કોંગ્રેસની બરબાદી માટે રાહુલ ગાંધી જવાબદાર : ગુલામ નબી આઝાદ
નવી દિલ્હી, તા.૨૬કોંગ્રેસમાં અસંતુષ્ટ નેતાઓના ગૂ્રપ જી-૨૩ની આગેવાની કરનારા ગુલામ નબી આઝાદે અંતે પક્ષ છોડી દીધો છે. તેમણે શુક્રવારે કોંગ્રેસ સાથે તેમનો ૫૦ વર્ષનો સંબંધ તોડી નાંખવાની જાહેરાત કરી હતી. કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીને લખેલા પાંચ પાના લાંબા રાજીનામામાં બળાપો કાઢતા તેમણે પક્ષના નેતૃત્વ પર અનેક ગંભીર આક્ષેપો પણ કર્યા. અનેક ચૂંટણીઓમાં પરાજય માટે પણ સોનિયા ગાંધીની ટીકા કરી હતી. ૭૩ વર્ષીય આઝાદે છેલ્લા આઠ વર્ષમાં પક્ષની બરબાદી માટે રાહુલ ગાંધીને જવાબદાર ઠેરવ્યા હતા.દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદે એવા સમયે પક્ષમાંથી રાજીનામું આપ્યું છે જ્યારે કોંગ્રેસમાં આગામી સમયમાં આંતરિક ચૂંટણીઓ યોજાવાની છે. ૭૩ વર્ષના આઝાદે કહ્યું કે, કોંગ્રેસ આજે રાષ્ટ્રીય સ્તરે ભાજપે છોડેલી જગ્યામાં અને રાજ્ય સ્તરે પ્રાદેશિક પક્ષોએ આપેલી જગ્યા સુધી સિમિત થઈ ગઈ છે. આઠ વર્ષથી કોંગ્રેસ નેતૃત્વ પક્ષના ભોગે બીન ગંભીર વ્યક્તિને મહત્વ આપવાના કારણે આમ થયું છે. આથી મેં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદ સહિત પક્ષના બધા જ પદો પરથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. આઝાદના સમર્થનમાં જમ્મુ-કાશ્મીરમાંથી પાંચ પૂર્વ ધારાસભ્યોએ પણ રાજીનામા આપી દીધા છે. ગુલામ નબી આઝાદ હવે જમ્મુ-કાશ્મીરમાં નવો પક્ષ બનાવશે. વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં પરાજય પછી જુલાઈમાં આસામના દિગ્ગજ નેતા હેમંત બિશ્વા સરમાએ કોંગ્રેસનો સાથ છોડયા પછી અત્યાર સુધીમાં ૩૩ મોટા નેતા સહિત ૪૫૦થી વધુ નેતાઓએ કોંગ્રેસ સાથે છેડો ફાડયો છે.પક્ષની આંતરિક ચૂંટણીમાં રાહુલની ટોળકી જ યાદી જાહેર કરશેગુલામ નબી આઝાદે કોંગ્રેસમાં આગામી સમયમાં યોજાનારી સંપૂર્ણ સંસ્થાગત ચૂંટણી પ્રક્રિયાને ફારસ ગણાવી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે, સંસ્થામાં કોઈપણ સ્તરે સમગ્ર દેશમાં કોઈપણ જગ્યાએ ચૂંટણી યોજાવાની કોઈ શક્યતા નથી. એઆઈસીસીના લેફ્ટનન્ટ્સ રાહુલની ટોળકી દ્વારા તૈયાર કરાયેલ યાદી પર હસ્તાક્ષર કરે છે. બૂથ, બ્લોક, જિલ્લા અથવા રાજ્ય સ્તરે કોઈ મતદાર યાદી પ્રકાશિત થઈ નથી.