ગિફ્ટ સાળાની...ફસાયા કર્ણાટકના મુખ્યમંત્રી:ભાજપે પહેલા જમીન આપી, તો હવે વિરોધ કેમ?; લાલુ હોય કે કેજરીવાલ, રાજ્યપાલની એક 'હા' થી બધા CM જેલભેગા - At This Time

ગિફ્ટ સાળાની…ફસાયા કર્ણાટકના મુખ્યમંત્રી:ભાજપે પહેલા જમીન આપી, તો હવે વિરોધ કેમ?; લાલુ હોય કે કેજરીવાલ, રાજ્યપાલની એક ‘હા’ થી બધા CM જેલભેગા


દેશમાં જ્યારે-જ્યારે રાજ્યપાલે મુખ્યમંત્રી સામે કોઈપણ કૌભાંડના આરોપમાં કેસ ચલાવવાની મંજૂરી આપી છે ત્યારે-ત્યારે મુખ્યમંત્રીની ધરપકડ થઈ છે. ત્યારે હવે કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે MUDA કૌભાંડમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપી દીધી છે. MUDA કૌભાંડમાં મુખ્યમંત્રીના પત્ની બીએમ પાર્વતી મુખ્ય આરોપી છે. તેમના પર મૈસુરમાં ખોટી રીતે જમીન લેવાનો આરોપ છે. જો કે, એ પણ રસપ્રદ છે કે 2021માં ભાજપના શાસન દરમિયાન જ વિજયનગરમાં મુખ્યમંત્રીની પત્ની પાર્વતીને નવી જગ્યા ફાળવવામાં આવી હતી. તો આવો જાણીએ કે જો ભાજપ સરકારમાં જ આ જમીન આપવામાં આવી છે, તો હવે તેનો વિરોધ કેમ કરી રહ્યા છે. શું છે MUDA કેસ, જેમાં સિદ્ધારમૈયા સામે થશે કાર્યવાહી. આવો જાણીએ કે અગાઉ કયા પૂર્વ મુખ્યમંત્રીઓને રાજ્યપાલની મંજૂરી બાદ જેલની હવા ખાવી પડી છે. અને શું થશે સિદ્ધારમૈયાનું...? સૌપ્રથમ એ જાણીએ કે MUDA કેસમાં વર્તમાન સ્થિતિ શું છે કર્ણાટકના રાજકારણમાં છેલ્લા એક મહિનાથી MUDA કૌભાંડનો મુદ્દો જોરશોરથી ઉઠી રહ્યો છે. રાજ્યપાલ પાસેથી સિદ્ધારમૈયા સામેના કેસ માટે મંજૂરી મળ્યા બાદ કર્ણાટકના રાજકારણમાં ઉથલપાથલ થઈ શકે છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે જમીન સંબંધિત ભ્રષ્ટાચારના મામલામાં કેસ દાખલ કરવામાં આવશે. રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે શનિવારે (17 ઓગસ્ટ) તેની સત્તાવાર મંજૂરી આપી દીધી છે. સિદ્ધારમૈયા પર મૈસુર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA)ની જમીનના વળતર માટે નકલી દસ્તાવેજો સબમિટ કરવાનો આરોપ છે. 26 જુલાઈના રોજ રાજ્યપાલે નોટિસ જારી કરીને 7 દિવસમાં મુખ્યમંત્રી પાસેથી જવાબ માંગ્યો હતો. 1 ઓગસ્ટના રોજ, કર્ણાટક સરકારે રાજ્યપાલને નોટિસ પાછી ખેંચવાની સલાહ આપી અને તેમના પર બંધારણીય સત્તાનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો. MUDA કૌભાંડમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, તેમની પત્ની, સાળા અને કેટલાક અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એક્ટિવિસ્ટ ટી.જે. અબ્રાહમ, પ્રદીપ અને સ્નેહમયી ક્રિષ્નાનો આરોપ છે કે મુખ્યમંત્રીએ MUDA અધિકારીઓ સાથે મળીને મોંઘી જગ્યાઓને છેતરપિંડી કરીને હસ્તગત કરવા માટે બનાવટી દસ્તાવેજો બનાવ્યા હતા. હવે એ જાણીએ કે જેના લીધે આ આખો વિવાદ ઉભો થયો છે તે MUDA કેસ આખરે છે શું? શું છે MUDA?
