નોઈડાની પૉશ કોલોનીમાં ભાજપ નેતા શ્રીકાંત ત્યાગીની મહિલા સાથે ગાળાગાળી - At This Time

નોઈડાની પૉશ કોલોનીમાં ભાજપ નેતા શ્રીકાંત ત્યાગીની મહિલા સાથે ગાળાગાળી


નવી દિલ્હી, તા.૬ઉત્તર પ્રદેશના નોઈડા ખાતે ભાજપના નેતા શ્રીકાંત ત્યાગીએ એક પૉશ કોલોનીમાં એક મહિલા સાથે દુર્વ્યવહાર અને ગાળાગાળી કરી હતી. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાઈરલ થયા પછી પોલીસે ભાજપ નેતા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી હતી. જોકે, આ ઘટનામાં શ્રીકાંત ત્યાગી ભાગી છૂટયો છે. પરંતુ પોલીસે ત્યાગીની પત્ની સહિત ચાર લોકોની અટકાયત કરી છે અને ત્યાગીની ચાર કાર પણ જપ્ત કરી છે. બીજીબાજુ વીડિયો વાઈરલ થતાં ભાજપે શ્રીકાંત ત્યાગી તેનો નેતા નહીં હોવાનો દાવો કર્યો હતો.આ સમગ્ર ઘટના નોઈડાની પૉશ કોલોની ગ્રાન્ડ ઓમેક્સ સોસાયટીનો છે. શ્રીકાંત ત્યાગી સોશિયલ મીડિયા પર પોતાને ભાજપના ખેડૂત મોરચાની રાષ્ટ્રીય કાર્યકારિણીનો સભ્ય અને શાસક ભાજપની યુવાન કિસાન સમિતિનો રાષ્ટ્રીય સમન્વયક ગણાવે છે. શ્રીકાંત ત્યાગી અને એક મહિલા વચ્ચે પાર્કમાં અતિક્રમણ અંગે બોલાચાલી થઈ હતી. ત્યાર પછી ત્યાગીએ મહિલાને ધક્કો માર્યો હતો અને ગાળાગાળી કરી હતી. મહિલાએ સોસાયટીના નિયમોને ટાંકીને શ્રીકાંત ત્યાગીએ લગાવેલા તાડના ઝાડ સામે વાંધો ઉઠાવ્યો હતો. આ વીડિયો વાઈરલ થતાં અને ત્યાગી ભાજપ નેતા હોવાના કારણે દાદાગીરી કરતો હોવાની વાત ફેલાતા નોઈડા પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે ત્યાગી સામે એફઆઈઆર નોંધી હતી. જોકે, ત્યાગી સોસાયટીમાંથી ભાગી ગયો હોવાથી તેને શોધવા માટે ચાર ટીમો બનાવાઈ છે. દરમિયાન પોલીસે શ્રીકાંત ત્યાગીની પત્ની અને ડ્રાઈવર સહિત ચાર લોકોની અટકાયત કરી છે અને તેની ચાર કાર પણ જપ્ત કરી હતી.આ ઘટનાના સોશિયલ મીડિયા પર ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. પરિણામે નોઈડાના ભાજપ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મહેશ શર્મા ગ્રાન્ડ ઓમેક્સ સોસાયટી પહોંચ્યા હતા અને સોસાયટીના રહેવાસીઓ જોડે ઘટનાની માહિતી મેળવી હતી. સાંસદ મહેશ શર્માએ કહ્યું કે, ભાજપ પ્રમુખ જેપી નડ્ડા અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આ ઘટનાની નોંધ લીધી છે. પોલીસ કર્મચારીઓને ૪૮ કલાકમાં ત્યાગીની ધરપકડ કરવા આદેશ અપાયા છે.દરમિયાન ભાજપનું કહેવું છે કે શ્રીકાંત ત્યાગીનો પક્ષ સાથે કોઈ સંબંધ નથી. પક્ષ પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું, શ્રીકાંત ત્યાગીને ભાજપ સાથે કોઈ લેવા-દેવા નથી. વધુમાં ભાજપના ખેડૂત મોરચાના અધ્યક્ષ રાજકુમાર ચાહરે પણ કહ્યું કે શ્રીકાંત ત્યાગી ભાજપ ખેડૂત મોરચાની રાષ્ટ્રીય કાર્યસમિતિનો સભ્ય નથી. ખેડૂત મોરચાની કોઈ યુવા સમિતિ પણ નથી. સરકારે મહિલા સાથે ગેરવર્તણૂક કરનાર સામે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ. રાષ્ટ્રીય મહિલા પંચે પણ આ ઘટનામાં સુઓમોટો લેતાં ઉત્તર પ્રદેશના ડીજીપીને આ કેસમાં ત્વરિત પગલાં લેવાના નિર્દેશ આપ્યા છે.ઘટના શું છે?ભાજપનો નેતા શ્રીકાંત ત્યાગી નોઈડાના સેક્ટર ૯૩-બીમાં સ્થિત ગ્રાન્ડ ઓમેક્સ સોસયટીમાં ગ્રાઉન્ડ ફ્લોર પર રહે છે. તેણે તેના ઘરની બહાર કેટલાક તાડના ઝાડનું વાવેતર કર્યું હતું. જોકે, સોસાયટીના પ્રતિનિધિઓએ તેની સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમનું કહેવું છે કે આ ઘટના શુક્રવાર બપોરની છે. સોસાયટીના મહાસચિવ મહિમા જોશીનું કહેવું છે કે ત્યાગીને ગુરુવારે જ સોસાયટીના કોમન વિસ્તારમાં વૃક્ષારોપણ નહીં કરવા જણાવ્યું હતું.તેનાથી કોમન એરિયામાં ત્યાગી દ્વારા અતિક્રમણ કરાયું હતું. શુક્રવારે ૧૫૦થી વધુ લોકો કોમન એરિયામાં જમા થઈ ગયા હતા. કેટલાક રહેવાસીઓએ ત્યાગીના ઘરની બહાર લાગેલા તાડના ઝાડ હટાવવાનું શરૂ કરતાં ત્યાગી અને મહિલા વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યાર પછી રહેવાસીઓએ ત્યાગી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.