NEET કેન્દ્રમાં 5 રાજ્યોના ઉમેદવારો, દરેકની ભાષા ગુજરાતી:CBIએ કોર્ટમાં કહ્યું- છેતરપિંડી માટે બનાવી સિસ્ટમ; દરેકનું સરનામું પંચમહાલ કે વડોદરા
NEET-UG પરીક્ષામાં ગેરરીતિ અંગે CBI તપાસમાં એક નવો મામલો સામે આવ્યો છે. CBIએ ગુજરાત કોર્ટને જણાવ્યું કે ગોધરાના એક કેન્દ્રમાં ઓડિશા, બિહાર, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આરોપીઓએ પરીક્ષામાં ઉમેદવારોને ગુજરાતી ભાષા પસંદ કરવાનું કહ્યું હતું. આ ઉપરાંત ઉમેદવારોને ગુજરાતી ભાષા પસંદ કરવાનું એટલા માટે કહેવામાં આવ્યું હતું, જેથી કરીને છેતરપિંડી કરીને પરીક્ષામાં બેસનાર ગુજરાતીભાષી વિદ્યાર્થીઓ તેમની ઉત્તરવહીઓ ભરી શકે. આ ઉમેદવારોને તેમનું કાયમી સરનામું પંચમહાલ અથવા વડોદરા તરીકે જાહેર કરવા કહેવામાં આવ્યું હતું. CBIએ કહ્યું કે આ બંને પરીક્ષા કેન્દ્રોનું નિયંત્રણ એક જ ડિરેક્ટર પાસે હતું. આ આરોપીઓએ અલગ-અલગ રાજ્યોના આ તમામ ઉમેદવારોનો અલગ-અલગ લિંક દ્વારા સંપર્ક કર્યો હતો. અત્યાર સુધીમાં 7 રાજ્યોમાંથી 42 ધરપકડ કરવામાં આવી
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) વિરુદ્ધ 4 જૂનથી દેશભરમાં સતત વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. 22 જૂને કેન્દ્ર સરકારે NEET કેસની તપાસ CBIને સોંપી હતી. અત્યાર સુધી પેપર લીક કેસની તપાસ 6 રાજ્યોમાં પહોંચી છે. સીબીઆઈએ બિહારમાંથી 2 અને ઝારખંડમાંથી 5 લોકોની ધરપકડ કરી છે. ગુજરાતના ચાર આરોપીઓને પણ રિમાન્ડ પર લઈ પૂછપરછ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 7 રાજ્યોમાંથી 42 ધરપકડ કરવામાં આવી છે. NEET પર આગામી સુનાવણી 18મી જુલાઈએ
NEET કેસમાં અનિયમિતતા સંબંધિત 38 અરજીઓ પર સુનાવણી 18 જુલાઈ સુધી સ્થગિત કરવામાં આવી છે. કોર્ટે અરજદારોને કેન્દ્ર સરકાર અને NTAની એફિડેવિટનો જવાબ આપવા માટે સમય આપ્યો છે. મુખ્ય ન્યાયાધીશની બેન્ચે કહ્યું કે, કેન્દ્ર અને NTAએ કોર્ટના 8મી જુલાઈના નિર્દેશના જવાબમાં તેમના સોગંદનામા દાખલ કર્યા છે. જો કે, બેન્ચે અવલોકન કર્યું કે કેટલાક અરજદારોને હજુ સુધી કેન્દ્ર અને NTA તરફથી એફિડેવિટ મળ્યા નથી. આ કેસની આગામી સુનાવણી 18 જુલાઈના રોજ થશે. સુપ્રીમ કોર્ટમાં CJI બેન્ચ સમક્ષ NEET કેસની પ્રથમ સુનાવણી 8 જુલાઈએ થઈ હતી. આ પછી, આગામી સુનાવણીની તારીખ 11 જુલાઈ આપવામાં આવી હતી. કોર્ટે 10 જુલાઈની સાંજ સુધીમાં NTA, કેન્દ્ર સરકાર, CBI અને રી-ટેસ્ટની માંગણી કરતા અરજદારોને એફિડેવિટ ફાઈલ કરવા માટે સમય આપ્યો હતો. CBI, NTA અને કેન્દ્ર સરકારે 10 જુલાઈએ તેમના સોગંદનામા દાખલ કર્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.