મૈસુર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA) નું કાર્ય મૈસુરમાં શહેરી વિકાસને પ્રોત્સાહન આપવા, માળખાકીય સુવિધાઓ વિકસાવવા અને લોકોને પોસાય તેવા ભાવે આવાસ પૂરા પાડવાનું છે. 2009માં MUDAએ શહેરી વિકાસને કારણે જમીન ગુમાવનારા લોકો માટે 50:50ની સ્કીમ રજૂ કરી હતી. આ યોજના હેઠળ જે લોકોની જમીન સંપાદિત કરવામાં આવશે તેમને MUDA દ્વારા વિકસિત જમીનના 50 ટકા પ્લોટ ફાળવવામાં આવશે. જો કે વર્ષ 2020માં તત્કાલીન ભાજપ સરકારે આ યોજના બંધ કરી દીધી હતી. જો કે, યોજના બંધ થયા પછી પણ MUDAએ 50:50 યોજના ચાલુ રાખી અને તે હેઠળ જમીનો સંપાદન અને ફાળવવાનું ચાલુ રાખ્યું. મુખ્યમંત્રીના પત્નીનું 50:50 યોજના સાથે શું કનેક્શન?
એવો આરોપ છે કે મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાની પત્ની પાસે મૈસુરના કેસારે ગામમાં 3 એકર અને 16 ગુંટા જમીન હતી, જે તેમના ભાઈ મલ્લિકાર્જુને પાર્વતીને ભેટમાં આપી હતી. MUDA દ્વારા વર્ષ 2021માં પાર્વતીની જમીન હસ્તગત કરવામાં આવી હતી. બદલામાં એક મોંઘા વિસ્તારમાં પાર્વતીને 14 સાઇટ ફાળવવામાં આવી હતી. એવો આરોપ છે કે MUDAએ આ જમીન સંપાદિત કર્યા વિના જ દેવનુર ત્રીજા તબક્કાની યોજના વિકસાવી હતી. વળતર માટે મુખ્યપ્રધાનના પત્ની પાર્વતીની અરજીના આધારે, MUDAએ વિજયનગર III અને IV ફેઝમાં 14 સાઇટ્સ ફાળવી. આ ફાળવણી રાજ્ય સરકારની 50:50 રેશિયો યોજના હેઠળ કુલ 38,284 ચોરસ ફૂટની હતી. મુખ્યમંત્રીના પત્નીના નામે જે 14 જગ્યાઓ ફાળવવામાં આવી હતી તેમાં કૌભાંડના આક્ષેપો થઈ રહ્યા છે. વિપક્ષનું કહેવું છે કે પાર્વતીને MUDA દ્વારા આ જગ્યાઓની ફાળવણીમાં ગેરરીતિ આચરવામાં આવી છે. MUDA કેસમાં સિદ્ધારમૈયાની શું ભૂમિકા છે?