આઝાદે ૫૦ વર્ષનો ભૂતકાળ યાદ કરી પક્ષની કામગીરી વખાણીજમ્મુ-કાશ્મીરના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદે પાંચ પાનાના રાજીનામા પત્રની શરૂઆત કોંગ્રેસ સાથે તેમના જોડાણથી કરી હતી. તેમણે કેવી રીતે છેલ્લા ૫૦ વર્ષમાં તમામ મહત્વપૂર્ણ જવાબદારીઓ નિઃસ્વાર્થ ભાવે પૂરી કરી હતી તે યાદ કર્યું. તેમણે ભૂતકાળ યાદ કરતાં લખ્યું ૧૯૭૫-૭૬માં જમ્મુ-કાશ્મીરમાં કોઈ કોંગ્રેસ સાથે જોડાવા માગતું નહોતું તેવા સમયે પોતે સંજય ગાંધીના કહેવાથી યુથ કોંગ્રેસમાં જોડાયા હતા. તેમણે કેવી રીતે ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, નરસિંહા રાવ અને મનમોહન સિંહની સરકારોમાં કેન્દ્રીય મંત્રી તરીકે કામ કર્યું. આ સિવાય આટલા વર્ષોમાં કોંગ્રેસમાં દરેક મહત્વપૂર્ણ જવાબદારીઓ પૂરી કરી. તેમણે પત્રમાં કોંગ્રેસ અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધીના કાર્યકાળની પ્રશંસા કરી હતી.૨૦૧૩માં રાહુલને ઉપાધ્યક્ષ બનાવ્યા પછી પક્ષ બરબાદી તરફ ધકેલાયોકોંગ્રેસને તેમના જીવનના લગભગ ૫૦ વર્ષ સમર્પિત કર્યાની ભૂમિકા બાંધ્યા પછી આઝાદે રાહુલ ગાંધી પર આકરો હુમલો કર્યો હતો. તેમણે લખ્યું દુર્ભાગ્યથી રાજકારણમાં રાહુલ ગાંધીના પ્રવેશથી તમારા દ્વારા સ્થાપિત સંપૂર્ણ કન્સલ્ટેટિવ મિકેનિઝમ ધ્વસ્ત થઈ ગઈ. ખાસ કરીને જાન્યુઆરી ૨૦૧૩માં રાહુલને કોંગ્રેસમાં ઉપાધ્યક્ષ બનાવાયા પછી તેમણે પક્ષને બરબાદ કરી નાંખ્યો. તેમણે બધા જ વરિષ્ઠ અને અનુભવી નેતાઓને હાંસિયામાં ધકેલી દીધા અને અનુભવહીન ચાપુલસોનું જૂથ પક્ષ ચલાવવા લાગ્યું. તેમણે રાહુલ ગાંધી પર બાળબુદ્ધિ, અપરિપક્વ, જૂથવાદી અને ચાપલૂસોથી ઘેરાયેલા રહેવાનો આક્ષેપ કર્યો હતો.મનમોહન સરકારનો વટહૂકમ ફાડવાનું રાહુલનું વર્તન બાલિશ આઝાદે મનમોહનસિંહ સરકાર તરફથી લાવવામાં આવેલા અધ્યાદેશને રાહુલ ગાંધીએ મીડિયા સામે જાહેરમાં ફાડી નાંખવાની ઘટનાનો ઉલ્લેખ કરતાં લખ્યું કે રાહુલે જે કર્યું કે તેમની અપરિપક્વતાનું ઉદાહરણ છે. તેમના આ બાલિશ વર્તનથી વડાપ્રધાનપદ અને ભારત સરકારના ગૌરવને ઠેસ પહોંચી હતી. આઝાદે રાહુલના અધ્યાદેશને ફાડવાને ૨૦૧૪માં કોંગ્રેસના પરાજયનું મુખ્ય કારણ ગણાવ્યું છે.