લાંચ કેસમાં આરોપીઓના વધુ રિમાન્ડ કોર્ટે ફગાવ્યા, CBI કોર્ટે તમામને જયુ. કસ્ટડીમાં મોકલ્યા - At This Time

લાંચ કેસમાં આરોપીઓના વધુ રિમાન્ડ કોર્ટે ફગાવ્યા, CBI કોર્ટે તમામને જયુ. કસ્ટડીમાં મોકલ્યા


અમદાવાદ,તા. 19 જુલાઈ 2022,મંગળવારઅમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઇવેની કામગીરીમાં કંપનીની તરફેણ કરવા માટે રૂ.દસ લાખની લાંચ લેવાના ચકચારભર્યા કેસમાં નેશનલ હાઇવે ઓથોરીટીના ચીફ જનરલ મેનેજર દિગ્વિજયસિંહ મિશ્રાના સીબીઆઇ રિમાન્ડ હેઠળ છે પરંતુ આ કેસના અન્ય ચાર આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં સીબીઆઇએ આજે તમામ આરોપીઓને અત્રેની સીબીઆઇ કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડની માંગણી કરી હતી. પરંતુ સીબીઆઇ કોર્ટે આરોપીઓના રિમાન્ડ નામંજૂર કરી તમામને જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવા હુકમ કર્યો હતો. આ કેસમાં પકડાયેલા વધુ એક આરોપી એમકેસી ઇન્ફ્રાસ્ટ્રકચરના એમડી અરૂણ બાંભણીયાને સીબીઆઇ કોર્ટે તા.૨૦મી જૂલાઇ સુધીના બે દિવસના રિમાન્ડ આપ્યા હતા.સમગ્ર પ્રકરણમાં વધુ એક આરોપી અરૂણ બાંભણીયા પકડાયો, તા.૨૦મી સુધી રિમાન્ડ મંજૂરસીબીઆઇ કોર્ટે આરોપીઓના વધુ રિમાન્ડ માંગતી સીબીઆઇની રિમાન્ડ અરજી ફગાવી દીધી હતી. સીબીઆઇ તરફથી આરોપીઓ અંકુર મલ્હોત્રા તથા અન્યોને આજે કોર્ટમાં રજૂ કરી તેઓના વધુ રિમાન્ડ માંગતા જણાવાયું કે, આ કેસના તપાસનીશ અધિકારી સીબીઆઇના કેસોની તપાસમાં હોવાથી રિમાન્ડ દરમ્યાન આરોપીઓની પૂછપરછ કરી શકયા નથી, તેથી કોર્ટે વધુ રિમાન્ડ આપવા જોઇએ. જો કે, આરોપીઓ અંકુર મલ્હોત્રા તથા અન્યો તરફથી એડવોકેટ દિલીપ એમ.આહુજા તથા અન્યોએ વિરોધ કરતાં જણાવ્યું કે, સીબીઆઇની આ દલીલ ટકી શકે તેમ નથી. કારણ કે, કોર્ટ દ્વારા રિમાન્ડનો હુકમ કરાયો તે જયુડીશીયલ ઓર્ડર છે અને રિમાન્ડમાં પૂછપરછ નહી કરી સીબીઆઇએ ખુદ કોર્ટના હુકમનું જ પાલન કર્યુ નથી, તેમ કહી શકાય. આ સંજોગોમાં  હવે તપાસનીશ એજન્સી જ જયારે કોર્ટના હુકમનુ પાલન કરવામાં કસૂર કર્યો છે ત્યારે તેનો ભોગ આરોપીઓને ના બનાવી શકાય. આ સંજોગોમાં કોર્ટે આરોપીઓના વધુ રિમાન્ડ આપવાની જરૂર રહેતી નથી. તમામને સાંભળ્યા બાદ સીબીઆઇ કોર્ટે આરોપીઓના રિમાન્ડ નામંજૂર કરી તમામને જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. આ કેસમાં ટી.પી.સિંહ, જાહીદ વિજાપુર, શિવપાલસિંહ ચૌધરી, આર.બી.સિંહના આરોપીઓ સીબીઆઇના સંકજામાં આવી ચૂકયા છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.