પોરબંદર જિલ્લા કલેકટરએ ગેમઝોન અને જોખમી જણાતા પબ્લિક પ્લેસની તપાસ કરવા આદેશ આપ્યો
પોરબંદર જિલ્લા કલેકટરએ ગેમઝોન અને જોખમી જણાતા પબ્લિક પ્લેસની તપાસ કરવા આદેશ આપ્યો
૦૦૦
જિલ્લા કલેક્ટર કે.ડી. લાખાણીના અધ્યક્ષસ્થાને પોરબંદરના ગેમઝોનની તપાસ મુદ્દે સમીક્ષા બેઠક યોજાઈ
પોરબંદર જિલ્લા કલેક્ટર કે.ડી. લાખાણીના અધ્યક્ષસ્થાને સેવા સદન - ૧ ખાતે જિલ્લામાં આવેલા ગેમઝોનના સંચાલન સંબંધે તકેદારી રાખવા તેમજ સલામતી બાબતે તપાસ કરવા સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર કે.ડી. લાખાણીએ જિલ્લામાં આવેલા તમામ ગેમઝોન અને લોકોની ભીડ રહેતી હોય તેવા સ્થળોની ચકાસણી કરવા માટે વિવિધ ટીમો બનાવીને કામગીરી કરવા સૂચના આપી હતી. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શનમાં તમામ પ્રાંત અધિકારીઓને ગેમ ઝોનની ચકાસણી માટે નોડલ અધિકારીતરીકે જવાબદારી આપવામાં આવી છે. નાયબ મામલતદાર, પોલીસ, નગરપાલિકા, પીજીવીસીએલ એમ વિવિધ વિભાગોની સંયુક્ત રીતે ટીમો બનાવવામાં આવી છે. આ ટીમ પોરબંદરમાં આવેલા તમામ ગેમ ઝોન સરકારના નિયમોનુસાર છે કે નહીં તેની ચકાસણી કરીને જિલ્લા કલેક્ટર સમક્ષ અહેવાલ રજૂ કરશે. રાજ્ય સરકારની સૂચનાનુસાર અને સંબંધિત નિયમોનુસાર આ ટીમો દ્વારા કાર્યવાહી પણ કરાશે. જિલ્લા કલેક્ટર કે.ડી. લાખાણીએ વધુમાં ઉમેર્યું હતું કે, સમગ્ર પોરબંદરમાં વહીવટીતંત્રની ટીમો દ્વારા જે સ્થળે લોકોની વધુ ભીડ હોય ત્યાં તેમજ ગેમઝોનમાં ફાયર એન.ઓ.સી, બાંધકામ પરવાનગી અને ઈન્ટર વાયરીંગ સહિત બાંધકામ મંજૂરીની તપાસ કરવામાં આવશે. આ બેઠકમાં અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, ફાયર એન.ઓ.સી સહિત વિવિધ પરમિશનની બારીકાઈથી તપાસ થાય તે ખૂબ જ જરૂરી છે. ગેમ ઝોનમાં આકસ્મિક સંજોગોમાં રાહત બચાવ માટે ઉપલબ્ધ વ્યવસ્થાઓ તપાસવા તાકીદ કરી હતી. નિવાસી અધિક કલેક્ટરરાજેન્દ્રસિંહ રાયજાદાએ ઉપસ્થિત સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓને તપાસ ટીમો દ્વારા કામગીરી સુચારુ રીતે થાય તે દિશામાં યોગ્ય રીતે મોનિટરીંગ કરવા સૂચન કર્યું હતું.
આ બેઠકમાં પ્રાંત અધિકારીઓ, નાયબ પોલીસ અધિક્ષકઓ, ચીફ ઓફિસર સહિત ફાયર વિભાગ અને પીજીવીસીએલ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.