રાજકોટમાં આંગણવાડી બહેનોએ કલેક્ટર કચેરીમાં ઉગ્ર સુત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો - At This Time

રાજકોટમાં આંગણવાડી બહેનોએ કલેક્ટર કચેરીમાં ઉગ્ર સુત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો


રાજયભરનાં પંચાયત વિભાગ હેઠળનાં 12 હજારથી વધુ કર્મચારીઓ છેલ્લા 20 દિવસથી હડતાળ પર હોવા છતાં સરકાર મચક આપતી ન હોય જેથી આંદોલનને ઉગ્ર બનાવવા કર્મચારીઓએ બેઠકોનો દોર શરુ કર્યો છે. દરમિયાન આજે રાજયનાં 1 લાખથી વધુ આંગણવાડી કર્મચારીઓએ પડતર માગણીઓને લઈને સરકાર સામે મોરચો માંડયો છે. રાજકોટમાં પણ આંગણવાડી બહેનોએ જિલ્લા કલેકટર કચેરી ખાતે ઉગ્ર સુત્રોચાર સાથે આવેદન પાઠવી વિરોધ નોંધાવ્યો હતો.

ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અને ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર યુનિયનની મળેલી સંયુકત બેઠકમાં લઘુતમ વેતન અને નિવૃતિ વય મર્યાદા સહિતનાં 16 પ્રશ્નોને લઈને સરકાર સામે આંદોલન છેડવાનું એલાન કર્યુ હતુ. જે અંતર્ગત આજે રાજકોટમાં પણ જિલ્લા કલેકટર કચેરી ખાતે આંગણવાડી બહેનો અને આશાવર્કર બહેનો એકત્રિત થઇ હતી અને ઉગ્ર સુત્રોચાર સાથે જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી વિરોધ સાથે રજુઆત કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.