મહિકા ગામના પાટીયેથી 600 લીટર દેશી દારૂ ભરેલી ક્વાલિસ સાથે ડ્રાઈવરને પકડી પાડતી ક્રાઈમ બ્રાન્ચ
રાજકોટમાં વિદેશીની સાથે જ દેશી દારૂના વેચાણ ઉપર પોલીસની ધોંસ વધતાં જ બૂટલેગરો તેમજ પ્યાસીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. બીજી બાજુ રાજકોટમાં ઘૂસે તે સાથે જ પોલીસ દ્વારા દારૂ પકડી લેવામાં આવતો હોવાથી તે સિલસિલામાં વધુ એક જથ્થો પકડી પાડ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે મહિકા ગામના પાટીયા પાસેથી 600 લીટર દેશી દારૂ ભરેલી ક્વાલિસ કાર સાથે ચાલકની ધરપકડ કરી છે તો દારૂ મોકલનાર અને દારૂ લાવનારના ભાગીદારનું નામ ખુલતાં જ તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે ક્રાઈમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ સંજય દાફડા, કુલદીપસિંહ રામદેવસિંહ જાડેજા સહિતના સ્ટાફે બાતમીના આધારે મહિકા ગામના પાટીયા તરફ જતા રોડ ઉપર કનૈયા ટી-સ્ટોર એન્ડ પાન કોલ્ડ્રીંક્સ સામેના રોડ ઉપર વૉચ ગોઠવી હતી. સ્ટાફને બાતમી મળી હતી કે અહીંથી દારૂ ભરેલી ગાડી પસાર થવાની છે. આ પછી બાતમીના આધારે જ ક્વાલિસ કાર નં.જીજે-01-એચસી-1962 પસાર થતાં તેને અટકાવીને ચેક કરવામાં આવતાં તેનો ચાલક અનિલ ભીમજીભાઈ મુળિયા (રહે.ચુનારાવાડ, શેરી નં.23) મળી આવ્યો હતો.
ત્યારબાદ ગાડીનું ચેકિંગ કરવામાં આવતાં તેમાંથી 600 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી અનિલને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવામાં આવતાં તેણે ‘પોપટ’ બની જઈને કબૂલાત આપી હતી કે દારૂનો આ જથ્થો તે ચોટીલામાં જ દારૂ બનાવતા વસંત બાવળિયા પાસેથી ખરીદીને લાવ્યો છે અને આ દારૂ રાજકોટના માજોઠીનગરમાં રહેતા યુનુસ દાસા સાથે ભાગીદારીમાં મળીને ચુનારાવાડ સહિતના વિસ્તારોમાં વેચવાનો હતો. જો કે દારૂ રાજકોટ સુધી પહોંચે તે પહેલાં જ પકડી લેવાયો છે. ક્રાઈમ બ્રાન્ચે અનિલ ઉર્ફે લાલો ભીમજીભાઈ મુળિયાની ધરપકડ કરી રૂા.1.65 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે સાથે સાથે ચોટીલાના વસંત બાવળિયા અને રાજકોટના યુનુસ દાસાની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.