ઝાલાવાડ પંથકમાં સિંગતેલ અને કપાસિયા તેલનો ભાવ આસમાને - At This Time

ઝાલાવાડ પંથકમાં સિંગતેલ અને કપાસિયા તેલનો ભાવ આસમાને


- સૌરાષ્ટ્રમાં મગફળીનું પુષ્કળ ઉત્પાદન થવા છતાં - સિંગતેલનો ડબ્બો રૂા. 2920 અને કપાસીયા તેલનો ડબ્બો રૂા. 2600 બેફામ બનેલા તેલીયા રાજાઓની નફાખોરી નાથવામાં સરકારની નિષ્ક્રિયતાથી પ્રજામાં રોષસુરેન્દ્રનગર : સૌરાષ્ટ્રમાં મગફળીનું પુષ્કળ ઉત્પાદન થવા છતાં સિંગતેલના ડબ્બાનો ભાવ રોકેટગતિએ વધીને રૂા. ત્રણ હજારની નજીક પહોંચી ગયો છે. તેના કારણે ગરીબ-સામાન્ય મધ્યમવગના પરિવારોને છાશ-રોટલા ખાઈને તહેવારો ઉજવવા પડે તેવી કફોડી સ્થિતિ સર્જાઇ છે. તેલીયા રાજાઓની બેફામ નફાખોરીને નાથવામાં રાજ્ય સરકાર નિષ્ફળ રહેતા પ્રજામાં રોષની લાગણી પ્રવર્તે છે.સૌરાષ્ટ્રમાં છેલ્લા બે-ત્રણ વર્ષથી મગફળીનું પુષ્કળ ઉત્પાદન થાય છે. તેમ છતા સિંગતેલના ભાવોમાં રોકેટગતિએ વધારો થઈ રહ્યો છે હાલમાં બે વર્ષના ક૫રા કોરોનાકાળ પછી તહેવારોની ઉજવણીનો માહોલ જામ્યો છે. ત્યારે સિંગતેલ અને કપાસીયા તેલના ભાવોમાં તોતીંગ વધારો થતા ગરીબ-સામાન્ય મધ્યમ વર્ગના પરિવારોમાં નિરાશાની લાગણી ફેલાઇ છે. જન્માષ્ટમીનું પર્વ સંપન્ન થયા બાદ હવે ગણેશોત્સવની તૈયારીઓ શરૂ થઇ છે અને નવરાત્રી, દશેરા, દિવાળીના તહેવારો નજીક આવી થયા છે. ત્યારે જ સિંગતેલ અને કપાસીયા તેલના ભાવોમાં ભડકો થતા આમ જનતામાં રોષની લાગણી ફેલાઇ છે. બજારના વર્તુળોમાંથી મળતી માહીતી મુજબ સુરેન્દ્રનગરમાં સિંગતેલ ૧૫ કિલોના ડબ્બાનો ભાવ રૂા.૨૯૨૦ અને ૧૫ લીટરના ડબ્બાનો ભાવ રૂા. ૨૭૨૦ બોલાયો છે. જ્યારે કપાસીયાનો ભાવ રૂા. ૨૬૦૦ તથા ૧૫ લીટરના ડબ્બાનો ભાવ રૂા.૨૪૦૦ છે. મકાઈના તેલનો ડબ્બો પણ ભાવવધારા સાથે રૂા.૨૩૦૦ થયો છે. જાણકારોના કહેવા મુજબ તેલીયારાજાઓ સિંગતેલ અને સિંગદાણાની આડેધડ નિકાસ કરીને બેફામ નફાખોરી કરી રહ્યા છે. જ્યારે ખાદ્યતેલના ભાવવધારા માટે પહેલા અતિવૃષ્ટિથી મગફળીનો પાક ઓછો ઉતર્યા હોવાનો લુલો બચાવ કરાયો હતો. બાદમાં પામતેલની તેજીને લીધે ખાદ્યતેલના ભાવો ઉંચકાયા હોવાનું ગાણુ ચાલુ કરાયુ હતું. હવે નાફ્રેડે મગફળીનો સંગ્રહ કરતા પીલાણ માટે મગફળી ઉપલબ્ધ ન હોવાનું કહીને સિંગતેલના ભાવવધારાનો બચાવ થઇ રહ્યો હોવાની ચર્ચા ઉઠી છે. અત્રે ઉલ્લેખનીય છેકે, ખાદ્યતેલના બેફામ ભાવવધારાને ડામવા માટે સરકારે લીધેલ સ્ટોક લીમીટ સહિતના પગલા નિષ્ફળ રહ્યા છે. જાણકારોના કહેવા મુજબ આ સંજોગોમાં ખાદ્યતેલોના ભાવવભારાને કાબુમાં લેવા માટે સિંગતેલ અને સીંગદાણાની નિકાસ ઉપર સંપુર્ણ પ્રતિબંધ મુકવો જરૂરી છે, પરંતુ સરકાર અગમ્ય કારણોસર નિકાસ ઉપર પ્રતિબંધ લાદતી ન હોવાથી ગરીબ-સામાન્ય અને મધ્યમવર્ગના પરિવારોમાં મોંઘવારીમાં પીસાઇ રહ્યાં છે.

સુરેન્દ્રનગરમાં ખાદ્યતેલોના ભાવ

સિંગતેલ ૧૫ કિલો      રૂા.૨૯૨૦

સિંગતેલ ૧૫ લીટર     રૂા.૨૭૨૦

કપાસીયા ૧૫ કિલો     રૂા. ૨૬૦૦

કપાસીયા ૧૫ લીટર    રૂા. ૨૪૦૦

મકાઈતેલ ૧૫ લીટર   રૂા. ૨૩૦૦

ડીસ્કો તેલ ૧૫ લીટર   રૂા. ૨૨૦૦

પામોલીન તેલ ૧૫ લીટર      રૂા. ૧૯૫૦

 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.