‘બચ્ચું નાનું હોય ત્યારે જ નામ પડી જાય છે’:હાથી પર 4 વર્ષ સુધી રિસર્ચ કરનારા USના ડો. જ્યોર્જ વિટમેયર સાથે ભાસ્કરની ખાસ વાતચીત
માર્ગારેટ... માર્ગારેટ...
કેન્યાના જંગલોમાં લાંબી સૂંઢ કરીને ઝાડની ડાળી તોડી રહેલી હાથણીની નજીક મૂકેલા સ્પીકરમાં આ અવાજ ગુંજ્યો...
હાથણીએ તરત કાન એલર્ટ કર્યા, પંખાની જેમ હલાવ્યા ને ગડગડાટી ભર્યો અવાજ કાઢ્યો.
સ્પીકરમાં કોઈ માણસનો અવાજ નહોતો, એ પણ બીજા હાથીનો રેકોર્ડ કરેલો અવાજ હતો. એક હાથી તેની સાથે રહેલી હાથણીને માર્ગારેટના નામથી બોલાવે છે ને પેલી હાથણી તેનો જવાબ ગડગડાટ કરીને આપે છે. આ માર્ગારેટ નામ હોઈ શકે, તેવું માત્ર અનુમાન છે. બાકી, એક હાથી, બીજા હાથીને ક્યા નામથી બોલાવે છે, તે જાણવું સંભવ નથી.
હમણાં એવા મીડિયા રિપોર્ટ્સ આવ્યા હતા કે, એવું રિસર્ચ થયું છે કે હાથી એકબીજાને નામથી બોલાવે છે. આ રિસર્ચ અમેરિકાની કોલોરાડો સ્ટેટ યુનિવર્સિટીના પ્રોફેસર ડો. જ્યોર્જ વિટમેયર અને તેની ટીમે કર્યું છે. તેની ટીમમાં 21 મેમ્બર કામ કરે છે. દિવ્ય ભાસ્કરે જ્યોર્જ વિટમેયરનો થોડા દિવસો પહેલાં ઈ-મેઈલથી સંપર્ક કર્યો હતો. પહેલાં ઈ-મેઈલમાં તેમણે જવાબ આપ્યો હતો કે, તે જંગલમાં ફિલ્ડ વર્ક કરી રહ્યા છે, એટલે થોડા દિવસો પછી જવાબ આપશે. થોડા દિવસો પછી ફરીવાર દિવ્ય ભાસ્કરે ડો. જ્યોર્જ વિટમેયરનો ઈ-મેઈલ દ્વારા સંપર્ક કર્યો હતો. તેમને હાથી પરના રિસર્ચ અંગે કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તેમના વિસ્તારથી જવાબ આપ્યા હતા. તેમણે ફોટોગ્રાફ અને વીડિયો પણ શેર કર્યા હતા. ડો. વિટમેયરના રિસર્ચની વાત તો જગજાહેર છે. આમાં નવું શું છે? એવો સવાલ વાચકોને થાય, પણ દિવ્ય ભાસ્કરે એ જાણવાનો પ્રયાસ કર્યો કે, આખરે હાથી એકબીજાના નામ પાડે છે કેવી રીતે? તેનો જવાબ વિટમેયરે પ્રાથમિક અભ્યાસના આધારે આપ્યો હતો. હાથીની વાત આગળ વધારીએ તે પહેલાં જાણીએ રિસર્ચર ડો. જ્યોર્જ વિટમેયર વિશે... કોણ છે રિસર્ચર ડો. જ્યોર્જ વિટમેયર?
પ્રોફેસર ડો. જ્યોર્જ વિયમેયર અમેરિકાની કોલોરાડો સ્ટેટ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ ફિશ, વાઈલ્ડ લાઈફ એન્ડ કન્ઝર્વેશન બાયોલોજીના હેડ છે. અત્યારે વિશ્વમાં જીવસૃષ્ટિ ખતરામાં છે. તેનું સંરક્ષણ કેવી રીતે કરવું, જીવસૃષ્ટિ, વન્ય સૃષ્ટિ પર માણસોથી ખતરો કેવી રીતે ઓછો થાય, તેના પર તે કામ કરી રહ્યા છે. વન્ય જીવો પર ક્લાઈમેટ ચેન્જની અસર, તેના વર્તનમાં પરિવર્તન જેવી બાબતો પર પણ તેમનું કામ ચાલે છે. કેન્યામાં 'સેવ ધ એલિફન્ટ' પ્રોજેક્ટ ચાલે છે. આના માટે કેન્યા સરકારે 'સેવ ધ એલિફન્ટ સાયન્ટિફિક બોર્ડ'ની રચના કરી છે. જેના ચેરમેન પ્રોફેસર ડો. જ્યોર્જ વિટમેયર છે. કેન્યા વાઈલ્ડ લાઈફ સર્વિસ અને IUCN સંચાલિત આફ્રિકન એલિફન્ટ સ્પેશિયાલિસ્ટ ગ્રુપમાં તે ટેકનિકલ એડવાઈઝર પણ છે.
