પત્નીએ કામે જવાની ના પાડતા પતિએ માર માર્યો: સાસુએ પણ મ્હેણા-ટોણા મારી પરિણીતાને ફટકારી
રાજકોટમાં માવતરે રહેતી બે પરિણીતાને સાસરીયાઓ દ્વારા ત્રાસ અપાતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. હાલ મચ્છોનગર શેરી નં.2માં સુભમ પાર્ક મેઈન રોડ પર રહેતા મેઘાબેન પ્રકાશભાઈ મુંધવા (ઉ.29) એ તેના પતિ પ્રકાશ મોહન મુંધવા અને સાસુ તેજીબેન મુંધવા રહે. બન્ને ફતેપુર, અમરેલી વિરુદ્ધ માનસીક અને શારીરિક ત્રાસ આપ્યા અને માર માર્યાની ફરિયાદ નોંધાવી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે તેમના લગ્ન વર્ષ 2020માં પ્રકાશ સાથે થયેલ બાદમાં તે સાસુ-સસરા સાથે સંયુક્ત પરિવારમાં રહેતી હતી. કોરોનાકાળમાં તેમના સસરાનું અવસાન થયેલ હતું. બાદમાં તેમના પતિ કોઈ કામધંધો કરતા ન હોય તેથી તેમને મજુરીકામે જવા માટે કહેતા તેણીના સાસુ પુત્રનું ઉપરાણુ લઈ ચડામણી કરતા હતા કે તારી પત્ની મેઘાને મજુરીકામ કરવા માટે મોકલ જેથી તેણી ઘરસંસાર બગડે નહી તે માટે મજુરીકામે પણ જવા લાગી હતી. કામ પરથી ઘરે આવે ત્યારે સાસુ ઘરકામ બાબતે મેણાટોણા મારતા હતા કે તારા મા-બાપે ઘરકામ શિખવાડેલ નથી તેમજ તે જમવાનું બનાવે તો જમતા નહી.
ઉપરાંત તેના પતિ ગાળો આપી ઢીકાપાટુનો માર મારતા તેમજ સાસુ પણ માર મારતા હતા. બાદમાં દંપતિ કોઠારીયા સોલ્વન્ટમાં આવેલ મચ્છોનગરમાં રહેવા માટે આવતા રહેલ અને બંને કામ પર જતા હતા. તેણીનો પતિ એક માસ કામે ગયેલ બાદ કામ પર જતો નહી અને તેણીનો પગાર તેમની પાસેથી લઈ વાપરી નાંખતો અને પગાર ન આપે તો માર મારતો હતો. બાદમાં તેઓ ગામડે જતા રહેલ ત્યારે સાસુએ કહેલ કે તુ અહીથી જતી રહે મારા દિકરાના બીજા લગ્ન કરાવી દઈશ કહી મેણાટોણા મારતા તેણી માવતરે આવતી રહેલ હતી.
જયારે બીજી ફરિયાદમાં હાલ રેસકોર્ષ રીંગરોડ પર વિઠ્ઠલ એપાર્ટમેન્ટમાં રહેતા અંકીતાબા જયદીપસિંહ ઝાલા (ઉ.28) એ તેના પતિ જયસિંહ ઘનશ્યામસિંહ ઝાલા, સસરા ઘનશ્યામસિંહ, સાસુ કીર્તિબા રહે. કૈલાસનગર કોટેચા ચોક વિરુદ્ધ માનસિક અને શારીરિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. વધુમાં ફરિયાદીએ જણાવેલ હતું કે તેણીના લગ્ન 30-11-20ના જયસિંહ સાથે થયેલ હતા. લગ્ન બાદ બે વર્ષ સંયુક્ત કુટુંબમાં રહેલ હતા.
છ મહિના ઘરસંચાર બરોબર ચાલેલ બાદમાં તેમના સાસુ કામ બાબતે મેણાટોણા મારતા અને કહેતા કે તુ માવતરેથી કંઈ દહેજમાં લાવેલ નથી. હવે તારે માવતરેથી પૈસા લાવવાના રહેશે. તેણી પૈસા લઈને જતી નહી તેથી સાસુ દહેજના પૈસા ન લાવવા બદલ તેણી સાથે ઝઘડો કરતા અને પતિ પણ તેની ચડામણીથી મારકુટ કરતા હતા.
ઉપરાંત સસરા ઘનશ્યામસિંહ કહેતા કે તું ઘરમાં કંઈ કામ નથી કરતી. મારી પત્ની અને દીકરો કહે તેમ જ તારે કરવાનું છે તેમજ તારે નોકરી તો કરવી જ પડશે અને નોકરીના પૈસા અમને આપી દેવાના રહેશે તેમજ તેણીએ નોકરી કરવાની ના પાડતા પતિએ માર મારેલ હતો અને કહેલ કે જો તુ આ નોકરી છોડી દઈશ તો મારી માતા કહે ત્યાં તારે નોકરી કરવા જવુ પડશે. ઉપરાંત તેણી કંટાળીને માવતરે ચાલી ગયા બાદ સમાધાન માટે કહેતા સાસુએ કહેલ કે તેણીને તેડવા નહી આવીએ જો તેમણે આવવુ હોય તો પોતાની રીતે આવે અને અમારી શરતો મુજબ રહેવુ પડશે તેમજ લગ્ન સમયનો માલસામાન પણ આપેલ નહી અને જેથી કંટાળીને ફરિયાદ નોંધાવેલ હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.