દિલ્હીના રોહિણીમાં CRPF સ્કૂલ પાસે બ્લાસ્ટ:પાવરફુલ ઝટકાથી કાર-દુકાનોના કાચ તૂટ્યા, આતંકવાદી હુમલાના એંગલથી પણ તપાસ; ક્રૂડ બોમ્બ જેવી સામગ્રી મળી - At This Time

દિલ્હીના રોહિણીમાં CRPF સ્કૂલ પાસે બ્લાસ્ટ:પાવરફુલ ઝટકાથી કાર-દુકાનોના કાચ તૂટ્યા, આતંકવાદી હુમલાના એંગલથી પણ તપાસ; ક્રૂડ બોમ્બ જેવી સામગ્રી મળી


દિલ્હીના રોહિણી સેક્ટર 14ના પ્રશાંત વિહાર વિસ્તારમાં રવિવારે સવારે લગભગ 7:30 વાગ્યે CRPF સ્કૂલ પાસે બ્લાસ્ટ થયો હતો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. સીઆરપીએફ સ્કૂલની દીવાલ, નજીકની દુકાનો અને કેટલીક કારને નુકસાન થયું હતું. પોલીસે જણાવ્યું કે વિસ્ફોટ પછીનો એક કથિત વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં સફેદ ધુમાડો દેખાઈ રહ્યો છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ફોરેન્સિક ટીમ, ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ સેલ તેમજ ફાયર બ્રિગેડના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તપાસ માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ટીમનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રારંભિક તપાસ રિપોર્ટમાં વિસ્ફોટમાં વપરાયેલી સામગ્રી ક્રૂડ બોમ્બ જેવી છે, પરંતુ સંપૂર્ણ રિપોર્ટ આવ્યા બાદ જ સત્તાવાર માહિતી મળી શકશે. હજુ તપાસ ચાલુ છે. બ્લાસ્ટની 3 તસવીરો અને તપાસ... પોલીસને PCR કોલ દ્વારા 7:47 વાગ્યે બ્લાસ્ટની માહિતી મળી હતી
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, "રવિવારે સવારે 07:47 વાગ્યે, એક પીસીઆર કોલ આવ્યો હતો. ફોન કરનારે માહિતી આપી હતી કે રોહિણીના સેક્ટર 14માં આવેલી CRPF સ્કૂલ પાસે ખૂબ જ મોટા અવાજ સાથે બ્લાસ્ટ થયો હતો. SHO અને સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. દુકાનોની બારીઓ અને દુકાન પાસે પાર્ક કરેલી કારને પણ નુકસાન થયું હતું. સ્થાનિક લોકોએ કહ્યું- અમને લાગ્યું કે ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો
વિસ્ફોટનો અવાજ સાંભળીને વિસ્તારના લોકો પોતાના ઘર અને દુકાનોમાંથી બહાર આવી ગયા હતા. ઘટનાસ્થળની નજીક એક ચશ્માંની દુકાન ચલાવતા સુમિતે કહ્યું, "મારી દુકાનની બારીના કાચ તૂટી ગયા. મારી દુકાનની અંદરનો તમામ સામાન જમીન પર પડ્યો. તે ખૂબ જ જોરદાર વિસ્ફોટ હતો." આ વિસ્તારમાં રહેતા રાકેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, "સવારે લગભગ 7.30 વાગ્યે, અમે ખૂબ જ જોરદાર અવાજ સાંભળ્યો. અમને લાગ્યું કે નજીકમાં એક LPG સિલિન્ડર ફાટ્યો છે. અમે તરત જ પોલીસ અને ફાયર વિભાગને આ બાબતે જાણ કરી. ઘણી દુકાનો તૂટી ગઈ હતી." આતંકવાદી હુમલાના એંગલથી પણ તપાસ
દિલ્હી પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે નજીકના પોલીસ સ્ટેશનોને પણ તકેદારી અને તપાસ વધારવા માટે એલર્ટ જારી કરવામાં આવ્યા છે. બજારોમાં ફૂટ પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે. લોકોને કોઈ શંકાસ્પદ વસ્તુ દેખાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા વિનંતી છે. પોલીસના જણાવ્યા અનુસાર દિલ્હી પોલીસની ATS ઘટનાની આતંકવાદી એંગલથી તપાસ કરી રહી છે. ગટર લાઇન અને સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે. નેશનલ સિક્યોરિટી ગાર્ડ (NSG)ને પણ જાણ કરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.