પ્રોફેસર ડો. જ્યોર્જ વિટમેયરે કેન્યાના સંબુરૂ નેશનલ રિઝર્વમાં વિહરતા હાથીઓ પર મોનિટરિંગથી શરૂઆત કરી. અહીંથી જ હાથી પરના રિસર્ચની શરૂઆત થઈ. તેની હરકત, હલન-ચલન, ખાન-પાન, તેની લાઈફ, તેની બીમારી, આ બધા વિષયો પર ગહન અભ્યાસ શરૂ કર્યો. આ માટેની ખાસ ટીમ કામ કરી રહી છે. આ મોનિટરિંગ દરમિયાન જ જ્યોર્જ વિટમેયર અને તેની ટીમને હાથી એકબીજાને ગડગડાટીનો અવાજ કરીને બોલાવે છે, એટલે ખાસ કોલિંગ આપે છે તેના પર ધ્યાન ગયું ને એ દિશામાં રિસર્ચ શરૂ કર્યું. ડો. જ્યોર્જ વિટમેયરે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં શું કહ્યું?
દિવ્ય ભાસ્કર : હાથી એકબીજાને નામથી બોલાવે છે, તેના પર રિસર્ચ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો? ડો. જ્યોર્જ વિટમેયર : અમે ઓબ્ઝર્વ કર્યું કે, હાથી ચોક્કસ પ્રકારનો ગડગડાટીવાળો અવાજ કરીને એકબીજાને કોલ આપે છે. અમને થયું કે, આવો અવાજ કરીને તે એકબીજાને બોલાવે છે. હાથીની આ વર્તણૂક શું સૂચવે છે, તેના પર રિસર્ચ કરવું જોઈએ. તેવો વિચાર આવ્યો. દિવ્ય ભાસ્કર : તમે હાથી પરનું આ રિસર્ચ કેવી રીતે કર્યું? ડો. જ્યોર્જ વિટમેયર : અમે અલગ અલગ હાથીઓની સંખ્યાબંધ કોલિંગનું રેકોર્ડિંગ કર્યું. આના માટે મશીન લર્નિંગ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો. તેનો અભ્યાસ કર્યો, જંગલમાં પ્રયોગ કરી જોયો, તેના પરથી લાગ્યું કે હાથી એકબીજાને નામથી બોલાવે છે. દિવ્ય ભાસ્કર : હાથી એકબીજાના નામ કેવી રીતે પાડે છે? ડો. જ્યોર્જ વિટમેયર : એના વિશે હજી જાણી શકાયું નથી પણ અમે માનીએ છીએ કે, મદનિયું નાનું હોય ત્યારે તેની માતા જ તેનું નામ પાડી દે છે. પણ અમે આ વાત સ્પષ્ટ કરી શક્યા નથી. તેના પર કામ ચાલે છે. દિવ્ય ભાસ્કર : શું ભારતીય હાથીઓમાં પણ એકબીજાને નામથી બોલાવતા હશે? ડો. જ્યોર્જ વિટમેયર : એશિયન હાથીઓ પર આનો અભ્યાસ થયો નથી પણ હાથી કોઈપણ હોય, એકબીજાને નામથી બોલાવે છે. હાથીની નજીક માઈક્રોફોન લઈ જવા પડ્યા, મશીન લર્નિંગનો પણ યુઝ થયો
ડો. જ્યોર્જ વિટમેયરે કહ્યું કે, હાથીની 'ગળગળગળ' એ પ્રકારની ભાષા અઘરી છે. તેનો મોટાભાગનો ભાગ ઇન્ફ્રાસોનિક રેન્જમાં છે. આ અવાજ મેળવવા માટે અમારે વિશિષ્ટ માઇક્રોફોનનો ઉપયોગ કરવો પડ્યો. ઉપરાંત, તમારે હાથીઓની બધી માહિતી તેમના ગડગડાટમાં રેકોર્ડ કરવા માટે તેમની નજીક રહેવું પડતું હતું. કારણ કે દૂર ઊભીએ તો અવાજ સ્પષ્ટ રેકોર્ડ થતો નહોતો. 470 હાથીઓના અવાજ રેકોર્ડ કર્યા બાદ તેની સરખામણી કરવા માટે CharGPT, AI-આધારિત કોમ્પ્યુટર લેંગ્વેજ મોડલનો ઉપયોગ કર્યો. મશીન લર્નિંગની મદદથી એક તારણ નીકળ્યું કે, હાથી એકબીજાને અલગ અલગ નામથી બોલાવે છે. AI અને MLનો ઉપયોગ કેવી રીતે થયો?
