વાત કદાપિ ન વીસરવી જોઈએ.

રિપોર્ટર: સૈયદ શેર અલી


9978498188
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.