દાયકા પહેલાં સમાનતાના સિદ્ધાંતને ચરિતાર્થ કરનાર કોણ હતા દરબાર ગોપાળદાસ દેસાઈ?
દેશ માં એકમાત્ર લેઉવા પટેલ રાજા કોણ હતા દરબાર ગોપાળદાસ દેસાઈ? દાયકા પહેલાં સમાનતાના સિદ્ધાંતને ચરિતાર્થ કરનાર દરબાર ગોપાળદાસ દેસાઈનું જીવન ઘટનાપ્રધાન રહ્યું છે. તેમનો જન્મ ૧૯ ડિસેમ્બર ૧૮૮૭માં થયો હતો. ગોપાળદાસ દેસાઈનું મૂળ વતન નડિયાદ પાસે આવેલું વસો.વસોના દરબાર અંબાઈદાસને કોઈ સંતાન નહીં એટલે તેમણે તેમની બહેન સમજુબાના દીકરા એટલે કે ભાણેજ ગોરધનને દત્તક લીધો અને પોતાનો વારસ જાહેર કરી એને નવું નામ આપ્યું ગોપાળદાસ. અંબાઈદાસના અવસાન પછી ૧૯૧૧માં ગોપાળદાસે વિધિવત રીતે રાજ-કારભાર સંભાળ્યો હતો. સૌરાષ્ટ્રનું ઢસા (હાલનું ગોપાલગ્રામ જી. અમરેલી) અને રાય-સાંકળી (જી. સૂરેન્દ્રનગર) દરબાર ગોપાળદાસ દેસાઇનાં તાબામાં, દેખરેખ હેઠળ આવ્યું.
૧૯૧૧માં જ્યારે ગોપાળદાસે ઢસા અને રાય-સાંકળીના રાજવી તરીકે સુકાન સંભાળ્યુ ત્યારે એ રાજ્યનો વિસ્તાર બાર ચોરસ માઇલનો હતો અને વસતી માત્ર ૧૫૦૦ની હતી. રાજા બનતાની સાથે જે તેમણે જાહેર કર્યું કે "રાજ્યમાં દરેક વ્યકિત વિના સંકોચે તેમનો સીધો સંપર્ક કરી શકે છે."
સમાજ સુધારાની ખેવના રાખતાં આ રાજાએ સમાજના તમામ વર્ગ અને જાતિના લોકોએ સાથે મળી દાંડીયા-રાસ રમવાનું શરૂ કર્યું. 'અસ્પૃશ્યો'ને પણ તેમાં જોડ્યા અને તેમની સાથે દાંડિયા-રાસ રમ્યા. સો વર્ષ પહેલાં આ એક ક્રાંતિકારી પગલું હતું.
અસ્પૃશ્યો માટે અલગ કૂવો
તેમનાં રાજ્ય ઢસામાં અંત્યજો (હરિજનો અથવા દલિતો) માટે પીવાના પાણીનો પોતાનો આગવો કોઈ કૂવો નહોતો. ગામ લોકો જાહેર કૂવામાંથી તેમને પાણી ભરવા દેતા નહીં. એટલે જે તળાવમાં પશુઓ પાણી પીતાં હતાં તેમાંથી જ દલિતોએ પાણી પીવું પડતું હતું!
દરબાર ગોપાળદાસને ખબર પડી એટલે ગામ લોકોની એક સભા બોલાવી અને કહ્યું કે, "જાહેર કૂવો બધાં માટે છે. જો તેઓએ અંત્યજોને પાણી ભરવા ન દેવું હોય તો ગામ લોકોએ બીજો કૂવો બનાવી આપવો પડે." ગામ લોકોએ વળતો જવાબ આપ્યો કે "જો એમ હોય તો એનો ખર્ચ અંત્યજો પોતે જ ઉપાડી લે અથવા તો તે ખર્ચ રાજા આપે." ગામલોકોની આ વાત સાંભળતાં જ ગોપાળદાસે અંત્યજોને કહ્યું, "આજથી તમે મારા દરબારગઢના કૂવામાંથી પાણી ભરજો."
દરબારની આ વાત ગામ લોકોને ગમી નહીં અને (અસ્પૃશ્યોને) અંત્યજોને કરિયાણાની દુકાનેથી સીધુ-સામાન વેચાણથી આપવાનું બંધ કર્યું.
ગામ લોકોએ અંત્યજોનો બહિષ્કાર કરતાં રાજાએ અંત્યજો માટે એક વિશેષ દુકાન ખોલી અને સસ્તા દરથી વસ્તુઓ વેચવાનું શરૂ કર્યું. આ ઉપાય કામ કરી ગયો. ગામ લોકો રાજા પાસે આવ્યાં અને કહ્યું કે "તેઓ બીજા કુવાના નિર્માણ માટે થનાર ખર્ચના પચાસ ટકા રકમનો ફાળો આપવા તૈયાર છે. બાકીની રકમ રાજા આપે." એ સમયે અંત્યજો માટે અલગ કુવો બન્યો, એ વખતે અંત્યજો માટે અલગ કુવો કરવો એ પણ એક ઐતિહાસિક પગલું હતું.