માઈક્રોફોનમાં હાથીનો અવાજ રેકોર્ડ કરીને તેની ઓળખ માટે AI (આર્ટીફિશિયલ ઈન્ટલિજન્સ) અને ML (મશીન લર્નિંગ)ના ઉપયોગથી તેને અલગ તારવ્યા. આ AI મોડેલે તમામ 470 હાથીના અવાજોમાંથી 28% પ્રાપ્તકર્તાઓ એટલે કે લગભગ 130 અવાજોને સફળતાપૂર્વક ઓળખી કાઢ્યા. એટલે કે મશીનને ખબર પડી કે આ 130 અવાજોમાંથી ક્યો અવાજ, ક્યા ગ્રુપના હાથીનો છે. આ પરિણામ પરથી એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે કેટલાક અવાજોમાં એવી માહિતી છે જેને AI મોડલ હાથીઓના અવાજને અલગ તારવીને આપણી સામે મૂકી શકે છે. માતા જ બચ્ચાંનું નામ પાડી દે છે, પાળીતા હાથીઓ બબ્બે નામ યાદ રાખે છે
ડો. જ્યોર્જ વિયમેયરના રિસર્ચમાં એક વાત તો જાણવા મળી કે હાથી એકબીજાને નામથી બોલાવે છે. પણ આ નામ કેવી રીતે પાડે છે? તેના વિશે વિટમેયર કહે છે કે, અમારું માનવું છે કે હાથીનું બચ્ચું (મદનિયું) જ્યારે નાનું હોય છે ત્યારે જ તેની માતા તેનું નામ રાખે છે. પછી એ જ ઝૂંડના તમામ હાથીઓ બચ્ચાંને એ જ નામથી બોલાવવા લાગે છે. બચ્ચું મોટું થઈને હાથી બની જાય ત્યાં સુધી આ જ નામ ચાલુ રહે છે. એમ માની લો કે, બિલકુલ માણસની જેમ જ. પણ સર્કસમાં કે એલિફન્ટ સેન્ટરમાં જે હાથી હોય તેના નામ માણસોએ પાડ્યા હોય છે. એટલે હાથી એકબીજાને જે નામથી બોલાવે તે તો તે યાદ રાખે જ છે પણ માણસે જે નામ પાડ્યું હોય તે યાદ રાખીને પણ પ્રતિક્રિયા આપે છે. ડોલ્ફીન અને પોપટ એકબીજાને નામથી સંબોધે છે
અગાઉ એક રિસર્ચ થયું હતું કે, ડોલ્ફીન અને પોપટ બંને એકબીજાને નામથી સંબોધન કરે છે. તેમાં પણ માતા જ નામ પાડે છે. નામ પાડીને તેના ગ્રુપને જાણ કરે છે કે તેણે બચ્ચાંનું શું નામ રાખ્યું છે. પછી આખું ગ્રુપ બચ્ચાંને એ જ નામથી બોલાવે છે. ડોલ્ફીન અને પોપટની જેમ હાથી પણ એકબીજાને નામથી બોલાવે છે. જે રીતે ડોલ્ફીન અને પોપટ નાનપણથી બચ્ચાંના નામ પાડે છે, એવી જ રીતે હાથી પણ બચ્ચાંના નામ પાડે છે અને તેની માતાએ ક્યું નામ પાડ્યું, તેની જાણ ગ્રુપમાં કરે છે. બીજા ગ્રુપના હાથીનો અવાજ સંભળાવ્યો તો હાથણીએ દાદ ન આપી
પ્રોફેસર ડો. જ્યોર્જ વિટમેયરની ટીમે કેન્યાના જંગલમાં આ રિસર્ચ માટે ચાર વર્ષ આપ્યા. ચાર વર્ષ દરમિયાન કેન્યાના સાંબરૂ નેશનલ રિઝર્વ અને અમ્બોસેલી નેશનલ રિઝર્વમાં હાથીઓ વચ્ચે ગાળ્યા તે દરમિયાન વિટમેયરની ટીમે દરેક હાથીના નામ પાડ્યા હતા. દરેક ગ્રુપની ઓળખ કરી હતી. માનો કે, હાથીનું એક ગ્રુપ હોય. તેમાં પંદર હાથી છે. તે પંદર હાથીને એકબીજાના નામની ખબર છે અને તે રીતે જ બોલાવે છે. પણ આ જ જંગલમાં હાથીનું બીજું ગ્રુપ છે. તેને પહેલા ગ્રુપના હાથીઓના નામ ખબર નથી. તેને પોતાના જ ગ્રુપના હાથીઓના નામ ખબર છે. વિટમેયરની ટીમે પ્રયોગ કર્યો કે, એક ગ્રુપના