રાજકોટમાં દિવ્યાંગોને સાધન સહાય આપી "વિશ્વ દિવ્યાંગ દિવસની" ઉજવણી કરાય. - At This Time

રાજકોટમાં દિવ્યાંગોને સાધન સહાય આપી “વિશ્વ દિવ્યાંગ દિવસની” ઉજવણી કરાય.


રાજકોટ શહેર તા.૩/૧૨/૨૦૨૪ ના રોજ રાજકોટમાં દિવ્યાંગો-મનોદિવ્યાંગોને સહાય-પ્રોત્સાહન આપવા સાથે તેમની પ્રતિભાને ઉજાગર કરતા વિશેષ કાર્યક્રમ સાથે ‘વિશ્વ દિવ્યાંગ દિવસ’ મનાવાયો હતો. જેમાં દિવ્યાંગોને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે દિવ્યાંગો તથા મનોદિવ્યાંગ બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. રાજકોટના જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના નિર્દેશ મુજબ, જિલ્લા વહીવટી તંત્ર, સમાજ સુરક્ષા વિભાગ તેમજ દિવ્યાંગો માટે કામ કરતી વિવિધ સંસ્થાઓ દ્વારા સ્પે. હોમ ફોર બોયઝ ખાતે વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં દીપ પ્રાગટ્ય બાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયા હતા. સૌ પ્રથમ સ્નેહ નિર્ઝર સંસ્થાની મનોદિવ્યાંગ બહેનોએ સુંદર સંકલન સાથે સંગીતના તાલે ગણેશ વંદના રજૂ કરી લોકોએ દંગ કરી દીધા. બાદમાં વિરાણી બહેરા મૂંગા શાળાના મુકબધિર બાળકોએ ‘રામ આયેંગે’ ગીત પર સુંદર નૃત્ય રજૂ કર્યું. રામ, સીતા અને હનુમાન તેમજ અન્ય પરંપરાગત વેશભૂશામાં સજ્જ બાળકો પોતે સંગીત સાંભળી ન શકતા હોવા છતાં, પોતાના શિક્ષકના ઈશારાઓ પર, સંગીતના તાલે સુંદર નૃત્ય રજૂ કરતાં જ લોકોએ તેમને તાળીઓથી વધાવી લીધા. બાદમાં વી. ડી. પારેખ અંધમહિલા ગૃહની પ્રજ્ઞાચક્ષુ બાળકીઓએ ‘હસતા રમતા’ ગીત પર નૃત્ય પછી એકરંગ ચિલ્ડ્રન ડેવલપમેન્ટ સંસ્થાની મનોદિવ્યાંગ બાળકી તેમજ મનોદિવ્યાંગ બહેનોના ગ્રુપની બહેન દ્વારા સાંસ્કૃતિક નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા વિકાસ અધિકારી ડૉ.નવનાથ‌ ગવ્હાણેએ સંબોધનમાં જણાવ્યું હતું કે, દિવ્યાંગો એ સમાજનું અભિન્ન અંગ છે અને આપણી સંસ્કૃતિમાં વસુધૈવ કુટુમ્બકમની ભાવના વ્યક્ત કરાયેલી છે. આ રીતે દિવ્યાંગો પણ આપણા સમાજ-પરિવારનો ભાગ છે. દિવ્યાંગો-મનોદિવ્યાંગો માટે કામ કરતી સંસ્થાઓને બિરદાવતા તેમણે કહ્યું હતું કે, દિવ્યાંગોને દયા નહીં, પરંતુ પ્રોત્સાહન અને સહયોગની જરૂર છે. સમાજના તમામ ઘટકોએ સામાજિક આરોગ્યના જતન માટે દિવ્યાંગો, મનોદિવ્યાંગોને સહયોગના પ્રયાસ કરવાના છે. તેઓની સાથે ઊભા રહેવું એ આપણું કર્તવ્ય છે. કોઈ પણ પ્રકારની દિવ્યાંગતાને કારણે કોઈપણ દિવ્યાંગજન પોતાના અધિકારોથી વંચિત ના રહી જાય તે માટે રાજ્ય સરકાર હંમેશા પ્રયત્નશીલ છે. આ તકે તેમણે પોતાના આઈ.એ.એસ.ના તાલીમી કાર્યકાળમાં એક દિવ્યાંગ આઈ.એ.એસ.ની સફળતાનું ઉદાહરણ રજુ કરીને સૌને પ્રેરણા આપી હતી. આ કાર્યક્રમમાં ધોરાજીના પીપળીયા ગામના બંસીબેન જીતેન્દ્રભાઈ દાફડાને ગુજરાત સરકારની દિવ્યાંગ લગ્ન સહાય યોજનાનો રૂપિયા ૫૦ હજારનો ચેક આપવામાં આવ્યો હતો, બધીર બાળકોને હિયરિંગ એઈડ તેમજ દિગ્યાંગજનને વ્હીલચેરની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે રાજકોટમાં દિવ્યાંગો મનોદિવ્યાંગો માટે કામ કરતી વિવિધ સંસ્થાઓ જેવી કે, મનોદિવ્યાંગ બહેનોનું નિવાસી ગૃહ, વી.ડી.પારેખ અંધમહિલા વિકાસગૃહ, વિરાણી બહેરા-મૂંગા શાળા, સ્નેહ નિર્ઝર સંસ્થા, અંધજન કલ્યાણ મંડળ, જય સચ્ચિદાનંદ એજ્યુ. અને ચેરી. ટ્રસ્ટ સંચાલિત બહેરા-મૂંગા શાળા જેતપુર, બોલબાલા ટ્રસ્ટ, કસ્તુરબા માનવ મંદિર ત્રંબા, એકરંગ ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ઇન્સ્ટિટયૂટ તેમજ વ્યક્તિગત સિદ્ધિઓ હાંસલ કરનારા પેરા સ્વીમર જીગર ઠક્કર, રામદેવસિંહ જાડેજા તથા કમલેશભાઈ માળવીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે રાજકોટ ગ્રામ્ય-તાલુકાના દિવ્યાંગ લાભાર્થીઓ માટે PGVCL ના CSR તેમજ એલિમ્કોના સહયોગથી દિવ્યાંગ સાધન સહાય મૂલ્યાંકન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. દિવ્યાંગોને લગતી વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોની માહિતી તેઓને મળી રહે તે માટે વિવિધ સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે. જિલ્લા વિકાસ અધિકારી ડૉ.નવનાથ ગવ્હાણેએ આ સ્ટોલ્સની મુલાકાત પણ લીધી હતી. આ કાર્યક્રમમાં આસિ. કલેક્ટર મહેક જૈન, રાજકોટ ગ્રામ્ય મામલતદાર કિર્તી મકવાણા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી સંતોષ રાઠોડ, ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન ડૉ.પ્રિતેશ પોપટ, રામકૃષ્ણ મિશનના સંત ધર્મપાલાનંદજી, વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ સર્વ સુશ્રી દક્ષાબેન નૂર, સુશ્રી જયાબેન ઠકરાર, નરેન્દ્રભાઈ દવે, હિતેશ કાનાબાર, વી.જે.વાકાણી, શુક્લાજી, જયેશ ઉપાધ્યાય, પૂજા પટેલ, નયનેશભાઈ કોરાટ, દીપીકાબહેન પ્રજાપતિ, ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.