દરબાર ગોપાળદાસે તેમનાં નાનકડાં રાજ્યમાં કેળવણીને વેગ આપવા ઢસામાં ચાર શાળાઓ શરૂ કરી. તેમાં એક શાળા દીકરીઓ માટે અને એક શાળા અંત્યજો માટે પણ હતી. ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા મોતીભાઈ અમીનની પ્રેરણાથી ૧૯૧૬-૧૭મની સાલમાં ઢસામાં એક જાહેર પુસ્તકાલય પણ શરૂ કર્યું.મહત્વની વાત એ છે કે, દરબાર ગોપાળદાસના આ કામોની વાત જાણીને બહારવટીયો એભલ પટગીર પ્રભાવિત થયો અને તેણે પોતાના સાથીદારોને એવી સુચના આપી હતી કે 'રાય - સાંકળીના લોકોને લુંટવા નહીં!'
દરબાદ ગોપાળદાસ દેસાઈનાં જીવનની આવી તો કેટલીએ વાતો તેમનાં ચરિત્રકાર રાજમોહન ગાંધી (ગાંધીજીના પ્રપૌત્ર)એ તેમના પુસ્તક "પ્રિન્સ ઓફ ગુજરાત" માં નોંધી છે.
પોતાના રાજ્યમાં ખેડૂતોની સ્થિતિ સુધારવા ગોપાળદાસે ખેડૂતોનું દેવું માફ કર્યું હતું અને દુષ્કાળના સમયમાં રાજાએ પોતાની અંગત તિજોરીમાંથી ખેડૂતોનું દેવું ભરી તેમને લેણદારોની ચુંગાલમાંથી મુક્ત કર્યા હતાં. આ સમયે અંગ્રેજો સામે આઝાદીની લડત ચાલતી હતી. દરબાર ગોપાળદાસ રાજા હોવા છતાં ગાંધીજીની આઝાદીની લડતમાં સામેલ થયાં અને અંગ્રેજો સામે ઝંપલાવ્યું. ગાંધીજી સાથે લડતમાં જોડાતાં અંગ્રેજ સરકારે ૧૯૨૨માં દરબાર ગોપાળદાસનું રાજ્ય ઢસા અને રાય - સાંકળીને ટાંચમાં લીધું.અંગ્રેજોએ તેમનું રાજ્ય ટાંચમાં લેતાં સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું હતું, "ભાઈશ્રી ગોપાળદાસનો ત્યાગ ગુજરાતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખાશે." દરબાર ગોપાળદાસ અને તેમનાં ધર્મપત્ની રાણી ભક્તિલક્ષ્મી ગાંધીબાપુ સાથે આઝાદીની લડતમાં રંગાઈ ગયાં. તેમણે ખાદી અપનાવી અને સ્વદેશીની લડતને વેગ આપવા હાકલ કરી.
લેખક રાજમોહન ગાંધી નોંધે છે કે, ગોપાળદાસ અને તેમનાં ધર્મપત્ની ભક્તિબાએ વૈભવ-વિલાસનું જીવન ત્યજી કઠિન અને પરિશ્રમ વાળું જીવન પસંદ કર્યું. શ્રીમંતાઈ છોડી સ્વૈચ્છિક ગરીબી સ્વીકારી. ૧૯૯૨માં સરદાર પટેલના દીકરી મણીબહેન પાસેથી પ્રાપ્ત ડાયરીમાં એવો ઉલ્લેખ મળે છે કે, દરબાર ગોપાળદાસ દેસાઈ તેમનાં યુગના રાજા હરિશ્ચન્દ્ર હતાં.
અસ્પૃશ્યોના ઉદ્ધાર-ઉત્કર્ષ માટે દરબાર ગોપાળદાસ દેસાઈએ પહેલ કરી. ૧૯૩૬માં દરબાર ગોપાળદાસ દેસાઈએ 'અસ્પૃશ્ય' ગણાતી જ્ઞાતિમાંથી આવતા ભીમજીભાઈ વાઘેલા નામના વ્યક્તિને બિનહરીફ ધારાસભ્ય ચૂંટીને મોકલ્યાં હતાં. તે સમયે પૂરા ભારતમાં આ પ્રકારનો પ્રથમ કિસ્સો હતો એમ જાણવા મળે છે.આવાં પ્રજાવત્સલ ત્યાગી રાજવી, સત્યાગ્રહી સ્વાતંત્ર્ય સેનાની દરબાર સાહેબને તેમની ૧૩૫મી જન્મ જયંતિએ નત મસ્તક વંદન સં.-વિપુલ ભટ્ટી (ગોપાલગ્રામ) અમરેલી
નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.