વર્ષ 1998માં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારમાં સિદ્ધારમૈયા ડેપ્યુટી CM હતા. સિદ્ધારમૈયાની પત્ની પાર્વતીના ભાઈએ 2004માં ડિનોટિફાઈડ 3 એકર 14 ગુંટા જમીનનો એક ટુકડો ખરીદ્યો હતો. 2004-05માં કર્ણાટકમાં કોંગ્રેસ-JDS ગઠબંધનની સરકાર હતી. તે સરકારમાં સિદ્ધારમૈયા ડેપ્યુટી CM હતા. આ દરમિયાન જમીનના વિવાદાસ્પદ ભાગને ફરીથી ડિનોટિફાઈડ કરી ખેતીની જમીનથી અલગ કરવામાં આવ્યો હતો. પરંતુ જ્યારે સિદ્ધારમૈયાનો પરિવાર જમીનની માલિકી લેવા ગયો ત્યારે તેમને જાણવા મળ્યું કે ત્યાં લેઆઉટ ડેવલપ થઈ ચૂક્યો હતો. આવી સ્થિતિમાં MUDA સામે અધિકારની લડાઈ શરૂ થઈ. સિદ્ધારમૈયા 2013થી 2018 વચ્ચે મુખ્યમંત્રી હતા. જમીનની અરજી તેમના પરિવાર વતી તેમને મોકલવામાં આવી હતી. પરંતુ CM સિદ્ધારમૈયાએ આ અરજીને એમ કહીને રોકી દીધી હતી કે લાભાર્થી તેમનો પરિવાર છે, તેથી તેઓ આ ફાઇલને આગળ નહીં વધારે. જ્યારે ફાઇલ 2022માં તત્કાલિન મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ સુધી પહોંચી. ત્યારે સિદ્ધારમૈયા વિપક્ષના નેતા હતા. ભાજપની બસવરાજ બોમાઈ સરકારે MUDAની 50-50 સ્કીમ હેઠળ મૈસુરના વિજયનગર વિસ્તારમાં 14 પ્લોટ આપવાનો નિર્ણય કર્યો. શું છે BJP-JDSનો આરોપ?
બીજેપી અને જેડીએસનો આરોપ છે કે 1998થી 2023 સુધી સિદ્ધારમૈયા રાજ્યમાં પ્રભાવશાળી અને મહત્વપૂર્ણ હોદ્દા પર હતા. તેમણે પોતાના પ્રભાવનો ઉપયોગ કર્યો, સિદ્ધારમૈયા કદાચ આ વ્યવહારમાં સીધા સામેલ ન હોય, પરંતુ એવું ન હોઈ શકે કે તેમણે તેમના પ્રભાવનો ઉપયોગ કર્યો ન હોય. કેન્દ્રીય મંત્રી અને બીજેપીના વરિષ્ઠ નેતા શોભા કરણલાજે પહેલા જ કહી ચુક્યા છે કે જ્યારથી જમીનની લેનદેન કેસ (MUDA કેસ) શરૂ થયો છે ત્યારથી સિદ્ધારમૈયા હંમેશા મહત્વના હોદ્દા પર રહ્યા છે, તેમના પરિવાર પર આ કેસમાં લાભાર્થી હોવાનો આરોપ છે. આવી સ્થિતિમાં, તે શક્ય નથી કે આમાં તેમની ભૂમિકા ન હોય. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા શું કહે છે?
CM સિદ્ધારમૈયાએ આ કેસમાં કોઈપણ ભૂમિકાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે જો તેમના ઇરાદામાં ખામી હોત, તો તેઓ 2013 અને 2018 વચ્ચે જ મુખ્યમંત્રી હતા ત્યારે તેમની પત્નીની ફાઇલ પર કાર્યવાહી કરી શક્યા હોત. જો કંઈક ખોટું હતું અને નિયમોની અવગણના કરવામાં આવી હતી, તો પછી ભાજપની બસવરાજ બોમાઈ સરકારે તેમની પત્નીને પ્લોટ કેમ આપ્યો? સિદ્ધારમૈયા પહેલા જ કહી ચુક્યા છે કે તેઓ આ મામલે કાનૂની લડાઈ લડવા તૈયાર છે. આરોપો પર CMનું શું કહેવું છે
મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ફાળવણીનો બચાવ કરતા કહ્યું કે તે 2021માં ભાજપ સરકાર હેઠળ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે વિજયનગરમાં સાઇટ્સ એટલા માટે આપવામાં આવી કારણ કે કેસારેમાં દેવનુર ફેઝ 3 વિસ્તારમાં સાઇટ્સ ઉપલબ્ધ નહોતી. સિદ્ધારમૈયાના કાયદાકીય સલાહકાર એએસ પોન્નાએ દાવો કર્યો હતો કે વિજયનગરમાં વળતરમાં આપવામાં આવેલી જમીનની કિંમત કેસારેની મૂળ જમીન કરતાં ઘણી ઓછી છે. તેમણે કહ્યું કે જમીન સંપાદન કાયદા મુજબ, પાર્વતી સરકાર પાસેથી રૂ. 57 કરોડ વધુ મેળવવા માટે હકદાર છે કારણ કે તેમને વળતર તરીકે મળેલી જમીનની કિંમત માત્ર રૂ. 15-16 કરોડ છે, જે કેસારેમાં તેમની મૂળ જમીન કરતાં ઘણી ઓછી છે. પોન્નાએ વધુમાં જણાવ્યું હતું કે વળતરવાળી જગ્યાનો વિસ્તાર 38,284 ચોરસ ફૂટ છે જ્યારે મૂળ જમીન 1,48,104 ચોરસ ફૂટ હતી. તેમણે દાવો કર્યો હતો કે પાર્વતીએ વિલંબ ટાળવા માટે વિજયનગરની જગ્યા પસંદ કરી હતી, ભલે તેનું બજાર મૂલ્ય ઓછું હતું. CM સિદ્ધારમૈયાએ વિપક્ષના આરોપો પર કહ્યું, 'જો તેમને લાગે છે કે આ કાયદાની વિરુદ્ધ છે, તો તેમણે જણાવવું જોઈએ કે તે કેટલું યોગ્ય છે. જો જમીનની કિંમત રૂ. 62 કરોડ છે, તો એ પ્લોટ પાછો લઈ લેવો જોઈએ અને અમને તે મુજબ વળતર આપવું જોઈએ. "સમગ્ર કેબિનેટ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સાથે"
ડીકે શિવકુમારે કહ્યું કે કર્ણાટકના રાજ્યપાલે કેસ ચલાવવાની પરવાનગી આપી દીધી છે. પ્રાથમિક તપાસ અને રિપોર્ટ બાદ આવી પરવાનગી આપવામાં આવે છે. આ માટે ડીકે શિવકુમારે એચડીકે કેસનું ઉદાહરણ આપીને કહ્યું કે લોકાયુક્તના રિપોર્ટના આધારે કેસ ચલાવવાની અપીલ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે સમગ્ર કેબિનેટ CM સિદ્ધારમૈયાની સાથે છે. તેઓ અમારા મુખ્યમંત્રી છે અને રહેશે. "રાજ્યપાલનો નિર્ણય ચૂંટાયેલા મુખ્યમંત્રી વિરુદ્ધ"
ડીકે શિવકુમારે કહ્યું કે જનાર્દન રેડ્ડી અને શશિકલા જોલે અને મુરુગેશ કેસમાં નિરાની રિપોર્ટ બાદ પણ આ લોકોની પૂછપરછ કરવામાં આવી નથી. રાજ્યપાલે કોઈ નિર્ણય લીધો નથી. પરંતુ સિદ્ધારમૈયાના કેસમાં રાજ્યપાલે ફરિયાદના 24 કલાકની અંદર મુખ્યમંત્રીને કારણ બતાવો નોટિસ જારી કરી હતી. હવે રાજ્યપાલે આ કેસને મંજૂરી આપી દીધી છે. આ માત્ર CM સામે જ નહીં પરંતુ જનતા દ્વારા ચૂંટાયેલા તમામ ધારાસભ્યો સામે પણ છે. તેમણે કહ્યું કે કર્ણાટકના કોંગ્રેસના ધારાસભ્યો અને સમગ્ર કેબિનેટ મુખ્યમંત્રીની સાથે છે. પાર્ટી તેમને સમર્થન આપશે. અમે કાયદાકીય લડાઈ લડીશું અને લોકોને જણાવીશું કે રાજ્યપાલ કાર્યાલયનો ભાજપ કાર્યાલય તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. રામલિંગા રેડ્ડીએ રાજ્યપાલ પર કટાક્ષ કર્યો
