ડિંડોલીમાં ટ્રાવેલ્સનું કામ કરતા યુવાનના ખુલ્લા ઘરમાંથી રોકડા રૂ.3.50 લાખ અને જુના દાગીના મળી કુલ રૂ.4.06 લાખની ચોરી - At This Time

ડિંડોલીમાં ટ્રાવેલ્સનું કામ કરતા યુવાનના ખુલ્લા ઘરમાંથી રોકડા રૂ.3.50 લાખ અને જુના દાગીના મળી કુલ રૂ.4.06 લાખની ચોરી


- દશામાની સ્થાપના ઘરમાં કરી હોય પરિવાર મોડે સુધી જાગતું હતું અને યુવાનને પણ કામના ફોન આવતા હોય તે પણ સમયાંતરે જાગતો હતો છતાં કોઈક ચોરી કરી ગયું - યુવાનની માતા વીસી ચલાવતા હોય 30 મેમ્બરના રૂ.1.50 લાખ, પાડોશી મહિલાએ સાચવવા આપેલા રૂ.1.50 લાખ અને પિતાના ઓપરેશન માટેના રૂ.50 હજાર સાથે હતા  સુરત,તા.1 ઓગષ્ટ 2022,સોમવાર સુરતના નવાગામ ડિંડોલી વિસ્તારમાં રહેતા અને ટ્રાવેલ્સનું કામ કરતા યુવાનના ઘરમાં દશામાની સ્થાપના કરી હોય પરિવાર મોડે સુધી જાગતું હતું અને યુવાનને પણ કામના ફોન આવતા હોય તે પણ સમયાંતરે જાગતો હતો છતાં કોઈક ખુલ્લા ઘરમાંથી રોકડા રૂ.3.50 લાખ અને જુના દાગીના મળી કુલ રૂ.4.06 લાખની ચોરી કરી ફરાર થઈ ગયું હતું.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મહારાષ્ટ્રનો વતની અને સુરતમાં નવાગામ ડિંડોલી રોડ શિવહીરાનગરની બાજુમાં જલારામનગર વિભાગ 2 મકાન નં.10 માં માતાપિતા અને પત્ની ગીતા સાથે રહેતો 32 વર્ષીય સંદીપ બાપુ મોરે ટ્રાવેલ્સનું કામ કરે છે. હાલ દશામાના તહેવારને લીધે ઘરમાં તેમણે દશામાની મૂર્તિની સ્થાપના કરી છે અને પૂજા કરે છે. સંદીપની માતા સરલાબેન વીસી ચલાવતા હોય 30 મેમ્બરના રૂ.5 હજાર લેખે રૂ.1.50 લાખ ભેગા થયા હોય, પાડોશી ઉષાબેને સાચવવા આપેલા રૂ.1.50 લાખ અને પિતાના ઓપરેશન માટે ફાઈનાન્સ કંપનીમાં સોનાની ચેઈન ગીરવે મૂકી વ્યાજે લીધેલા રૂ.50 હજાર મળી કુલ રૂ.3.50 લાખ સંદીપની પત્ની ગીતાએ ગત શુક્રવારની રાત્રે 9.30 વાગ્યે કબાટમાં મૂકી તેને લોક કરી ચાવીનો ઝુમખો કબાટની બાજુમાં મેકઅપ બોક્ષની અંદર મુક્યો હતો.તે રાત્રે સંદીપને કામ માટે ફોન આવતા તે બહાર ગયો હતો અને પરત એક વાગ્યે આવ્યો ત્યારે તેની પત્ની અને માતાપિતા ઘરના આગળના રૂમમાં દશામાની મૂર્તિ પાસે ઘરનો લાકડાનો અને લોખંડની ગ્રીલનો દરવાજો ખોલી બેસેલા હતા. તેઓ દોઢ વાગ્યે આગળના રૂમમાં સુઈ ગયા હતા જયારે સંદીપ પાછળના રૂમમાં સુવા ગયો હતો. પરંતુ રાત્રી દરમિયાન તેને કામ માટે ફોન આવતા તે સમયાંતરે જાગતો રહ્યો હતો.મળસ્કે પાંચ વાગ્યે તેની પત્ની અને માતાપિતા જગ્યા બાદ તે 6.30 વાગ્યે ડ્રાઈવરને ગાડી ભાડા માટે આપી સુઈ ગયો હતો.સવારે 10 વાગ્યે ઉઠી તે નાહીધોઈને કારનું પંક્ચર કરાવવા ગયો ત્યારે 12 વાગ્યે પત્નીએ ઘરે ચોરી થયાની જાણ કરતા તે ઘરે દોડી ગયો હતો. કોઈકે રાત્રીના 1.30 વાગ્યાથી સવારના 11.30 દરમિયાન તેમના ઘરના ખુલ્લા રાખેલા લાકડાના તથા લોખંડની ગ્રીલના દરવાજા વાટે પ્રવેશી આગળના ખુલ્લા રૂમમાં મુકેલા કબાટમાંથી રોકડા રૂ.3.50 લાખ અને રૂ.56 હજારની મત્તાના જુના સોનાચાંદીના દાગીના મળી કુલ રૂ.4.06 લાખની મત્તાની ચોરી કરી હતી. આ અંગે સંદીપે ગતરોજ ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.