કુબલિયાપરામાં ધંધાના મનદુ:ખમાં બનેવીનો યુવાન પર ખૂની હુમલો - At This Time

કુબલિયાપરામાં ધંધાના મનદુ:ખમાં બનેવીનો યુવાન પર ખૂની હુમલો


કુબલિયાપરામાં બકરાના ધંધામાં ચાલતા મંદુ:ખના કારણે બનેવીએ ત્રણ શખ્સો સાથે મળીને યુવાન પર ખૂની હુમલો કરતા યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બનેવીએ યુવાનને સમાધાનના બહાને માતાજીના મઢે બોલાવી છરીના ઘા ઝીંકી દીધા હતા.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કુબલીયાપરાના બાપા સીતારામ ચોકમાં રહેતા સીતાબેન સોલંકી (ઉ.વ.55)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગઇકાલે બપોરે તેનો પુત્ર વિજય, તેની પત્ની પુરી અને તેની નાની પુત્રી સારિકા તેના ઘરે હતા. ત્યારે પુત્ર વિજયના મોબાઈલમાં મોટી પુત્રી ઉષાબેનના પતિ દિનેશ નાથા સોલંકીએ કોલ કરી બકરાના ધંધામાં ચાલતા મનદુ:ખમાં સમાધાન કરવા માટે માતાજીના મઢે બોલાવ્યો હતો.જેથી સાંજે વિજય માતાજીના મઢે પહોંચ્યો હતો.
ત્યારબાદ યુવાન લોહીલોહાણ હાલતમાં દોડતો-દોડતો આવ્યો હતો અને તેણે કહ્યું કે દિનેશ અને તેના ભાઈઓ રાજેશ, અખુ અને સાગરે માથાના ધારીયાના ઘા ઝીંકી દીધા છે. તેવામાં ત્યાં દિનેશ અને તેના ત્રણ ભાઈઓ ગાળો બોલતા-બોલતા ધસી આવ્યા હતા અને આજે વિજયને મારી નાખવો છે તેમ કહી તેને મારવા જતા પુત્રવધુ પુરીબેન વચ્ચે પડતા તેને પણ ગાળો ભાંડી હતી.આ વખતે તેણે અને પુત્રવધુએ હુમલાખોરોને વિજયને નહીં મારવા આજીજી કરી હતી.
આ બનવાના પગલે ટોળા ભેગા થઇ જતા આરોપીઓ ત્યાંથી જતા રહ્યા હતા. સાથોસાથ એવી પણ ધમકી આપતા ગયા કે આજે તો તું જીવતો રહીશ, હવે અમે તને ગમે ત્યારે મારી નાખશું, અને જીવતો નહીં રહેવા દઇએ. ત્યારબાદ પુત્ર વિજયને લોહીલોહાણ હાલતમાં સિવિલ ખસેડયો હતો. હુમલાખોરોએ ધારીયા અને છરી વડે હુમલો કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.