એક મહિનો ધંધો બંધ રાખ્યાં બાદ વેપારીએ દુકાન ખોલતાં જ વ્યાજખોરોનો હિંચકારો હુમલો
શહેરમાં વ્યાજખોરો બેફામ બન્યા છે અને તેમની પર પોલીસ પણ મહેરબાન હોય તેમ મવડી મેઈન રોડ પર એક મહિનો ધંધો બંધ રાખ્યાં બાદ વેપારીએ દુકાન ખોલતાં જ વ્યાજખોરોએ હિંચકારો હુમલો કરતાં સારવારમાં ખસેડયા હતાં. બનાવ અંગે માલવીયાનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે પેલેસ રોડ પર જયરાજ પ્લોટ શેરીમાં રહેતાં ભાવેશભાઈ રસીકલાલ પારેખ (ઉ.વ.46) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અજય તેજા માલા (રહે. મવડી મેઈન રોડ) નું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ મવડી મેઇન રોડ પર ઇન્દ્ર પ્રસ્થહોલની સામેની શેરીમાં આર્યા ફેશન નામની દુકાન ચલાવે છે. ગઈકાલે સાંજના સાતેક વાગ્યાની આસપાસ તેઓ દુકાનની બહાર ગ્રાહકોને નાઈટ ડ્રેસ બતાવતાં હતાં ત્યારે અજય માલા તેની સાથે અન્ય ત્રણ શખ્સો ધોકા સાથે દુકાન પાસે ઘસી આવેલ અને ગાળો આપી કહેવા લાગેલ કે તું પોલીસ સ્ટેશનમાં મારા વિરુદ્ધ શું કામ ખોટી ફરિયાદ કરે છે તેમ કહીં ધોકાથી હુમલો કરી આજે તો તને મારી જ નાંખવો છે.
ધમકી આપી હતી. તેઓને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેઓ દોડીને અન્ય દુકાનમાં ભાગી ગયાં હતાં. બાદમાં ઇજાગ્રસ્ત વેપારીને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. વધુમાં ઇજાગ્રસ્તે જણાવ્યું કે, તેઓએ થોડા સમય પહેલાં યાજ્ઞિક રોડ પર ઓફીસ ધરાવતાં વ્યાજખોર અજય માલા પાસેથી ધંધા માટે રૂ.1.40 લાખ વ્યાજે લીધાં હતાં. જેમના દર દસ દિવસે રૂ.14 હજાર ચૂકવતાં હતાં.
જેમાં વચ્ચે એક હપ્તો ચુકવવાનું ચુકી જતાં આરોપીએ દરરોજના 500 રૂપિયા આપવાનું કહીં ધમકી આપી હતી. જે બાદ તેઓએ દુકાને જવાનું બંધ કરી દિધું હતું. બાદમાં તેમના ગઈ તા.08/02 ના એ. ડિવિઝન પોલોસ મથકમાં આરોપી વિરુદ્ધ ધમકી આપ્યાની અરજી આપી હતી.
જે બાદ એ. ડિવિઝન પોલીસે કોઈ કાર્યવાહી ન કરતાં તેઓ જેસીપી પાસે ગયાં હતાં અને તેઓએ એ. ડિવિઝન પોલીસ મથકના પીઆઈની કાર્યવાહી કરવા સૂચના આપી હોવા છતાં તેની વિરૂદ્ધ કોઈ કાર્યવાહી ન કરતાં અંતે થાકેલા વેપારી એક મહિના બાદ દુકાને જતાં આરોપીએ હુમલો કર્યો હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી માલવીયાનગર પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.