હોસ્પિટલમાં આગ લાગતા 6 નવજાત જીવતા સળગ્યા:રાજકોટ પછી મોડી રાતે દિલ્હીમાં ‘અગ્નિકાંડ’, 5 બાળકોને બચાવાયા; 16 ફાયરની ગાડીઓ દોડતી થઈ
દિલ્હીના વિવેક વિહાર સ્થિત ન્યૂ બોર્ન બેબી કેર સેન્ટરમાં શનિવારે (25 મે) મોડી રાત્રે આગ લાગી હતી. આ અકસ્માતમાં છ નવજાત બાળકોનાં મોત થયાં હતાં. 6ને બચાવી લેવાયાં છે. તેમાંથી એક વેન્ટિલેટર પર છે. 5 બાળકોને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. ફાયર ઓફિસરે કહ્યું કે તેમને રાત્રે 11:30 વાગ્યે આગની માહિતી મળી હતી. ફાયરની 16 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. બેબી કેર સેન્ટરમાં લાગેલી આગ બાજુના રહેણાક મકાનમાં પણ ફેલાઈ હતી. આ ઈમારતમાંથી 11-12 લોકોને બચાવી લેવાયા છે. બેબી સેન્ટરમાં આગની 5 તસવીરો... ઓક્સિજન સિલિન્ડર રિફિલિંગ દરમિયાન આગ લાગવાની શક્યતા
ફાયર વિભાગ અને પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી. જો કે, અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે બેબી કેર સેન્ટર પાસેની એમ્બ્યુલન્સમાં ઓક્સિજન ગેસ રિફિલ કરવામાં આવી રહ્યો હતો. તે જ સમયે વિસ્ફોટનો જોરદાર અવાજ સંભળાયો. આવી સ્થિતિમાં ઓક્સિજન સિલિન્ડરમાં બ્લાસ્ટ થવાને કારણે આગ લાગી હોવાની આશંકા છે. જો કે હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી. ઘટનાના ત્રણ કલાક બાદ શાહદરામાં આગ ફાટી નીકળી, 12 લોકોને બચાવી લેવાયા
બેબી કેર સેન્ટરમાં આગની ઘટનાના ત્રણ કલાક બાદ શાહદરા વિસ્તારમાં રહેણાક મકાનમાં આગ ફાટી નીકળી હતી. ફાયર ઓફિસરે જણાવ્યું કે શાહદરાના આઝાદ નગર પશ્ચિમમાં બિલ્ડિંગમાં આગ લાગવાની માહિતી બપોરે 2.35 કલાકે મળી હતી. કોલ મળ્યા બાદ પાંચ ફાયર સ્ટેશનની ફાયર બ્રિગેડની ગાડીઓ ત્યાં પહોંચી ગઈ હતી. સાંકડી ગલીઓના કારણે ત્યાં પહોંચવામાં ઘણી મુશ્કેલી પડતી હતી. જો કે આગ કાબૂમાં આવી હતી. બિલ્ડિંગમાં 12 લોકો ફસાયા હતા. દરેકને બચાવી લેવામાં આવ્યા હતા. દિલ્હીની પેઇન્ટ ફેક્ટરીમાં લાગેલી આગમાં 11 લોકોનાં મોત
આ વર્ષે 15 ફેબ્રુઆરીએ દિલ્હીના અલીપુરના દયાલ માર્કેટમાં આવેલી પેઇન્ટ ફેક્ટરીમાં આગ લાગી હતી. આ ઘટનામાં 11 લોકોના મોત થયા હતા અને 4 લોકો દાઝી ગયા હતા. ફાયર બ્રિગેડની 22 ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગના કારણે આસપાસનાં મકાનોને પણ નુકસાન થયું હતું. કારખાનામાં પેઇન્ટ બનાવવા માટે રાખવામાં આવેલા કેમિકલમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.