રાજકોટ જિલ્લા કલેક્ટરના પ્રયાસોથી ગ્રામ્ય વિસ્તાર માટે અભયમ્ રેસ્ક્યુ વાનની ફાળવણી.
રાજકોટ શહેર તા.૧/૧/૨૦૨૫ ના રોજ ગુજરાતની મહિલાઓને અભય બનાવતી ૧૮૧ મહિલા અભયમ્ હેલ્પલાઇન ૨૪×૭ કાર્યરત છે. જો કોઈ મહિલા શારીરિક-માનસિક હિંસાનો ભોગ બની રહી હોય તો તે ૧૮૧ અભયમ્ હેલ્પલાઈન પર ફોન કરીને મદદની અપીલ કરી શકે છે. આ સ્થિતિમાં રેસ્ક્યુ વાન પીડિત મહિલાની મદદે પહોંચી જાય છે અને જરૂર જણાયે મહિલાને સલામત સ્થળે લઈ જાય છે. આમ, અભયમ્ રેસ્ક્યુ વાન મહિલાઓની સુરક્ષા અર્થે મહત્વની સાબિત થઇ છે. ત્યારે રાજકોટ જિલ્લાની મહિલાઓને નિર્ભય બનાવવા જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીના પ્રયાસોથી ગ્રામ્ય વિસ્તાર માટે એક અભયમ્ રેસ્ક્યુ વાન ફાળવવામાં આવી છે. રાજકોટ જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ અધિકારી ડો.જનકસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ કુલ-૫ અભયમ્ રેસ્ક્યુ વાન કાર્યરત છે. જે પૈકી ૪ રેસ્ક્યુ વાન જિલ્લા ગ્રામીણ વિસ્તારમાં અને ૧ રેસ્ક્યુ વાન રાજકોટ શહેરી વિસ્તારમાં કાર્યશીલ હતી. ગ્રામ્ય વિસ્તાર માટે વધુ રેસ્ક્યુ વાનની જરૂર જણાતા રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીના પ્રયાસોથી ૫ વાન પૈકી ૧ વાન ગ્રામીણ વિસ્તારમાં ફાળવવા માટે ગુજરાત સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. રાજકોટ જિલ્લા પોલિસ અધિક્ષક હિમકરસિંહ દ્વારા આ વાન માટે જેતપુર પોલીસ સ્ટેશન ખાતે સ્થળ અને સ્ટાફની ફાળવણી પણ કરવામાં આવી છે. આ રેસ્ક્યુ વાનને ટૂંક સમયમાં લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવાતા જેતપુર, ધોરાજી, ઉપલેટા અને જામકાંડોરણા તાલુકાની મહિલાઓને તેનો લાભ મળી શકશે. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં રેસ્ક્યુ વાન થકી સરેરાશ રિસ્પોન્સ ટાઇમમાં ઘટાડો થતાં જરૂરીયાતમંદ મહિલાઓને ઝડપથી સહાય પૂરી પાડી શકાશે. રાજકોટ જિલ્લામાં એક વર્ષમાં અભયમ્ યોજના હેઠળ કુલ-૬૧૮૨ કેસનો ઉકેલ લવાયો. રાજકોટ જિલ્લામાં જાન્યુઆરીથી ડિસેમ્બર-૨૦૨૪ દરમિયાન મહિલાઓની સમસ્યાને ધ્યાને લઇને ઘટનાસ્થળ પર રેસક્યુ વાન લઈ જઇને ૩૦૯૧ કેસનું નિરાકરણ લાવવામાં આવ્યું છે. કુટુંબના સભ્યો અને આગેવાનો સાથે પરામર્શ કરીને ૧૯૨૩ કેસમાં સ્થળ પર સમસ્યાનું સામાધાન કરવામાં આવ્યું છે. તેમજ ૧૦૭૨ કેસોમાં મહિલાની ગંભીર સમસ્યાને ધ્યાને લઇને પોલીસ સ્ટેશન, મહિલા સહાયતા કેન્દ્ર, આશ્રય ગૃહ, સગા-સબંધી, ફેમિલી કાઉન્સિલીંગ સેન્ટર, નારી અદાલત, વિવિધ મહિલા કલ્યાણ કેન્દ્રો, ઓ.એસ.સી. ખાતે આગળની કાર્યવાહી માટે લઇ જવામાં આવ્યા છે. જયારે અન્ય ૯૬ કેસોમાં પીડિતાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે. આમ, રાજકોટ જિલ્લામાં વર્ષ ૨૦૨૪ દરમિયાન અભયમ્ યોજના હેઠળ કુલ ૬૧૮૨ કેસનો ઉકેલ લાવવામાં આવ્યો છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.