કર્ણાટકના મંત્રી રામલિંગા રેડ્ડીએ રાજ્યપાલના નિર્ણયની ટીકા કરતા કહ્યું કે કેન્દ્ર અને ભાજપના નેતાઓના દબાણને કારણે રાજ્યપાલે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે કેસ ચલાવવાની મંજૂરી આપી છે. રાજ્યપાલ પદ માટે આ સારું નથી. તેમણે કહ્યું કે લોકાયુક્તે એચડી કુમારસ્વામીના માઈનિંગ કૌભાંડની તપાસ કરવાની પરવાનગી માંગી હતી, પરંતુ રાજ્યપાલે છેલ્લા 10 મહિનાથી ફાઈલ રોકી રાખી છે. શિકલા જોલેના ઇંડા કૌભાંડ સામે તપાસની પરવાનગી માંગતી ફાઇલ પણ લગભગ 2 વર્ષથી રાજ્યપાલ પાસે પેન્ડિંગ છે. જનાર્દન રેડ્ડીની ખાણ કૌભાંડની ફાઈલ પણ રાજભવનમાં ધૂળ ખાઈ રહી છે. રાજભવનમાં એવી ફાઈલો છે જેમાં વર્ષોથી ભાજપ અને તેના સાથી પક્ષો સાથે સંકળાયેલા અસંખ્ય કૌભાંડોની તપાસ કરવાની પરવાનગી માંગવામાં આવી છે. આ મામલે કઇ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે?
મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા, તેમની પત્ની અને અન્યો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી બે ખાનગી ફરિયાદો પર સાંસદો/ધારાસભ્યો સાથે સંકળાયેલા કેસોની વિશેષ અદાલતે સુનાવણી કરી હતી. આ ફરિયાદ મૈસુરની રહેવાસી શેહમયી કૃષ્ણાએ નોંધાવી છે. વિશેષ અદાલતના ન્યાયાધીશ સંતોષ ગજાનન ભટે 20 ઓગસ્ટ, 2024 સુધી ફરિયાદની સ્વીકાર્યતા પરનો આદેશ અનામત રાખ્યો હતો. કોર્ટે કહ્યું કે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 17A અને કલમ 19 હેઠળ પૂર્વ મંજૂરીના પ્રશ્નનો જવાબ આપવો જોઈએ. અરજદાર શેહમયીના વકીલે કહ્યું કે આઈપીસી હેઠળના ગુનાઓ પર કોર્ટ વિચારણા કરી શકે છે. બંને ફરિયાદો મુખ્યત્વે મૈસુર શહેરમાં પ્રાઇમ લોકેશન્સ પર સિદ્ધારમૈયાની પત્નીની તરફેણમાં નિયમોનું ઉલ્લંઘન કરીને 14 સાઇટ્સની ફાળવણી સાથે સંબંધિત છે. રાજ્ય સરકારે આ મામલે શું કાર્યવાહી કરી?
જુલાઈના મધ્યમાં રાજ્ય સરકારે MUDA દ્વારા જમીનની ફાળવણીમાં કથિત ગેરરીતિઓની તપાસ કરવા માટે એક સભ્યના ન્યાયિક પંચની રચના કરી હતી. કર્ણાટક હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ પીએન દેસાઈની અધ્યક્ષતામાં આ ન્યાયિક પંચની રચના કરવામાં આવી હતી. કમિશનને તેની તપાસ પૂર્ણ કરવા અને સરકારને રિપોર્ટ સોંપવા માટે છ મહિનાનો સમય આપવામાં આવ્યો છે. દેશમાં જ્યારે-જ્યારે રાજ્યપાલે મુખ્યમંત્રી સામે કોઈપણ કૌભાંડના આરોપમાં કેસ ચલાવવાની મંજૂરી આપી છે ત્યારે મુખ્યમંત્રીની ધરપકડ થઈ છે. લાલુ યાદવની પહેલીવાર થઈ હતી ધરપકડ વર્ષ હતું 1997 અને સંયુક્ત બિહારના મુખ્યમંત્રી હતા લાલુ પ્રસાદ યાદવ. તેમના પર ઘાસચારા કૌભાંડનો આરોપ લાગ્યો, જેના કારણે ભારે હોબાળો શરૂ થઈ ગયો. વિપક્ષે લાલુ સામે મોરચાબંધી શરૂ કરી. મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો