ખેડૂતોને વિશેષ બજાર મળી રહે તથા તેઓ આત્મનિર્ભર બની શકે તે માટે શરૂ કરાયું અભિયાન
પંચમહાલ જિલ્લા વહીવટી તંત્રની પહેલ,પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે વેચાણ વ્યવસ્થા ઉભી કરાઈ
ગુરૂવાર અને રવિવાર એમ બે દિવસ તમામ તાલુકા અને જિલ્લા કક્ષાએ પ્રાકૃતિક ખેતીના ઉપજનું વેચાણ શરૂ કરાશે
ગોધરા
રાજ્યના ખેડૂતો રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓને છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્ય સરકારશ્રી તથા ગુજરાતના રાજ્યપાલશ્રી દ્વારા આ બાબતે વિશેષ નોંધ લઈને પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોને વાળવાના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.આ માટે અલગ અલગ અભિયાનો થકી ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ,ઉત્પાદનમાં વધારો,ખર્ચમાં ઘટાડો,સ્વાસ્થ્ય વગેરે વિષયો પર જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.
પંચમહાલ જિલ્લા કલેક્ટરશ્રી તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ થોડાક દિવસો અગાઉ ગુરુકુળ હરિયાણા ખાતે આવેલા પ્રાકૃતિક ખેતીના ફાર્મની મુલાકાત લીધી હતી. જેમાં પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ અને ઉપયોગીતા તેમજ ખેડૂતોના ઉત્પાદનમાં થનાર લાભો ખેડૂતોના હિતમાં છે તેવું ગુરુકુળ ફાર્મની મુલાકાત વખતે નોંધીને તેની અમલવારી પોતાના જિલ્લામાં કરાવવા હેતું એક અભિયાન શરૂ કર્યું છે.
ચાલુ વર્ષે પંચમહાલ જિલ્લાના ખેડૂતોને વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી તરફ લઈ જવા માટે પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ વિશેષ અભિયાન હાથ ધરાયું છે.આ માટે ખેડૂતોની પ્રાકૃતિક પેદાશોનું વેચાણ થઈ શકે અને તેમને વેચાણનું યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટે જિલ્લા કક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ મામલતદારશ્રી,તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સાથે સંકલન કરી આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રીએ વેચાણ વ્યવસ્થા માટે સઘન પ્રયાસો હાથ ધર્યા છે.
પંચમહાલ જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને વિશેષ બજાર મળી રહે તથા તેઓ આત્મનિર્ભર બની શકે તે માટે ગોધરા, જાંબુઘોડા, ઘોઘંબા અને મોરવા હડફ તાલુકામાં આત્મા પ્રોજેક્ટ તેમજ વહીવટ તંત્ર દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વેચાણ વ્યવસ્થામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતીથી પકવેલી શાકભાજી અને ખરીફ સીઝનમાં પકવેલા ડાંગર, મકાઈ,બાવટો તેમજ વિવિધ કઠોળનું પણ વેચાણ શરૂ કર્યું છે.
જિલ્લામાં આ અભિયાન અંતર્ગત અઠવાડિયામાં ગુરૂવાર અને રવિવાર એમ બે દિવસ તમામ તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ પ્રાકૃતિક ખેતીના ઉપજનું વેચાણ શરૂ કરવામાં આવનાર છે.કાર્યક્રમ અંતર્ગત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને લાભ મળી રહે અને વધુમાં વધુ સંખ્યામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે આ પ્રકારની વ્યવસ્થા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે જે સરાહનીય છે.
રિપોર્ટર, વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.