૨૦૧૩માં કરાયેલા સૂચનોનો હજુ સુધી અમલ તો ઠીક વિચાર પણ નહીંગુલામ નબી આઝાદે તેમના રાજીનામામાં કોંગ્રેસ અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધીના કામકાજની પ્રશંસા કરવાની સાથે તેમની ટીકા પણ કરી હતી. તેમણે યાદ કર્યું કે કેવી રીતે સીતારામ કેસરીને હટાવીને સોનિયા ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ બન્યાં. તેમણે લખ્યું, ૨૦૧૩ના જયપુર મહાઅધિવેશનમાં પક્ષને બેઠો કરવા તેમણે જે ભલામણો કરી હતી, ૨૦૧૪ની ચૂંટણી માટે જે વિસ્તૃત એક્શન પ્લાન બનાવાયો તેના પર છેલ્લા ૯ વર્ષમાં પણ અમલ નથી કરાયો. એટલું જ નહીં તેના પર ગંભીરતાથી વિચાર કરવાનો પણ પ્રયત્ન નથી કરાયો.કોંગ્રેસ બે લોકસભા, ૩૯ વિધાનસભા ચૂંટણીઓ હારીઆઝાદે તેમના રાજીનામામાં સોનિયા અને રાહુલ ગાંધી અંગે આકરા શબ્દોનો ઉપયોગ કર્યો છે. તેમણે લખ્યું, ૨૦૧૪ પછી તમારા અને પછી રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ અપમાનજનક રીતે બે લોકસભા ચૂંટણી હારી છે. ૨૦૧૪થી ૨૦૨૨ વચ્ચે ૪૯ વિધાનસભા ચૂંટણીમાંથી ૩૯માં પક્ષનો પરાજય થયો. પક્ષ માત્ર ચાર રાજ્યોની ચૂંટણી જીતી શક્યો અને છ રાજ્યોમાં ગઠબંધન મારફત સરકાર બનાવી. દુર્ભાગ્યથી આજે માત્ર બે રાજ્યોમાં કોંગ્રેસની સરકાર છે અને અન્ય બે રાજ્યોમાં જૂનીયર પાર્ટનર તરીકે ગઠબંધન સરકારનો ભાગ છે.રાહુલે પક્ષ માટે જીવન ખપાવી દેનારા વરિષ્ઠ નેતાઓનું અપમાન કર્યુંગુલામ નબી આઝાદે રાજીનામામાં લખ્યું છે કે ૨૦૧૯ની ચૂંટણી પછી કોંગ્રેસની સ્થિતિ વધુ ખરાબ થઈ છે. રાહુલ ગાંધીએ અધ્યક્ષપદેથી રાજીનામું તો આપ્યું, પરંતુ તે પહેલા બધા જ વરિષ્ઠ પદાધિકારીઓનું અપમાન કર્યું, જેમણે પક્ષ માટે તેમનું જીવન ખપાવી દીધું હતું. આઝાદે ગાંધી પરિવાર પર રિમોટ કંટ્રોલ મોડેલથી સંગઠન ચલાવવાનો આક્ષેપ કર્યો. યુપીએ સરકાર દરમિયાન રિમોટ કંટ્રોલ મોડેલ હવે પક્ષના સંગઠન પર પણ લાગુ કરી દેવાયું છે. તમે માત્ર નામના પ્રમુખ છો જ્યારે બધા જ મહત્વપૂર્ણ નિર્ણયો રાહુલ ગાંધી અથવા તેમના સિક્યોરિટી ગાર્ડ અને પીએ લઈ રહ્યા છે. આઝાદે ત્યાં સુધી આક્ષેપ કર્યો કે ૨૦૨૦માં જી-૨૩ના નેતાઓ અને ૨૦૨૨માં તેમણે પક્ષના કામકાજ પર સવાલ ઉઠાવતા પત્ર લખ્યો તો ચાપલુસોની ફોજે દરેક શક્ય રીતે તેમના પર હુમલો કર્યો, અપમાનિત કર્યા. આ ટોળકીએ તો કપિલ સિબલના ઘરે ગુંડા મોકલી હુમલા પણ કરાવ્યા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.