હાથીનો અવાજ માઈક્રોફોનમાં રેકોર્ડ કર્યો. પછી બીજા ગ્રુપના હાથીનો અવાજ પણ રેકોર્ડ કર્યો. તેમણે જંગલમાં હાથણી પાસે સ્પીકર ગોઠવ્યું. તેમાં વારાફરતી બંને હાથીઓના અવાજ પ્લે કર્યા. બીજા અલગ ગ્રુપના હાથીનો અવાજ સાંભળીને હાથણીએ દાદ ન આપી. પણ પોતાના ગ્રુપના હાથીનો અવાજ સાંભળીને તરત કાન એલર્ટ કર્યા. હવામાં હલાવ્યા ને ગડગડાટ જેવો અવાજ કર્યો. આના પરથી નક્કી થાય કે, હાથીઓ એકબીજાને નામથી બોલાવે છે. કેન્યાના જંગલોમાં રિસર્ચ દરમિયાન જંગલી હાથીઓ વચ્ચે રહેવું જોખમભર્યું હતું
પ્રોફેસર ડો. જ્યોર્જ વિટમેયરે કહ્યું કે, અમે કેન્યાના જંગલોમાં હાથીઓ વચ્ચે રહ્યા પણ તે બહુ અઘરું છે. જ્યારે હાથી ઝાડની ડાળીઓ તોડીને ખાતા હોય કે ઘાંસ ખાતા હોય ત્યારે જ એક જગ્યાએ સ્થિર હોય. આ જગ્યાએ જ અમે માઈક્રોફોનથી અવાજ રેકોર્ડ કરી શકીએ. અમે શક્ય હોય એટલા નજીક જવાનો પ્રયાસ કરીએ તો તરત એક ચોક્કસ પ્રકારનો અલગ અવાજ કરે. એટલે સમજી જવાનું કે, હવે નજીક આવતા નહીં. નહીંતર તમને મારી નાંખીશ... હાથી આવી ચોખ્ખી ધમકી આપે છે. કારણ કે આ કોઈ ઝૂ કે સર્કસના હાથી નથી. જંગલમાં રહેતા જંગલી હાથી જ છે. 17 હાથીના નામ પોકારતાં જ દરેક હાથી ઝડપથી સ્પીકર પાસે પહોંચી ગયા
શું એક હાથી બીજા કોઇ હાથીનો અવાજ તેના નામને સમજીને જવાબ આપી શકે છે? આ જાણવા માટે 17 હાથીઓને તે અવાજોનું રેકોર્ડિંગ સંભળાવવામાં આવ્યું, જેમાં તે હાથીઓના નામ હતા. તે પછી આ જ 17 હાથીઓને બીજું રેકોર્ડિંગ પણ સંભળાવ્યું, જેમાં કેટલાક બીજા ગ્રુપના હાથીઓના નામ હતા. બે અલગ-અલગ દિવસે કરવામાં આવેલા આ પ્રયોગમાં તફાવત જોવા મળ્યો. જ્યારે હાથીઓએ પોતાના નામ સાંભળ્યા, ત્યારે તે ખૂબ જ ઓછા સમયમાં અવાજના સોર્સ સુધી પહોંચી ગયા. આ સોર્સ હકીકતમાં સ્પીકર હતા, જેમાંથી અવાજ નીકળતો હતો. હાથીઓ પણ તેમના નામના અવાજના જવાબમાં ઝડપથી અવાજ કરે છે. દરેક હાથી 128 સેકન્ડ પહેલાં સ્પીકર પર પહોંચ્યો, 87 સેકન્ડ વહેલો જવાબ આપ્યો અને સરેરાશ 2.3 ગણો મોટો અવાજ કર્યો. ડો. વિટમેયરની ઈચ્છા છે, હાથી સાથે વાતચીત કરવી!!
જ્યોર્જ વિટમેયરને હાથીના ભવિષ્યની ચિંતા છે. તેમણે નોંધ્યું છે કે, હાથીદાંત માટે તેનો શિકાર થાય છે. આજે પણ હાથી લુપ્તપ્રાય: જાતિમાં આવે છે. તેની વિશાળ કાયાને કારણે તેને મોટી જગ્યા જોઈએ છે પણ એટલી જગ્યાઓ પૃથ્વી પરથી ઘટતી જાય છે. જંગલો ઘટતાં જાય છે. એનું કારણ માત્ર મનુષ્ય જ છે. જ્યોર્જે નોંધ્યું છે કે, હાથી સાથે વાતચીત કરવી એ મારું દૂરનું સપનું છે. હું તેના પર પણ સંશોધન કરીને આગળ વધીશ. હું હાથીની ભાષા સમજવાની કોશિશ કરીશ. આનાથી હાથીની સમસ્યા જાણીને તેની સમસ્યાનો તેનો ઉકેલ લાવી શકાય.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.