‘છોટી કાશી’માં ભોળાનાથના પ્રિય એવા પવિત્ર શ્રાવણ માસનો ‘હર હર મહાદેવ’ના નાદ સાથે પ્રારંભ
- નગરના અનેક શિવાલયોમાં વહેલી સવારથી શિવ ભક્તોની રુદ્રાભિષેક- જલાભિષેકની પૂજા- અર્ચના કરવા માટે ની લાંબી કતારોજામનગર તા.29 જુલાઈ 2022,શુક્રવારશિવની નગરી એવી 'છોટી કાશી' ના ઉપનામથી પ્રચલિત એવા જામનગર શહેરમાં આજે દેવાધિદેવ મહાદેવના અતી પ્રિય એવા શ્રાવણ માસનો ભક્તિ ભાવભર્યા વાતાવરણમાં પ્રારંભ થયો છે, અને ભગવાન ભોળાનાથને રીજવવા માટે શહેરના અનેક નાના મોટા શિવાલયોમાં શિવભક્તોએ વહેલી સવારથી જ કતાર લગાવી છે, અને રુદ્રાભિષેક- જલાભિષેક સહિતની પૂજા અર્ચના કરી હર હર મહાદેવ ના નાદ સાથે ભોળાનાથને રિઝવવાનો પ્રયાસ કર્યો છે. શહેરના અનેક શિવાલયોમાં મહા આરતીની સાથે ઘંટારવ જોવા મળ્યો હતો. છોટી કાશીના ઉપનામથી પ્રચલિત એવા જામનગર શહેરમાં આવેલા પુરાણ પ્રસિદ્ધ સિધ્ધનાથ મહાદેવ મંદિર, ભીડભંજન મહાદેવ મંદિર, નાગેશ્વર મહાદેવ મંદિર, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, પ્રતાપેશ્વર મહાદેવ મંદિર, નર્મદેશ્વર મહાદેવ મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર, વૈજનાથ મહાદેવ મંદિર, ગૌરીશંકર મહાદેવ મંદિર સહિતના નાના-મોટા અનેક શિવાલયોને સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ઝળહળતી રોશની અને ધજા પતાકા થી સજજ કરી દેવાય પછી આજે વહેલી સવારથી અનેક શિવભક્તો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી. શહેરના મોટા ભાગના શિવાલયના દ્વારે વહેલી સવારથી જ ભાવિકોની કતાર જોવા મળતી હતી, અને હાથમાં ફૂલ, બિલ્લીપત્ર, દૂધ સહિતની પૂજા સામગ્રી સાથે ભોળાનાથ ને નમન કરવા માટે જોડાયા હતા, અને હર હર ભોલે ના નાદ સાથેનો ઘંટનાદ જોવા મળ્યો હતો. શહેરના મોટાભાગના શિવાલયો ના દ્વારા ભીડ ન થાય, તેના ભાગરૂપે તેમજ ટ્રાફિકની સમસ્યા ન સર્જાય, તે માટે જામનગરના પોલીસ તંત્ર દ્વારા પણ વ્યવસ્થા ગોઠવાઈ છે, અને પ્રત્યેક શિવાલયોના દ્વારે પોલીસના જવાનો તેમજ હોમગાર્ડના જવાનો, ટ્રાફિક શાખાની ટીમ વગેરે ને તૈનાતમાં મૂકી દેવાયા છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા પણ પ્રત્યેક શિવાલયો ના આસપાસના વિસ્તારમાં સફાઈ કાર્ય હાથ ધરી લેવાયું છે.- શ્રાવણ માસ દરમિયાન રોશની થી શણગારાયા શિવાલયોજામનગરમાં જામ ધર્માદા ટ્રસ્ટ સંચાલિત નાગેશ્વર વિસ્તારમાં આવેલા શ્રી નાગેશ્વર મહાદેવ મંદિરને ઝળહળતી રોશનીથી સજ્જ બનાવાયું છે, અને સમગ્ર શ્રાવણ માસ દરમિયાન મંદિર રોશની થી ઝળહળતું રહેશે. જામનગરના ડી.કે.વી. રોડ પર આવેલા પ્રતાપેશ્વર મહાદેવ મંદિરમાં પણ રંગબેરંગી રોશની કરવામાં આવી છે, અને સમગ્ર મંદિર પરિસર ને રોશનીથી શણગારવામાં આવ્યું છે. જે શિવ મંદિરમાં પણ સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ઝળહળતી રોશની ચાલુ રખાશે, ઉપરાંત મહાઆરતી કરવામાં આવી રહી છે. જામજોધપુર પંથકના મોટીગોપ ના ડુંગર પર આવેલા શ્રી ગોપનાથ મહાદેવ મંદિરને પણ રંગબેરંગી રોશનીથી સજ્જ બનાવાયું છે, અને છેક દૂરથી દેવાધીદેવ મહાદેવના શિખરનો ઝળહળતો નજારો નિહાળી શકાય છે. સમગ્ર પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અહીં પણ રોશનીથી સજ્જ બનેલા મહાદેવ મંદિરમાં આરતી, રુદ્રાભિષેક, જલાભિષેક સહિતના ધાર્મિક કાર્યક્રમમાં ચાલી રહ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.