રાજકોટ: પારસ સોસાયટીમાં દિન દહાડે મહિલા પર હુમલો કરી સોનાના ઘરેણાની લૂંટ
શહેરના પોસ વિસ્તાર ગણાતા પારસ સોસાયટીમાં દિન દહાડે મહિલા પર હથોડી જેવા હથિયારથી હુમલો કરી સોનાના ઘરેણાની દિલધડક લૂંટ ચલાવતા સનસનાટી મચી ગઇ છે. પોલીસ સ્ટાફ ચૂંટણી બંદોબસ્ત સહિતની કામગીરીમાં વ્યસ્ત બનતા લૂંટારાઓએ રાજકોટને રેઢુ પડ મળી ગયું હોય તેમ ભર બપોરે લૂંટ ચલાવ્યાની ઘટના પ્રકાશમાં આવતા પોલીસમાં દોડધામ મચી ગઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પારસ સોસાયટીમાં રહેતી તાનિયાબેન વિવેકભાઇ બાલચંદાણી નામની મહિલા પર તેના જ બંગલામાં અજાણ્યા શખ્સે હુમલો કરી સોનાના ઘરેણાની લૂંટ ચલાવ્યાની પોલીસમાં જાણ થતા જોઇન્ટ પોલીસ કમિશનર સૌરભ તંબોલીયા, ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી.બી.બસીયા, પૂર્વ વિભાગના એસીપી ભાર્ગવ પંડયા, પી.આઇ. વાય.બી.જાડેજા, એલ.એલ.ચાવડા, ગાંધીગ્રામ પી.આઇ. સુધિર રહાણે સહિતના પોલીસ સ્ટાફ પારસ સોસાયટી દોડી ગયા હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં તાનિયાબેન બાલચંદાણી બપોરે બારેક વાગે પોતાના ત્રણ વર્ષના પુત્ર શૌનને લિટર સ્ટાર પ્લે હાઉસેથી લઇને ઘરે આવ્યા ત્યારે ત્યાં અગાઉથી જ બંગલામાં રહેલા જીન્સ પેન્ટ અને ટી શર્ટ પહેરેલા માસ્કધારી લૂંટારાએ નાના બાળકને પકડીને તેની હત્યા કરવાની ધમકી દઇ જે કંઇ હોય તે આપી દેવા અંગે ધમકી દેતા તાનિયાબેન બાલચંદાણીએ પોતાના હાથમાં રહેલું સોનાનું બ્લેસલેટ આપી દીધું હતું આમ છતાં લૂંટારાએ બોથડ પદાર્થ માથામાં મારી ભાગી ગયો હોવાનું બહાર આવ્યું છે.
બંગલામાં માલ સામાન વેર વિખેર હોવાથી લૂંટ મોટી હોવાની શંકા વ્યકત થઇ રહી છે. પંરતુ ચાનિયાબેન બાલચંદાણી બેભાન હાલતમાં સારવાર હેઠળ હોવાથી કેટલી રકમની લૂંટ થઇ તે જાણી શકાયું ન હોવાનું પોલીસસુત્રો જણાવી રહ્યા છે. પૂર્વ વિભાગના એસીપી ભાર્ગવ પંડયાએ લૂંટારાના સીસીટીવી ફુટેજ મળ્યા હોવાનું સતાવાર જાહેર કરી સમગ્ર તપાસ સીસીટીવી ફુટેજ પર કેન્દ્રીત કરી હોવાનું જણાવ્યું છે. તેમજ લૂંટની ઘટનામાં કોઇ જાણભેદુની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથધરવામાં આવી છે.
પોલીસે ડોગ સ્કવોડ અને એફએસએલની ટીમની મદદ લઇ જુદી જુદી ટીમ બનાવી લૂંટારૂનું પગેરૂ દબાવ્યું છે. અને લૂંટની ઘટના અંગે પોલીસને મહત્વની કડી મળી હોવાનું જાણવા મળ્યું છે.
તાનિયાબેનના પતિ વિવેકભાઇ બાલચંદાણી એમ્પાયર ફલોરના નામે વ્યવસાય કરતા હતા પરંતુ તાજેતરમાં જ ફલોર મીલનો ધંધો બંધ કરી સુપર માકેર્ટ શરૂ કરી હોવાનું જાણવા મળે છ. પારસ સોસાયટી શેરી નંબર 39માં પારિજાત બંગલામાં વિવેકભાઇ બાલચંદાણી તેમના પિતા શ્રીચંદ બાલચંદાણી કે જેઓ સિંધી સમાજના આગેવાન છે. તેમજ વિવેકભાઇના પત્ની તાનિયાબેન તેમના બે પુત્ર શૌર્ય અને શૌન સાથે રહે છે. ચાનિયાબેનનો મોટો પુત્ર શૌર્ય એસએનકે સ્કૂલમાં અભ્યાસ કરે છે. જ્યારે શૌન પારસ સોસાયટી નજીક જ લિટલ સ્ટાર પ્લે હાઉસમાં જાય છે. નાના પુત્ર શૌનને લઇને તાનિયાબેન પોતાના ઘરે આવ્યા તે દરમિયાન તેમના પર હુમલો કરી અજાણ્યા શખ્સે લૂંટ ચલાવ્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે લૂંટનો ભેદ ઉકેલવા વિવિધ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. તાનિયાબેન ભાનમાં આવ્યા બાદ જ કેટલી મતાની લૂંટ થઇ છે. તે અંગેની વિગતો બહાર આવે તેમ હોવાનું પોલીસસુત્રો જણાવી રહ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.