સીબીઆઇ કોર્ટનો મહત્વનો હુકમ: લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર કેસમાં કે.રાજેશને ચાર દિવસના રિમાન્ડ
અમદાવાદ,તા.15 જુલાઈ 2022,શુક્રવારસુરેન્દ્રનગર જિલ્લાના કલેકટર તરીકેના કાર્યકાળ દરમ્યાન હથિયારોના ગેરકાયદે રીતે લાયસન્સ ઇશ્યુ કરી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવાના પ્રકરણમાં સીબીઆઇ દ્વારા ધરપકડ કરાયેલ રાજય સરકારના સામાન્ય વહીવટી વિભાગના જોઇન્ટ સેક્રેટરી કે.રાજેશને આજે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અત્રેની સીબીઆઇ કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કરાયા હતા. સીબીઆઇની રિમાન્ડ અરજી ધ્યાનમાં લીધા બાદ સીબીઆઇ સ્પેશ્યલ જજે આરોપી કે.રાજેશને તા.૧૮મી જૂલાઇ સુધી ચાર દિવસના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો હતો. આરોપીએ સરકારી જમીનોની પણ ખોટી રીતે ફાળવણી કરી કૌભાંડ આચર્યુ છે : સીબીઆઇસીબીઆઇ તરફથી આરોપી કે.રાજેશના ૧૪ દિવસના રિમાન્ડની માગણી કરતાં જણાવાયું હતું કે, આરોપીએ સરકારી હોદ્દા અને સત્તાનો દૂરપયોગ કરી પોલીસના રિપોર્ટ નેગેટિવ હોવાછતાં ગેરકાયદે રીતે ૨૭૧ હથિયારોના લાયસન્સ ઇશ્યુ કર્યા હતા. આરોપીએ સુરેન્દ્રનગર કલેકટરના ઓફિશીયલ એકાઉન્ટમાં ડોનેશનના નામે પૈસા જમા લઇ ઉપાડયા હતા. ગેરકાયદે રીતે હથિયારોના લાયસન્સ ઇશ્યુ કરવા બદલ આરોપીએ અત્યારસુધીમાં લાખો રૂપિયાની લાંચ માંગી અને સ્વીકારી છે. એટલું જ નહી, આરોપીએ સરકારી જમીનોની પણ ખોટી રીતે ફાળવણી કરી તેમાં પણ કૌભાંડ આચરી લાખો રૂપિયાની ઉચાપત કરી છે. આરોપી ઉચ્ચ સરકારી અધિકારી છે અને કાયદાની પ્રક્રિયાથી વાકેફ હોઇ કેસની તપાસમાં કોઇપણ રીતે સાથ-સહકાર આપતા નથી. આરોપી સાથે અન્ય કોણ કોણ આ કૌભાંડમાં સંડોવાયેલ છે અને તેને કોણે કોણે મદદગારી કરી છે, ભ્રષ્ટાચાર કરી મેળવેલા નાણાંનો કયાં ઉપયોગ કર્યો છે તે સહિતના કારણોની તપાસ માટે આરોપીની કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન જરૂરી છે. કે. રાજેશ તરફથી શું બચાવ રજૂ કરાયો..?કે.રાજેશ તરફથી એવો બચાવ રજૂ કરાયો હતો કે, કે.રાજેશએ તેમની પાસે એક પણ રૂપિયો રાખ્યો નથી, તમામ પૈસા ઓફિશીયલ એકાઉન્ટમાં આવ્યા છે. સરકારી ખાતામાં પૈસા ડિપોઝીટ કરાવ્યા છે અને તે ડોનેશન સ્વરૂપે હતા, જે લોકોએ તેમની ઇચ્છા મુજબ આપ્યા છે તે તમામ સરકારી ખાતામાં ગયા છે અને તમામ પૈસા સરકારના છે. મારી કારકિર્દી ખતર કરવાના ભાગરૂપે મારી વિરૂધ્ધ આ ષડયંત્ર કરવામાં આવ્યું છે. છેલ્લા બે દિવસમાં સીબીઆઇના અધિકારીઓએ મને ૩૫થી વધુ પ્રશ્નો પૂછયા છે અને મેં તમામના શાંતિપૂર્વક જવાબ આપ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.