વેરાવળ ખાતે ચોપાટી ઉત્સવ તેમજ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતીની ઉલ્લાસભેર ઉજવણી
વેરાવળ ખાતે ચોપાટી ઉત્સવ તેમજ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતીની ઉલ્લાસભેર ઉજવણી
------------------
કર્ણપ્રિય સંગીતસંધ્યા, ભવ્ય આતીશબાજી, ચકાચૌંધ લાઈટિંગથી ઝળહળી ઉઠી ચોપાટી
------------------
નાટક સહિતની પ્રસ્તુતીઓથી વીરરસ, હાસ્યરસ સહિત કળાના નવરસનું પાન કરતા નાગરિકો
------------------
જિલ્લા વહીવટી તંત્ર, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી તથા અલગ-અલગ કોલેજોના સંયુક્ત ઉપક્રમે વેરાવળ ચોપાટી ખાતે વેરાવળ ચોપાટી ઉત્સવ તથા સ્વામી વિવેકાનંદ જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના ઋષિ કુમારો દ્વારા યજ્ઞ અને પૂજાથી ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી.
જિલ્લા કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, આ શહેર અનેકવિધ સુંદર સ્થળોથી સજ્જ છે. વેરાવળ ચોપાટીના વિકાસથી શહેરીજનોને હરવા-ફરવાનું એક નવું સ્થળ મળશે તેમજ રોજી-રોટી મેળવતા ધંધાર્થીઓને પણ ફાયદો થશે. હજુ પણ હાઈ માસ્ટ ટાવર, રોડ-રસ્તા, પેવર બ્લોક વગેરેના માધ્યમથી વહીવટી તંત્ર દ્વારા વેરાવળ ચોપાટીનો વિકાસ વેગવંતો કરવામાં આવશે.
શહેર તેમજ ચોપાટીને સ્વચ્છ રાખવાનું આપણા સૌનું કર્તવ્ય છે એમ કહી કલેક્ટરશ્રીએ ચોપાટી તેમજ શહેરને સ્વચ્છ રાખવાની નાગરિકોને અપીલ કરી હતી.
કલેકટરશ્રીએ ઊંટ, ઘોડાની ફેરી કરતા ધંધાર્થીઓ તેમજ વિવિધ સ્ટોલધારકો સાથે સૌજન્ય મુલાકાત પણ કરી હતી. વેરાવળ ચોપાટી ખાતે સુનિયોજિત વ્યવસ્થા ગોઠવવા બદલ સ્ટોલધારકોએ કલેકટરશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
ચોપાટી ઉત્સવમાં વિજ્ઞાન કોલેજ, મહિલા કોલેજ, સવજાણી કોલેજ, ચોક્સી કોલેજ, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સહિત શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓએ કળાના માધ્યમથી નાગરિકોને વીરરસ, હાસ્યરસ સહિત કળાના નવરસનું પાન કરાવ્યું હતું.
વિદ્યાર્થીઓએ રાજસ્થાની ઘૂમર નૃત્ય, ગરબા અને રાસ, વાંસળીવાદન, પીરામીડ, આર્મી પર્ફોર્મન્સ, તલવારબાજી, લઘુ નાટક, રસ્સાખેંચ, સંસ્કૃત ગરબો સહિતની પ્રસ્તુતીઓ રજૂ કરી હતી. આ સાથે જ સુંદર શણગારેલી બૉટ અને આતશબાજીનો ભવ્ય નજારો પણ માણ્યો હતો.
નાગરિકોએ હર્ષાબહેન ગોંડલિયા અને ચિરાગ સોલંકી નાદ બ્રહ્મ ગૃપ દ્વારા રજૂ કરાયેલી કર્ણપ્રિય સંગીતસંધ્યાને પણ મનભરી માણી હતી.
આ ચોપાટી ઉત્સવ સાથે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતીની ઉલ્લાસભેર ઉજવણી દરમિયાન શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી કેમ્પસથી ચોપાટી શોભાયાત્રા યોજાઈ હતી.
જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંજૂલાબહેન મૂછાર, ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ, નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેશ આલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી યોગેશ જોશી, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પારસ.ડી.વંદા વેરાવળ પ્રાંત અધિકારી શ્રી વિનોદ જોશી અગ્રણી સર્વ શ્રી મહેન્દ્રભાઈ પીઠિયા, દિલિપભાઈ બારડ સહિત મોટી સંખ્યામાં નાગરિકોએ તમામ કાર્યક્રમો મન ભરી માણ્યાં હતાં.
00 000 00 000 000
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.