વિંછીયાના વાંગધ્રા ગામની પ્રાથમિક શાળાના બાળકો પાસે શિક્ષકે ખેતરમાં મજૂરીકામ કરાવ્યું, વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો
વિંછીયાના વાંગધ્રા ગામની પ્રાથમિક શાળાના બાળકો પાસે શિક્ષકે ખેતરમાં મજૂરીકામ કરાવ્યું, વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો
- શાળાનો શિક્ષક બાળકોને ચાલુ શાળા દરમિયાન મજૂરીકામ કરાવતો હોવાનો જાગૃત લોકોએ વિડીયો ઉતારી લેતા ભાંડો ફૂટ્યો.
- શાળાના શિક્ષકના દીકરાના લગ્ન હોવાથી તેમના ઘરની બાજુમાં એક ખેતર આવેલું છે ત્યાં શાળાના વિદ્યાર્થીઓ પાસે મજૂરીકામ કરાવવામાં આવ્યું હતું.
રાજકોટના વિંછીયા તાલુકાના વાંગધ્રા ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પાસે શાળાનો જ શિક્ષક ખેતરમાં મજૂરીકામ કરાવતો હોવાની ઘટનાની વિડીયો વાયરલ થતા શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઈ છે. જે વિડીયોમાં વાંગધ્રા પ્રાથમિક શાળા નજીક આવેલ ખેતરમાં શાળાનો જ શિક્ષક તેમના બાળકો પાસે મજૂરીકામ કરાવતા હોવાનું ધ્યાને આવ્યું હતું. ત્યારે સવાલ એ થાય છે કે શાળામાં અભ્યાસ કરવા અર્થે વિદ્યાર્થીઓ પાસે આવું મજૂરીકામ કરાવવું તે કેટલું યોગ્ય ગણાય? શું બાળકો શાળામાં અભ્યાસ કરવા માટે આવતા હોય છે કે પછી મજૂરીકામ કરવા અર્થે વગેરે વેધક સવાલો ગ્રામજનોમાં ઉઠી રહ્યા છે. જો કે આ અંગે શાળાના વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું ત્યારે વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, શાળાના શિક્ષકો દ્વારા તેમની પાસે અવાર-નવાર શિક્ષકોના ઘરના પાણીના ટાંકા તેમજ સાફ-સફાઈ કામ કરાવવામાં આવે છે. સાથે જ શાળામાં આવતા શિક્ષકો ચાલુ ક્લાસ દરમિયાન પાન-ફાકીનું સેવન કરતા હોવાનું પણ વિદ્યાર્થીઓએ જણાવતા ખળભળાટ મચી ગયો હતો. ખરેખર જ્યાં શિક્ષણ અપાય છે તે જગ્યા ઉપર વ્યસનનું જ્ઞાન મળતું જોવા મળે તો વિદ્યાર્થીઓ પર આની કેવી અસર પડે તે આ બાબત પરથી અંદાજ લગાવી શકાય છે. જે જગ્યા ઉપર જ્ઞાન, શિક્ષણ, સમાજ, સંસ્કાર મેળવવાના હોય તે જગ્યા પર જો આવી રીતે નશાનું સેવન કરતા શિક્ષકો જોવા મળે અને બાળકો પાસે મજૂરીકામ કરાવતા હોય તેવું સામે આવે તો આવી બાબતો પરથી ભણશે ગુજરાત કે પછી મજૂરી શીખશે ગુજરાત, ભણશે ગુજરાત કે વ્યસન કરતા શીખે ગુજરાત જેવા વેધક સવાલો ઉભા થાય છે. જો કે વિંછીયા તાલુકામાં આવેલી આ શાળાની અંદર વિદ્યાર્થીઓ પાસે શિક્ષકો દ્વારા કામ કરવામાં આવતું હોવાનું સ્થાનિકોએ પણ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અગાઉ ભૂતકાળમાં વિદ્યાર્થીઓ પાસે શાળાની અંદર શિક્ષકો દ્વારા કામ કરવામાં આવતું હતું. પરંતુ હવે તો વાત શાળાએથી ખેતર સુધી પહોંચી હોય તે આ પહેલી છે.જો કે આ ગંભીર પ્રશ્ને વાલીઓમાં શિક્ષકના આવા કાર્ય પ્રત્યે નારાજગી ઉઠવા પામતા ગામના જાગૃત નાગરિક તન્વીન પટેલ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ તાલુકા શિક્ષણ અધિકારીને લેખિત પત્ર લખી જવાબદારો સામે કડક પગલા રજૂઆત કરવામાં આવી છે.
