જળમાર્ગે કનેક્ટિવિટીને બ્રેક, રો-પેક્સ ફેરી સર્વિસના ફેરા રવિવાર સુધી બંધ
- મેઈન્ટેનન્સના કારણે 1 લી ઓગસ્ટથી અઠવાડિયા સુધી ઘોઘા-હજીરા ફેરી સેવા બંધ કરાઈ- 7 મી સુધી બુકીંગ બંધ કરી દેવાયું, એડવાન્સ ટિકિટ બુકીંગધારક મુસાફરોને રિફંડ અપાશેભાવનગર : ભાવનગરને ટ્વિન સિટી સુરત સાથે જળમાર્ગે જોડતી રો-પેક્સ ફેરી સર્વિસને એક અઠવાડિયા માટે બંધ કરવામાં આવતા સુરત સાથેનું જળમાર્ગે કનેક્ટીવિટીને બ્રેક લાગી ગઈ છે. આગામી રવિવાર સુધી ઘોઘાથી હજીરા અને હજીરાથી ઘોઘાની તમામ ટ્રીપોને કેન્સલ કરી દેવામાં આવી છે. જેના કારણે મુસાફરોને ફરજીયાત રોડ માર્ગે જવાની નોબત આવી છે.પ્રધાનમંત્રીના ડ્રીમ પ્રોજેક્ટ ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સેવાને મેઈન્ટેનન્સનું ગ્રહણ લાગ્યું છે. ફેરી સર્વિસ ઓપરેટ કરતી કંપની દ્વારા ૫૦૦ મુસાફરની ક્ષમતા ધરાવતા ૧૨ વર્ષ જૂના વોયેજ સિમ્ફની જહાજમાં રિપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવતા ૧લી ઓગસ્ટથી ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસના ફેરા કેન્સલ કરવામાં આવ્યા છે. શિપ મેઈન્ટેનન્સના કારણે આ ફેરી સર્વિસ આગામી ૭મી સુધી બંધ રહેશે. જેના કારણે કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર અને એજન્ટ મારફતે ટિકિટ બુકીંગ સેવાને પણ બંધ કરાઈ છે. અગાઉ જે મુસાફરોએ ૧લી ઓગસ્ટથી ૭મી ઓગસ્ટ સુધીની ટિકિટ બુકીંગ કરાવી હતી. તેઓને તેમની ટિકિટનું રિફંડ આપવામાં આવશે સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. જો સમયસર રિપેરીંગ કામ પૂર્ણ થશે તો સોમવારથી ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સેવા પુનઃ પ્રારંભ થશે.ઉલ્લેખનિય છે કે, અગાઉ ઘોઘા-દહેજ સર્વિસને બંધ કરવામાં આવી હોવાથી ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સેવા ભાવનગર અને સુરત વચ્ચે એક માત્ર જળમાર્ગે કનેક્ટિવિટી છે. ત્યારે તેને પણ મેઈન્ટેનન્સનું ગ્રહણ લાગતા ભાવનગર-સુરત આવવા-જવા માટે રોડ માર્ગનો વિકલ્પ રહ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.