રેલનગર બ્રીજનું કામ લંબાયું : હવે 11 ડિસેમ્બરે ફરી ખુલશે - At This Time

રેલનગર બ્રીજનું કામ લંબાયું : હવે 11 ડિસેમ્બરે ફરી ખુલશે


વોર્ડ નં.3ના રેલનગર બ્રીજમાં પહેલેથી રહેલી વરસાદી પાણીના ભરાવાની સમસ્યાનો ઉકેલ લાવવા મહાપાલિકાએ વધુ એક પ્રયાસ હાથ ધરી બેક મહિના પહેલા ટેકનીકલ વોટર પ્રુફીંગ કામ શરૂ કર્યુ હતું. જે હજુ ચાલુ હોય બે મહિનાના બદલે અઢી મહિના સુધી કામ ચાલે તેમ હોય હવે સંભવત: તા.11 ડિસેમ્બરે વાહન વ્યવહાર માટે ફરી આ બ્રીજ ખુલ્લો મુકવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.
રેલનગર અંડરબ્રીજમાં વર્ષના 12 મહિનામાંથી ચોમાસાના સમય સહિત છ મહિના પાણી ભરાયેલું રહે છે. લોકોને અવરજવરમાં ખુબ મુશ્કેલી પડે છે. મહાપાલિકાના ખર્ચે રેલવેએ બનાવેલા આ બ્રીજની ડિઝાઇન સામે પહેલેથી સવાલ ઉઠતા હતા. તો આજુબાજુમાં ખેતરો સહિતની ખુલ્લી જગ્યાના કારણે અને ડિઝાઇનમાં કેટલાક સવાલો વચ્ચે બ્રીજમાં સતત પાણીનો પ્રવાહ ઉતરતો રહે છે.
કોર્પો.એ માંડ માંડ આ સમસ્યાનું સમાધાન શોધ્યું છે. ગત તા. 27 સપ્ટેમ્બરના રોજ આ બ્રીજ પ્રેસર ગ્રાઉટીંગના કામ માટે બંધ કરાયો હતો. 54 લાખના ખર્ચે આ કામ શરૂ કરવામાં આવ્યું હતું અને તા.27-11 સુધી પુલ બંધ કરવા પોલીસે જાહેરનામુ બહાર પાડયું હતું.
દરમ્યાન મુખ્ય કામ પૂર્ણ થઇ ગયું છે. હવે બોટમ સ્લેબ લેવલીંગનું કામ ચાલી રહ્યું છે. એકંદરે બ્રીજમાં વોટર પ્રુફીંગ જેવી કામગીરી કરવામાં આવી છે. પરંતુ ટુંકી જગ્યા જેવા બ્રીજમાં ચાલુ ટ્રાફિકે કલર કામ કરવું મુશ્કેલ પડે તેમ છે. આથી બ્રીજ તા.10 ડિસે. સુધી બંધ રાખવા જાહેરનામુ લંબાવી દેવા કોર્પો.એ પોલીસને પત્ર લખ્યો છે. નાનુ મોટુ તમામ કામ તા.10 સુધીમાં પૂર્ણ થઇ જશે. તે બાદ તા.11 ડિસે.થી લોકો માટે બ્રીજ ખુલ્લો મુકાશે. આ બ્રીજ બંધ થતા મોટો ટ્રાફિક માધાપર ચોકડી, પોપટપરા, જંકશન સહિતના વિસ્તાર પર ડાયવર્ટ થતા લોકોને મુશ્કેલી પડી રહી છે તે ઉલ્લેખનીય છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.