અને CBI તપાસની માંગણી શરૂ થઈ. વિરોધ વધતો જોઈને રાજ્યપાલ એઆર કિદવઈએ લાલુ યાદવ વિરુદ્ધ કેસ દાખલ કરવાની મંજૂરી આપી. આ પછી CBIએ આ કેસની તપાસ શરૂ કરી. થોડા દિવસોની તપાસ બાદ CBIએ આ કેસમાં મુખ્યમંત્રી લાલુ યાદવની ધરપકડ કરી લીધી. ધરપકડ બાદ લાલુએ પોતાની જગ્યાએ પત્ની રાબડી દેવીને મુખ્યમંત્રીની ખુરસી સોંપી દીધી. ચારા કૌભાંડ કેસમાં લાલુ યાદવને નીચલી અદાલતે દોષિત જાહેર કર્યા છે. હાલમાં તે આ કેસમાં સ્વાસ્થ્યના કારણોસર જામીન પર છે. બીએસ યેદિયુરપ્પા પણ ફસાયા હતા 2011માં કર્ણાટકના મુખ્યમંત્રી હતા બીએસ યેદિયુરપ્પા. તે જ સમયે, સંતોષ હેગડેના નેતૃત્વમાં લોકાયુક્તે કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા પર ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા. યેદિયુરપ્પા પર પણ ખોટી રીતે જમીન ફાળવવાનો કેસ હતો. તે સમયે કર્ણાટકના રાજ્યપાલ હતા હંસરાજ ભારદ્વાજ. ભારદ્વાજે બીએસ યેદિયુરપ્પાની સામે કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી. હંસરાજના આ નિર્ણયની વ્યાપક ટીકા થઈ હતી. ત્યારબાદ લોકાયુક્ત કોર્ટે યેદિયુરપ્પા સામે ધરપકડ વોરંટ જારી કર્યું હતું. યેદિયુરપ્પાની ઓક્ટોબર 2011માં ધરપકડ થઈ હતી. ધરપકડ બાદ યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી પદ છોડી દીધું હતું. આ કેસમાં તે 23 દિવસ સુધી જેલમાં રહ્યા હતા. બાદમાં CBIએ આ મામલો સંભાળી લીધો અને યેદિયુરપ્પા સામે તપાસ શરૂ કરી. LGની મંજૂરીથી કેજરીવાલ રડાર પર આવ્યા​​​​​​​ 2022માં દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ કેજરીવાલ સરકારની લિકર પોલિસીની તપાસ CBIને સોંપી દીધી. આ કેસમાં શરૂઆતમાં CBIએ પૂર્વ ડેપ્યુટી CM મનીષ સિસોદિયાની પૂછપરછ કરી હતી. ઓક્ટોબર 2022માં CBIએ ED સાથે મળીને સિસોદિયાની ધરપકડ કરી હતી. સિસોદિયા વિરુદ્ધ આ કેસની તપાસ ચાલી રહી હતી ત્યારે EDએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આરોપી બનાવી લીધા. માર્ચ 2024માં લાંબી પૂછપરછ બાદ EDએ કેજરીવાલની પણ ધરપકડ કરી લીધી. હાલમાં સિસોદિયા આ કેસમાં જામીન પર બહાર છે, જ્યારે કેજરીવાલ હજુ પણ જેલમાં બંધ છે. મધુ કોડાની ખુરશી ગઈ, ધરપકડ થઈ
2006માં અપક્ષ ધારાસભ્ય મધુ કોડા કોંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોરચાના સમર્થનથી ઝારખંડમાં મુખ્યમંત્રી બન્યા. કોડાની સરકાર 2 વર્ષ સુધી સરળતાથી ચાલતી રહી, પરંતુ આ દરમિયાન તેમના પર માઇનિંગ કૌભાંડનો આરોપ લાગ્યો. આરોપ એવો હતો કે કોડાની ટીમે કોલસાની ખાણની ફાળવણીમાં આશરે રૂ. 