વાલીઓ પોતાના બાળકોને સારું શિક્ષણ અપાવવા માટે શાળાએ મોકલતા હોય છે: તસ્વીન પટેલ-જાગૃત નાગરિક,વાંગધ્રા.
મને આ વિડીયો મળતા તેની તપાસ કરી તો આ વિડીયો ગત શનિવારનો સવારનો 9-30 કલાકનો હોવાનું ધ્યાને આવ્યું હતું. આ વિડીયોમાં અમારા ગામની સરકારી શાળાના એક શિક્ષક છે જેના દીકરાના લગ્ન હોવાથી તેમના ઘરની બાજુમાં એક ખેતર આવેલું છે ત્યાં શાળાના વિદ્યાર્થીઓ પાસે મજૂરીકામ કરાવવામાં આવ્યું હતું. મેં આ બાબતે વિદ્યાર્થીઓને પૂછ્યું તો તેમણે કહ્યું કે શાળાના શિક્ષકો તેમને વારંવાર દબાણ કરીને પોતાના ઘરે કે ખેતરમાં સાફ-સફાઈ કરાવવા માટે લઈ જાય છે. વાલીઓ પોતાના બાળકોને સારું શિક્ષણ અપાવવા માટે શાળાએ મોકલતા હોય છે. પરંતુ આવા ભણેલા ગણેલા શિક્ષકો બાળકો પાસે આવું કામ કરાવે તે શરમજનક કહેવાય. આ ગંભીર બાબતે મેં રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી અને વિંછીયા તાલુકા શિક્ષણાધિકારીને લેખિત પત્ર લખી જવાબદારો સામે કડક પગલા ભરવા રજૂઆત કરેલ છે.
તેમણે તેમના ખેતરમાં જ કામ કરાવ્યું છે શાળાનું કામ નથી કરાવ્યું: સંદીપભાઈ દેસાઈ-શાળાના આચાર્ય.
એ શિક્ષકના ઘરે પ્રસંગ હતો અને તેમના કુટુંબના દીકરા જ હતા અને શનિવારનો સમય હતો એટલે કામ કરાવ્યું હશે. તેમણે તેમના ખેતરમાં જ કામ કરાવ્યું છે શાળાનું કામ નથી કરાવ્યું. મને આવું કામ બપોર પછી કરાવ્યું હોવાનું ધ્યાને આવ્યું છે. તે વિડીયોમાં દેખાતા શિક્ષક તેમના ઘરે પ્રસંગ હોવાથી રજા પર છે. આ પ્રશ્ન તેમનો ઘરનો છે શાળાનો નથી.
હું નિરીક્ષક દ્વારા તપાસ કરાવું છું, આ બાબતે બે-ત્રણ દિવસમાં કાર્યવાહી કરીશું: ડી.ડી.રામાનુજ-તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી,વિંછીયા.
મને સોશિયલ મીડિયા દ્વારા તે વિડીયો જોવા મળેલ છે. હવે તે વિડીયોના અનુસંધાને હું તેની તપાસ કરાવવાનો છું. જો તેમાં કોઈ શિક્ષકો દ્વારા શાળાના બાળકો પાસે આવું કામ કરાવવામાં આવ્યું હશે તો લગત જવાબદાર વ્યક્તિ સામે આગળની કાર્યવાહી કરીશું. આ બાબત ખરેખર યોગ્ય ન કહી શકાય. છતાં નિરીક્ષકનો જે રીપોર્ટ આવશે તેના આધારે વડી કચેરીને જાણ કરી આગળની કાર્યવાહી કરીશું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.