કેબિનેટે ચંદ્રયાન-4 મિશનને મંજૂરી આપી:ચંદ્ર પરથી માટી લાવવામાં આવશે, સ્પેસ સ્ટેશન અને શુક્ર મિશન 2028માં લોન્ચ કરાશે
કેબિનેટે ચંદ્રયાન-4 મિશનને મંજૂરી આપી દીધી છે. આ મિશનનો ઉદ્દેશ્ય અવકાશયાનને ચંદ્ર પર ઉતારવાનો, નમૂનાઓ એકત્રિત કરવાનો અને તેને સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત કરવાનો છે. કેબિનેટે વિનસ ઓર્બિટર મિશન અને ઈન્ડિયન સ્પેસ સ્ટેશન (BAS)ની સ્થાપનાને પણ મંજૂરી આપી હતી. બંને મિશનને વર્ષ 2028 સુધીમાં લોન્ચ કરવાની યોજના બનાવવામાં આવી છે. 1. ચંદ્રયાન-4 મિશનઃ 2104 કરોડ રૂપિયાના આ મિશનમાં ચંદ્રના ખડકો અને માટીને પૃથ્વી પર પરત લાવવામાં આવશે. મિશનમાં બે અલગ-અલગ રોકેટનો ઉપયોગ કરવામાં આવશે. હેવી-લિફ્ટર LVM-3 અને ISROનું વિશ્વસનીય વર્કહોર્સ PSLV વિવિધ પેલોડ વહન કરશે. સ્ટેક 1માં ચંદ્ર નમૂનાના સંગ્રહ માટે એસેન્ડર મોડ્યુલ અને સપાટી પર ચંદ્ર નમૂનાના સંગ્રહ માટે ડીસેન્ડર મોડ્યુલનો સમાવેશ થાય છે. સ્ટેક 2માં થ્રસ્ટ માટે પ્રોપલ્શન મોડ્યુલ, સેમ્પલ હોલ્ડ માટે ટ્રાન્સફર મોડ્યુલ અને સેમ્પલને પૃથ્વી પર લાવવા માટે રી-એન્ટ્રી મોડ્યુલનો સમાવેશ થાય છે. 2. વિનસ ઓર્બિટર મિશન: 1,236 કરોડ રૂપિયાનું બજેટ રાખવામાં આવ્યું છે. તે માર્ચ 2028માં લોન્ચ થવાનું છે. VOMનો પ્રાથમિક ઉદ્દેશ શુક્રની સપાટી અને વાતાવરણ તેમજ શુક્રના વાતાવરણ પર સૂર્યના પ્રભાવ વિશેની આપણી સમજને વધારવાનો છે. 3. ભારતીય સ્પેસ સ્ટેશન: કેબિનેટે ગગનયાન પ્રોગ્રામનો વ્યાપ વિસ્તારીને ભારતીય સ્પેસ સ્ટેશન (BAS-1)ના પ્રથમ મોડ્યુલના વિકાસને પણ મંજૂરી આપી છે. રિવાઇઝ્ડ ગગનયાન કાર્યક્રમમાં BAS-1 યુનિટ સહિત આઠ મિશનનો સમાવેશ થાય છે. તે ડિસેમ્બર 2028 સુધીમાં પૂર્ણ થવાનું છે. ગગનયાન કાર્યક્રમનું કુલ ભંડોળ 11,170 કરોડ વધારીને 20,193 કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે. 'ગગનયાન'માં, 3 ગગનયાત્રીને 3 દિવસના મિશન માટે પૃથ્વીની 400 કિમી ઉપરની ભ્રમણકક્ષામાં મોકલવામાં આવશે. આ પછી ક્રૂ મોડ્યુલને દરિયામાં સુરક્ષિત રીતે ઉતારવામાં આવશે. જો ભારત તેના મિશનમાં સફળ થશે તો તે આવું કરનાર ચોથો દેશ બની જશે. આ પહેલા અમેરિકા, ચીન અને રશિયા આવું કરી ચૂક્યા છે. PM મોદીએ 2018માં ગગનયાન મિશનની જાહેરાત કરી
વર્ષ 2018માં પીએમ મોદીએ તેમના સ્વતંત્રતા દિવસના ભાષણમાં ગગનયાન મિશનની જાહેરાત કરી હતી. આ મિશનને 2022 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. જોકે, કોવિડને કારણે તેમાં વિલંબ થયો હતો. હવે તે 2024ના અંત સુધીમાં અથવા 2025ની શરૂઆતમાં પૂર્ણ થવાની સંભાવના છે. ગગનયાન મિશન માટે લગભગ 90.23 અબજ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.