સુરત પહોંચ્યો બોટાદનો લઠ્ઠો ? કતારગામમાં બસ પાર્કિંગમાં બેભાન યુવાન મળી આવ્યો - At This Time

સુરત પહોંચ્યો બોટાદનો લઠ્ઠો ? કતારગામમાં બસ પાર્કિંગમાં બેભાન યુવાન મળી આવ્યો


સુરત, તા. 28 જુલાઈ 2022, ગુરૂવાર બોટાદ-ધંધુકામાં સર્જાયેલા લઠ્ઠાકાંડના પડઘા સુરતમાં પણ પડ્યા છે. સુરતના કતારગામમાં બસના પાર્કિંગમાંથી એક યુવાન બેભાન અવસ્થામાં મળી આવ્યો છે. ડ્રાઈવિંગના વ્યવસાય સાથે સંકળાયેલા બળદેવ નામના યુવાને 2 દિવસ પહેલા બોટાદ નજીક હાઈ-વે ઉપર હોટલ પાસેથી દારૂ પીધો હતો. ગઈ કાલે સાંજે યુવાન બસ પાર્કિંગ વિસ્તારમાં બેભાન થઈ ગયો હતો. અને આ યુવકને આંખે દેખાવાનું બંધ થઈ જતા તેને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. યુવાનની કબૂલાતના આધારે કતારગામ પોલીસે તપાસ હાથ ધરી હતી. સુરતની હોસ્પિટલમાં બળદેવને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પણ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો અને તેની પૂછપરછ કરી હતી. જો કે, પોલીસે (Surat Police) આ મામલે તપાસ કરતાં સામે આવ્યું હતું કે, આ બસ ક્લીનર મૂળ બોટાદ જિલ્લાનો વતની છે અને તેને પણ આ કેમિકલવાળું પદાર્થ પીધું હતું અને ત્યારબાદ તેની તબિયત લથડતા તેને પ્રાથમિક સારવાર પણ લીધી હતી અને તબિયતમાં સુધારો લાગતા તે ફરીથી ક્લીનર તરીકે ફરજ પર આવ્યો હતો. બોટાદનો વતની બળદેવ ઝાલા નામનો વ્યક્તિ ખાનગી લક્ઝરી બસમાં ક્લીનર તરીકે કામ કરે છે. તે અમરેલી સુરત રૂટની લક્ઝરી બસમાં કામ કરતો હતો. બળદેવ અમરોલી ટ્રીપ પતાવીને સુરત આવ્યો હતો અને ત્યારબાદ તે સૂઈ ગયો હતો. બળદેવની તબિયત એકાએક ખરાબ થવા લાગી હતી અને તેને આંખમાં અંધારા આવવાની ફરિયાદ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.