બોટાદ જિલ્લામાં ત્રિ-દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો શુભારંભ - At This Time

બોટાદ જિલ્લામાં ત્રિ-દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો શુભારંભ


બોટાદ જિલ્લામાં ત્રિ-દિવસીય કન્યા કેળવણી મહોત્સવ
અને શાળા પ્રવેશોત્સવનો શુભારંભ
-----------------
ભણવું અને શીખવું એ જીવનનો સૌથી મહત્વપુર્ણ ભાગ

- જિલ્લા કલેક્ટરશ્રી બી.એ.શાહ

રમત-ગમતની સાથે નાનપણથી જ બાળકોએ ભણવા પ્રત્યે રૂચિ કેળવવી જોઈએ
-----------------
માહિતી બ્યુરો, બોટાદ:- બોટાદ જિલ્લામાં આજથી ત્રિ-દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો શુભારંભ થયો છે. જેમાં રાજ્ય અને જિલ્લાકક્ષાના અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં બાળકોને પહેલા ધોરણમાં પ્રવેશ અપાયો હતો. બોટાદ જિલ્લાના પાળીયાદ ગામે પાળીયાદ કુમાર પ્રાથમિક શાળા, કન્યા પ્રાથમિક શાળા, દરબારગઢ પ્રાથમિક શાળા તેમજ હડદડ અને ભદ્વાવડી ગામની પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. કલેક્ટરશ્રીએ ધો-૧ માં પ્રવેશ પામનારા ભુલકાઓને પુસ્તકોની કીટ્સનું વિતરણ કરીને સ્વાગત કર્યુ હતું.

શાળા પ્રવેશોત્સવ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી બી.એ.શાહે જણાવ્યું હતું કે, ભણવું એ માત્ર ગોખણપટ્ટી નથી. વિદ્યાર્થીઓએ મુંઝવતા સવાલો શિક્ષકોને પુછવા જોઈએ. રમત-ગમતની સાથે નાનપણથી જ બાળકોએ ભણવા પ્રત્યે રૂચિ કેળવવી જોઈએ. કલેક્ટરશ્રીએ વિદ્યાર્થીઓ પાસેથી વચન માંગ્યુ હતું કે, તેઓ અભ્યાસમાં નિયમિતતા જાળવી રાખશે. કોઈપણ વિદ્યાર્થી કે વિદ્યાર્થિની શાળામાં પ્રવેશથી વંચિત ન રહી જાય તે માટે કલેક્ટરશ્રીએ શિક્ષકો અને આચાર્યોને સુચન કર્યુ હતું સાથોસાથ અભ્યાસ પ્રત્યે બાળકોની રૂચિ જળવાઈ રહે તે પ્રકારનું વાતવરણ ઉભું કરવા પણ માર્ગદર્શન આપ્યું હતું. કલેક્ટરશ્રીએ બાળકો સાથે વાત કરતા પોતાના વિદ્યાર્થીકાળના અનુભવો પણ વર્ણવ્યા હતા.

બોટાદ જિલ્લામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ નૃત્ય, યોગ અને આઝાદી કા અમૃત મહોત્સવ વિષયની અવનવી કૃતિઓ રજૂ કરી હતી. કલેક્ટરશ્રીના હસ્તે પૂર્વ વિદ્યાર્થીઓ,પૂર્વ આચાર્યો અને દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. પાળીયાદ કુમાર પ્રાથમિક શાળા અને કન્યા પ્રાથમિક શાળામાં કુલ-૯૭ વિદ્યાર્થીઓ, દરબારગઢ પ્રાથમિક શાળામાં કુલ-૧૫ વિદ્યાર્થીઓ, હડદડ પ્રાથમિક શાળામાં કુલ-૫૪ તેમજ ભદ્રાવડી પ્રાથમિક શાળામાં કુલ-૬૮ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો.

આ સાથે જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓએ વિવિધ ગામોની શાળાઓમાં ઉપસ્થિત રહીને બાળકોનો પ્રવેશોત્સવ કરાવ્યો હતો. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ થકી બાળકોને શાળાએ આવવા અને ભણવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
૦૦૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.