ભાવનગર મનપામાં 9 દિવસ બાદ પણ કોઈ અધિકારીને સીટી એન્જીનીયરનો ચાર્જ ના અપાયો - At This Time

ભાવનગર મનપામાં 9 દિવસ બાદ પણ કોઈ અધિકારીને સીટી એન્જીનીયરનો ચાર્જ ના અપાયો


- સીટી એન્જીનીયરના ચાર્જનુ કોકડુ રાજકારણના કારણે ગુચવાયાની ચર્ચા - સીટી એન્જીનીયરની જગ્યા ખાલી હોવાથી મનપામાં કામગીરીની ફાઈલોનો ભરાવો ભાવનગર : ભાવનગર મનપામાં નવ દિવસ બાદ પણ કોઈ અધિકારીને સીટી એન્જીનીયરનો ચાર્જ અપાયો નથી તેથી કર્મચારીઓમાં ચર્ચાનો દૌર શરૂ થઈ ગયો છે. સીટી એન્જીનીયરના ચાર્જનુ કોકડુ રાજકારણના કારણે ગુચવાયાની ચર્ચા છે પરંતુ સત્તાવાર આ બાબતે કોઈ સમર્થન આપતુ નથી. સીટી એન્જીનીયરની જગ્યા ખાલી હોવાથી મનપામાં કામગીરીની ફાઈલોનો ભરાવો થયો હોવાનુ જણાય રહ્યુ છે ત્યારે આ અંગે તત્કાલ યોગ્ય પગલા લેવા જરૂરી છે. ભાવનગર મહાપાલિકાના ઈન્ચાર્જ સીટી અને રોડ વિભાગના કાર્યપાલક ઈજનેર એન્જીનીયર એમ.ડી.મકવાણા ગત તા. ૩૦ જુને નિવૃત્ત થયા હતાં. આ અધિકારી નિવૃત્ત થયા તેને ૯ દિવસનો સમય થઈ ગયો છે છતા હજુ સુધી કોઈ અધિકારીને સીટી એન્જીનીયરનો ચાર્જ આપવામાં આવેલ નથી. સીટી એન્જીનીયરનો ચાર્જ આપવામાં વિલંબ થઈ રહ્યો છે પરંતુ કયાં કારણોસર વિલંબ થઈ રહ્યો છે ? તેનુ ચોક્કસ કારણ જાણવા મળેલ નથી. સીનીયોરીટી મુજબ સીટી એન્જીનીયરનો ચાર્જ અધિકારી સોમપુરાને મળી શકે તેમ છે પરંતુ તેમ છતા હજુ તેઓને તેમજ અન્ય કોઈ અધિકારીને ચાર્જ આપવામાં આવેલ નથી. સીટી એન્જીનીયરના ચાર્જને લઈ રાજકારણ ગરમાયુ હોવાનુ ચર્ચાય રહ્યુ છે. મનપા નિયમ મુજબ ચાર્જ આપવા માંગે છે પરંતુ કેટલાક રાજકીય લોકો કહ્યાગરા અધિકારીને ખુરશી પર બેસાડવા મહેનત કરી રહ્યા હોવાની ચર્ચા છે ત્યારે સીટી એન્જીનીયરનો ચાર્જ કોને આપવામાં આવે છે ? તેની રાહ જોવી જ રહી.  ઉલ્લેખનીય છે કે, ભાવનગર મહાપાલિકામાં પૂર્વ સીટી એન્જીનીયર ચંદારાણ ગયા બાદ જુદા જુદા અધિકારીઓને સીટી એન્જીનીયરનો ચાર્જ આપવામાં આવે છે અને એક પછી એક અધિકારી નિવૃત્ત થઈ રહ્યા છે, જેમાં અધિકારી પંડીત, કુકડીયા, ગોધવાણી બાદ રોડઝ વિભાગના કાર્યપાલક ઇજનેર એમ.ડી.મકવાણાને સીટી એન્જીનીયરનો ચાર્જ આપવામાં આવ્યો હતો. આ તમામ અધિકારી હાલ નિવૃત્ત થઈ ગયા છે. સીટી એન્જીનીયરનો ચાર્જ આપવામાં વિલંબ કરવામાં આવતા મનપામાં કામગીરીની ફાઈલોનો ભરાવો થયો હોવાનુ કહેવાય છે ત્યારે આ બાબતે કમિશનર કયારે પગલા લેશે ? તે જોવુ જ રહ્યું. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.