PMનો નોકર 284 કરોડનો માલિક!:હેલિકોપ્ટરથી અવરજવર; શેખ હસીનાના ઘરે મહેમાનોને પાણી પીવડાવતો, એક બાંગ્લાદેશીને આટલું કમાતા 13 હજાર વર્ષ લાગશે - At This Time

PMનો નોકર 284 કરોડનો માલિક!:હેલિકોપ્ટરથી અવરજવર; શેખ હસીનાના ઘરે મહેમાનોને પાણી પીવડાવતો, એક બાંગ્લાદેશીને આટલું કમાતા 13 હજાર વર્ષ લાગશે


બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાના નોકર પાસે 284 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેની પાસે ખાનગી હેલિકોપ્ટર છે અને તેનો ઉપયોગ ગમે ત્યાં મુસાફરી કરવા માટે કરે છે. ઢાકા ટ્રિબ્યુન અનુસાર, આ નોકરનું નામ જહાંગીર આલમ હતું. તે પીએમ હસીનાના ઘરે કોઈ મહેમાનો આવે તો એમને પાણી પાતો હતો. જહાંગીરે હસીનાની ઓફિસ અને ઘરના કામનું કારણ આપીને ઘણા લોકો પાસેથી લાંચ લીધી હતી. કામ કરાવવાના બહાને તે લોકો પાસેથી પૈસા પડાવતો હતો. મામલો સામે આવ્યા બાદ પીએમ હસીનાએ તાત્કાલિક કાર્યવાહીના આદેશ આપ્યા છે. ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ મુજબ જહાંગીર પહેલા જ અમેરિકા ભાગી ગયો છે. હકીકતમાં, બાંગ્લાદેશમાં પૂર્વ સેના પ્રમુખ, પોલીસ અધિકારી, ટેક્સ ઓફિસર અને ઘણા સરકારી કર્મચારીઓના ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા મામલા પ્રકાશમાં આવ્યા છે. આ યાદીમાં વડાપ્રધાનના સેવકનું નામ પણ છે. 'એક સામાન્ય બાંગ્લાદેશીને આટલું કમાતા 13 હજાર વર્ષ લાગશે'
પીએમ હસીનાએ કહ્યું, મારા ઘરે કામ કરનાર વ્યક્તિ આજે કરોડોની સંપત્તિનો માલિક છે. તેણે આટલા પૈસા ક્યાંથી કમાયા? એક સામાન્ય બાંગ્લાદેશીને આટલી સંપત્તિ ભેગી કરવામાં 13 હજાર વર્ષ લાગી શકે છે. સરકારે તેની કાળજી લેવી જોઈએ. આ બાબતોની ગંભીરતાથી તપાસ કરી રહ્યા છીએ. હકીકતમાં, વર્લ્ડ બેંક અનુસાર 17 કરોડની વસ્તીવાળા બાંગ્લાદેશમાં માથાદીઠ આવક 2.11 લાખ રૂપિયા છે. શેખ હસીનાના નોકર ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોવાની વાત સામે આવી ત્યારથી વિપક્ષ સરકારને ઘેરી રહ્યો છે. બાંગ્લાદેશી નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના પ્રવક્તા વહિદુઝમાને કહ્યું કે, જ્યારે હસીનાના નોકર પાસે આટલા પૈસા છે તો તેના માલિક પાસે કેટલા પૈસા છે તેનો અંદાજ લગાવી શકાતો નથી. આ પછી પણ હજુ સુધી નોકરની ધરપકડ કરવામાં આવી નથી. તેને હમણાં જ તેની નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. ભ્રષ્ટાચારના મામલામાં ઘેરાયેલા હસીનાના નજીકના સહયોગીઓ
જાન્યુઆરીમાં પીએમ હસીના ચોથી વખત સત્તામાં આવ્યા ત્યારથી ભ્રષ્ટાચારના ઘણા મામલા પ્રકાશમાં આવ્યા છે. બાંગ્લાદેશના ભ્રષ્ટાચાર વિરોધી પંચે તાજેતરમાં દેશના પૂર્વ રાષ્ટ્રીય પોલીસ વડા બેનઝીર અહેમદ સામે તપાસ શરૂ કરી છે. એક સમયે હસીનાની નજીક રહેલી બેનઝીર પર કરોડોની સંપત્તિ હોવાનો આરોપ છે, જે તેમણે ભ્રષ્ટાચાર દ્વારા એકઠી કરી છે. અમેરિકાએ પણ 2021માં અહેમદ પર ઘણા પ્રતિબંધો લગાવ્યા હતા. અહેમદ પર સેંકડો લોકોની અચાનક ગુમ થવા અથવા હત્યાના કેસમાં સામેલ હોવાનો આરોપ હતો. આ સાથે જ બાંગ્લાદેશના સ્થાનિક અખબારોએ દેશના પૂર્વ આર્મી ચીફ અઝીઝ અહેમદ પર પણ ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. અહેવાલો સામે આવ્યા બાદ ભ્રષ્ટાચાર વિરોધી પંચે અઝીઝની ઘણી મિલકતો જપ્ત કરી લીધી હતી. આ સિવાય તેના બેંક ખાતા પણ ફ્રીઝ કરી દેવામાં આવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.