કારને હડફેટે લેતાં દાદાનું મોત, પુત્ર-પૌત્ર સહિત ચારને ઈજા
રાજકોટના વાવડી-પુનીતનગર રોડ પર ફોર્ચ્યુનર કારનો ચાલક બેકાબુ બન્યો હતો અને કારખાનેદારની કારને હડફેટે લેતાં વૃધ્ધનું મોત થયું હતું. જ્યારે પુત્ર-પૌત્ર સહિત ચારને ઈજા થતાં સારવારમાં ખસેડાયા હતાં. બનાવ અંગે તાલુકા પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. અકસ્માત સમયે હાજર લોકોએ કાર ચાલકને મેથીપાક ચખાડ્યો હતો.બનાવ અંગે રાજકોટમાં બાલાજી હોલ પાછળ શેરી નં.2 માં રહેતાં વિરાજ મનસુખભાઈ પીપળીયા (ઉ.વ.21) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે સફેદ કલરની ફોર્ચ્યુનર કાર નં. જીજે-03-એમઈ-7782 ના ચાલકનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ ગોંડલ રોડ સદભાવના આશ્રમ પાસે વૈદવાળી શેરી નં-1 ખાતે કાન્ત મશીન ટુલ્સ નામનું કારખાનું ચલાવે છે.
ગઈકાલે બપોરના ત્રણેક વાગ્યાના અરસામા તે તેના પિતા મનસુખભાઈ ખોડાભાઈ પીપળીયા, દાદા ખોડાભાઇ વસરામભાઈ પીપળીયા તેમજ નાના કેશવજીભાઈ ડોસાભાઇ ડોબરીયા અને પ્લમ્બર નીરજભાઇ જોલાપરા સાથે પડવલા ગામ પાસે તેમની મશીનરીની ફેકટરીનુ બાંધકામ ચાલુ હોય અને તેમા પ્લમ્બીંગ કામ કરાવવાનું હોવાથી પ્લમ્બરને કામ બતાવવા એક્સટર કાર લઈ ઘરેથી ફેકટરીએ જવા નિકળેલ હતાં. ત્યારે તે કાર ચલાવતો હતો. બાજુની સીટમાં પ્લમ્બર નિરજભાઇ જોલાપરા બેઠેલ તેમજ પાછળની સીટમા તેમના પિતા મનસુખભાઈ, નાના કેશવજીભાઈ અને દાદા ખોડાભાઈ બેઠેલ હતા.
દરમ્યાન સાડા ત્રણેક વાગ્યાની આસપાસ તેઓ પુનિતનગર રોડ એચ.પી.ના પેટ્રોલપંપ નજીક ચાર રસ્તા ઉપર પહોચેલ ત્યારે વાવડી ગામ તરફના રસ્તેથી એક સફેદ કલરની ફોર્ચ્યુનર કાર પુરઝડપે ઘસી આવેલ અને તેઓની કારને હડફેટે લીધેલ હતી. તેઓની કાર સાથે સામે વાળી કાર જોરથી અથડાયેલ હતી. કારમા બેસેલ પ્લમ્બર નિરજભાઈ જોલાપરાને દાઢી તથા માથામાં અને પગમાં ગંભીર ઇજા થયેલ હતી. તેમજ તેમના દાદા ખોડાભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થયેલ હતી.
ઉપરાંત તેમના નાના કેશવજીભાઈને દાઢીના ભાગે તથા છાતીના ભાગે ભાગે મુંઢ ઇજાઓ અને પિતા મનસુખભાઈને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થયેલ હતી. ફરિયાદીને કારનું એરબેગ ખુલી જવાથી ઇજા થયેલ જેથી તે કારનો દરવાજો ખોલી બહાર નીકળી ગયેલ હતો. દરમિયાન આજુ-બાજુમાંથી માણસો ભેગા થઈ ગયેલ તે પૈકી કોઇએ 108 ને જાણ કરી બોલાવેલ હતી. તેમજ ત્યાં હાજર માણસોની મદદથી ગાડીમાંથી તેમના પરીવારના માણસોને બહાર કાઢેલ હતાં. તેમના દાદા, પિતા, નાના અને પ્લમ્બરને ગંભીર ઇજા થયેલ હોવાના કારણે તેઓ બેભાન થઈ ગયેલ હતા.
બાદમાં તેઓને 108 મારફતે સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતાં. જ્યાં ઈજા પામનાર તેમના દાદા ખોડાભાઈને ફરજ પરના તબીબોએ તપાસી તેઓને મૃત જાહેર કરેલ હતાં. તેમજ તેમના પિતા સહિતના લોકોને વધું ઈજા પહોંચી હોવાથી વધું સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યારે અકસ્માત સર્જી કારચાલક નાસી છૂટ્યો હતો. તેમજ ફોર્ચ્યુનર કારનો ચાલક પીધેલ હાલતમાં હોય તેવી શંકા છે.
ઉપરાંત અકસ્માત સમયે એકઠાં થયેલ લોકોએ અકસ્માત સર્જનાર કાર ચાલકને કારમાંથી કાઢી બરોબરનો મેથીપાક ચખાડ્યો હતો. બનાવ અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીનો શોધખોળ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.