જામનગરમાં બજરંગદળનું ભરતી અભિયાન: જન્માષ્ટમીએ યુવાનોને અપાશે ત્રિશૂળ દીક્ષા
જામનગર તા.10 ઓગષ્ટ 2022,બુધવારઆજની પેઢીને હિંદુ ધર્મ અને સંસ્કૃતિ સાથે જોડી રાખવા વિશ્વ હિન્દુ પરિષદ- બજરંગ દળ દ્વારા જામનગર માં બજરંગ દળ ભરતી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ ભરતી અભિયાન અંતર્ગત હિંદુ યુવાનો તા.૧૪.૮.૨૦૨૨ સુધી પોતાના નામની નોંધણી કરાવવા માટે બજરંગ દળ મહાનગર સંયોજક હિરેનભાઈ ગંઢા , બજરંગ દળ સહ સંયોજક વિશાલભાઈ હરવરા, બજરંગ દળ ગ્રામ્યના સંયોજક સંજયસિંહ કંચવા ઉપર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.બજરંગ દળ ભરતી અભિયાનમાં જોડાયેલા તમામ હિંદુ યુવાનોને આગામી તારીખ ૧૯.૮.૨૦૨૨ ને જન્માષ્ટમીના અવસરે વિશ્વ હિન્દુ પરિષદ સ્થાપના દિન નિમિત્તે બજરંગ દળ દ્વારા હિન્દુ યુવાનોને ખાસ ત્રિશુલ દીક્ષા આપવામાં આવનાર છે. જામનગરના તમામ હિંદુ ધર્મપ્રેમી યુવાનોને હિન્દુ ધર્મ અને સનાતન સંસ્કૃતિના રક્ષણ માટે એકત્ર કરવા હિન્દુ સમાજના દરેક યુવાએ બજરંગ દળમાં જોડાઈ અને ધર્મ અને સંસ્કૃતિના જતન માટે હજારો વર્ષો થયા એક સંઘર્ષનો હવન ચાલી રહ્યો છે, તેમાં યથાશક્તિ મુજબ આહુતિ આપવાના ભાગ રૂપે બજરંગ દળની ત્રિશુલ દીક્ષા લેવા માટે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ જામનગર પરિવાર દ્વારા આહવાન કરવામાં આવ્યું છે. તેમ વિશ્વ હિન્દુ પરિષદના પ્રચાર પ્રસાર વિભાગના જિલ્લા સંયોજક કિંજલભાઈ કારસરીયાની યાદીમાં જણાવાયું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.