ચિંતન શિબિર-૨૦૨૪
ચિંતન શિબિર-૨૦૨૪
ચિંતન શિબિરમાં ‘કર્મયોગના છ સિદ્ધાંતો‘ વિશે વિચારશીલ પ્રવચન રજૂ કરતાં મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર શ્રી હસમુખ અઢિયા
--------------
*-: શ્રી હસમુખ અઢિયા :-*
*- યોગ એ શરીર અને મનને સ્વસ્થ અને દિવ્ય કરનારું વિજ્ઞાન છે*
ચિંતા મુક્ત થઈ કર્મ કરવા કર્મયોગના છ સિદ્ધાંતોનું અનુસરણ ખૂબ જ ઉપયુક્ત
--------------
સોમનાથ ખાતે આયોજિત ૧૧મી ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મુખ્ય સલાહકાર શ્રી હસમુખ અઢિયાએ ‘કર્મયોગના છ સિદ્ધાંતો’ વિશે મનનીય પ્રવચન આપતા જણાવ્યું હતું કે, યોગ એ કોઈ ધર્મ નહીં, પરંતુ શરીર અને મનને સ્વસ્થ અને દિવ્ય કરનારું વિજ્ઞાન છે.
કર્મને જો યોગમાં પરિવર્તિત કરવામાં આવે તો કોઈપણ કાર્યને શ્રેષ્ઠતમ રીતે પૂર્ણ કરી શકાય છે. સાથે-સાથે મોક્ષ તરફ પ્રયાણ કરવામાં પણ યોગ સાધના ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. ભારતીય સંસ્કૃતિમાં આદિકાળથી કર્મયોગનું મહત્વ રહ્યું છે. શ્રીમદ્ ભગવત ગીતાના શ્લોકોમાં પણ કર્મયોગનો ઉલ્લેખ છે. કર્મને યોગની રીતે કરવામાં આવે તો તે પૂણ્ય કર્મ બને છે, તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
ચિંતા મુક્ત થઈ કર્મ કરવા અને કર્મમાં કૌશલ્ય કેળવવા કર્મયોગના છ સિદ્ધાંતોનું અનુસરણ ખૂબ ઉપયુક્ત છે તેમ જણાવતા શ્રી અઢિયાએ ઉપસ્થિત સૌ મહાનુભાવોને કર્મયોગના છ સિદ્ધાંતો વિશે સદ્રષ્ટાંત વિવરણ આપતા જણાવ્યું હતું કે, સ્વધર્મ અનુષ્ઠાન એટલે કે, જીવનમાં પોતાની ભૂમિકા શ્રેષ્ઠતમ રીતે નિભાવવી, વ્યક્તિગત લાભ અંગેની આસક્તિ ત્યાગવી, 'કર્મ અને કર્મના ફળો'ની થીયરીમાં વિશ્વાસ રાખવો, જે પણ પરિણામ મળે એનો પ્રસાદ બુદ્ધિથી સ્વીકાર કરવો, કર્તવ્ય નિર્વાહમાં અહંકાર ન રાખવો અને જીવનમાં જે પણ ફળ મળે તેની અન્ય સાથે વહેંચણી કરવી. તેનો સમાવેશ થાય છે.
‘કર્મયોગના છ સિદ્ધાંતો‘ વિશેના આ સત્રમાં રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, સચિવશ્રીઓ, વિવિધ ખાતાના વડાઓ, જિલ્લાના કલેક્ટરશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.