માછીમારો માટે “કાચબાની છટકબારી”ના ઉપયોગ અંગે એમપેડા દ્વારા રાજ્ય સ્તરિય સેમિનાર યોજાયો*
*માછીમારો માટે "કાચબાની છટકબારી"ના ઉપયોગ અંગે એમપેડા દ્વારા રાજ્ય સ્તરિય સેમિનાર યોજાયો*
-----------
*ટર્ટલ એક્સક્લૂડર ડિવાઈસ (TED) તેમજ ટ્રોલર ગિયર અંગે તજજ્ઞો દ્વારા સાગરખેડૂઓને માર્ગદર્શન અપાયું*
-----------
*ઈકોસિસ્ટમમાં દરિયાઈ જીવોનું મહત્વ,મત્સ્ય ઉત્પાદન એક્સપોર્ટ સહિતના મુદ્દા અંગે અપાઈ સમજ*
-----------
ગીર સોમનાથ, તા.૩૦: મરીન પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (એમપેડા) રિજનલ ડિવિઝન અને એમપેડા-નેટફિશ તેમજ મત્સ્યોદ્યોગ વિભાગ અને સેન્ટર ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફિશરીઝ ટેક્નોલોજીના સંયુક્ત ઉપક્રમે માછીમારો માટે "કાચબાની છટકબારી"ના ઉપયોગ અંગે વેરાવળ ખાતે એમપેડા દ્વારા રાજ્ય સ્તરિય સેમિનાર યોજાયો હતો.
આ સેમિનારમાં સમગ્ર ગુજરાતના દરિયાકિનારે માછીમારી કરતા સાગરખેડૂઓ માટે ટ્રોલરગિયરમાં ટર્ટલ એક્સક્લૂડર ડિવાઈસ (TED)ના અમલીકરણ તેમજ ટ્રોલર ગિયર અંગે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન અપાયું હતું.
ટર્ટલ એક્સક્લૂડર ડિવાઈસ વિશે સમજ આપતા નેટફિશ ચીફ એક્ઝીક્યૂટીવ ડૉ.જોઈસ થોમસે જણાવ્યું હતું કે, કાચબાના રક્ષણ માટે આ ડિવાઈસ ખૂબ જ ઉપયોગી છે. આ ડિવાઈસને માન્ય ધારાધોરણો અનુસાર વિકસાવવામાં આવ્યું છે. લાંબા સમયના સંશોધન પછી આ ડિવાઈસ તૈયાર કરીને તેને પાણીની અંદર પરિક્ષણ કરી તૈયાર કરાયું છે. વધુમાં તેમણે ફિલ્ડ ડેમોન્સ્ટ્રેશન દ્વારા આ ડિવાઈસની ઉપયોગીતા સમજાવી હતી.
મત્સ્યોદ્યોગ અધિકારી શ્રી વી.કે.ગોહિલે જણાવ્યું હતું કે, જાણ્યે-અજાણ્યે પણ જો જાળમાં કાચબો આવી જાય અને પછી પણ તેને છોડી મૂકવામાં આવે તો ઈજાગ્રસ્ત રહે છે. જેથી તે વધુ જીવી શકતો નથી. પ્રકૃતિ અને માનવી બન્ને એકબીજાના પૂરક છે આમ કહી તેમણે સમગ્ર ગુજરાતમાં સમાન ધોરણે માછીમારોને ટર્ટલ એક્સક્લૂડર ડિવાઈસ અપનાવવા અપીલ કરી હતી.
આ સેમિનારમાં તજજ્ઞો દ્વારા માછીમારો દ્વારા આર્થિક હુંડિયામણ રળી શકવાની ક્ષમતા, ઈકોસિસ્ટમમાં દરિયાઈ જીવોનું મહત્વ, ગુજરાતની દરિયાઈ સરહદે માછીમારીમાં આવતી મુશ્કેલીઓ, મત્સ્ય ઉત્પાદન એક્સપોર્ટ કરવામાં આવતી મુશ્કેલીઓ, ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદાની જોગવાઈઓ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.
અગ્રણીઓ વેલજીભાઈ મસાણી અને કેતનભાઈ સુયાણીએ વર્તમાન સમયમાં માછીમારી અને પર્યાવરણ પ્રત્યે અસર, દરિયાઈ માર્ગે આર્થિક પ્રવૃત્તિઓ તેમજ ભવિષ્યના જોખમો વિશે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતાં. સમગ્ર કાર્યક્રમના અંતે એમપેડા પોરબંદર ડિરેક્ટર શ્રી વિનોદકુમાર શ્રીમાળીએ આભારવિધિ કરી હતી.
આ સેમિનારમાં સી.આઈ.એફ.ટીના ડૉ. આશિષકુમાર ઝા, એમપેડા આસિ.ડિરેક્ટર શ્રી કિશોરકુમાર, પોરબંદર એમપેડા ડિરેક્ટર શ્રી વિનોદકુમાર શ્રીમાળી, સ્ટેટ કોઓર્ડિનેટર શ્રી જિજ્ઞેશ વિસાવાડિયા, વિવિધ બોટ એસોસિએશન્સના પ્રમુખો સહિત તેમજ વેરાવળ, ઓખા, કચ્છ, માંડવી, પોરબંદર સહિતના સાગરખેડૂઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.