400 કરોડની કમાણી કરી હતી. કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી અને શરૂઆતમાં આ મામલાને ઢાંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ધીમે ધીમે ઝારખંડમાં કોડાનો મુદ્દો જોર પકડવા લાગ્યો. રાજકીય નુકસાન જોઈને શિબુ સોરેને કોડા સરકારમાંથી ટેકો પાછો ખેંચી લીધો. તત્કાલીન રાજ્યપાલ સિબ્તે રિઝવીએ કોડા વિરુદ્ધ CBIને તપાસ માટે પત્ર લખ્યો. જ્યારે CBIએ તેની તપાસ શરૂ કરી તો તેને મની લોન્ડરિંગના પણ પુરાવા મળ્યા. 2009માં CBI અને ED બંનેએ કોડા કેસમાં સંયુક્ત રીતે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન CBIએ કોડાની ધરપકડ કરી લીધી. કોડા 2012 સુધી જેલમાં બંધ રહ્યા. આ કેસમાં તેમને 2017માં દોષિત ઠેરવવામાં આવ્યા. હાલમાં કોડાની પત્ની રાજકારણમાં છે. તપાસની મંજૂરી મળી તો સરકાર જતી રહી
તમિલનાડુમાં 1995માં જયલલિતાની સરકાર હતી. તે સમયે તેમના પર તાંસી જમીન કૌભાંડનો આરોપ લાગ્યો. આ આરોપે જયલલિતાને બેકફૂટ પર લાવી દીધા. એક તરફ તેમની વિરુદ્ધ વિપક્ષ રસ્તા પર હતો, તો બીજી તરફ વરિષ્ઠ વકીલ સુબ્રમણ્યમ સ્વામી તેમને કાયદાકીય રીતે ઘેરી રહ્યા હતા. સ્વામીએ આ કેસની તપાસ કરવાની મંજૂરી માટે તમિલનાડુના તત્કાલીન રાજ્યપાલ એ ચન્ના રેડ્ડીને પત્ર લખ્યો. રાજ્યપાલે તરત જ આ કેસની તપાસને મંજૂરી આપી દીધી. જયલલિતાની આ કેસમાં ધરપકડ તો ના થઈ, પરંતુ 1996માં તેમની સરકાર જતી રહી. સરકાર જતાની સાથે જ તેમની સામે અપ્રમાણસર સંપત્તિનો કેસ શરૂ થઈ ગયો. આ કેસમાં જયલલિતાને જેલમાં જવું પડ્યું હતું. શું તો હવે સિદ્ધારમૈયા પર પણ સંકજો કસાશે? રાજ્યપાલ દ્વારા જારી કરાયેલા કેસના મંજૂરી પત્રમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યપાલ પ્રથમ દૃષ્ટિએ સંતુષ્ટ છે કે આ કેસ મુખ્યમંત્રી વિરુદ્ધ બને છે. રાજ્યપાલે મધ્યપ્રદેશને લઈને 2004માં આપવામાં આવેલા સુપ્રીમ કોર્ટના આદેશને પણ ટાંક્યો છે, જેમાં રાજ્યપાલ આવા કેસને મંજૂરી આપી શકે છે. રાજ્યપાલની આ પરવાનગી બાદ હવે કોર્ટ સિદ્ધારમૈયા વિરુદ્ધ સમન્સ જારી કરી શકે છે અને તપાસ એજન્સી કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી શકે છે. હાલમાં જ કર્ણાટકના ડેપ્યુટી CMએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે સિદ્ધારમૈયા વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. તેમણે એવી આશંકા વ્યક્ત કરી હતી કે સિદ્ધારમૈયાને જેલમાં મોકલીને સરકારને તોડી પાડવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. હવે સિદ્ધારમૈયા આ સમગ્ર મામલે કાયદાકીય સલાહ લઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે કર્ણાટક સરકાર રાજ્યપાલના આ નિર્ણયને કોર્ટમાં પડકારી શકે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.