મોબાઈલ નંબરના આધારે સોપારી મંગાવી ટ્રાન્સપોર્ટના ડ્રાઇવર સાથે રૂા.86 હજારની છેતરપીંડી - At This Time

મોબાઈલ નંબરના આધારે સોપારી મંગાવી ટ્રાન્સપોર્ટના ડ્રાઇવર સાથે રૂા.86 હજારની છેતરપીંડી


ગઠિયાઓ છેતરપીંડી કરવા નિતનવા કેમિયા અજમાવતા હોય છે. ત્યારે માધાપર ચોકડી પાસે બે ગઠિયાઓએ ટ્રાન્સપોર્ટમાં આવેલ છ બોરી સોપારીમાંથી ચાર બોરી સોપારી ઉતારી લઈ બે બોરી રામાપીર ચોકડી પાસે ઉતારવાની છે કહીં ગાડી ચાલક સાથે રહેલા અજાણ્યા શખ્સે નાગેશ્વર મેઈન રોડ પર ચા પીવા ઉભા રહેવાનું કહીં નાસી છૂટતાં રૂ.88666 ની છેતરપીંડીની ગાંધીગ્રામ પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે ભગવતીપરા મેઈન રોડ મોર્ડન સ્કૂલની સામે વિનોબા ભાવે ટાઉનશીપમાં રહેતાં જાહિદભાઈ મુસાભાઈ ચૌહાણ (ઉ.વ.45) એ નોંધાવેલ ફરિયાદમાં બે અજાણ્યાં શખ્સોના નામ આપી જણાવ્યું હતું કે, તેઓ બાપુનગરમાં આવેલ એસ.કે ટ્રાન્સપોર્ટમાં ટ્રક ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. ગઈ તા.20/12 ના તેઓ તેની ટ્રાન્સપોર્ટ ઓફિસે હતાં ત્યારે ઓફિસમાં મેતાજી અનવરભાઈએ સુરતથી આવેલ સોપારીની છ બોરી માધાપર ચોકડી પાસે ડિલિવરી આપવાનું કહ્યું હતું અને ડિલિવરી મો. નં.9601772455 વાળી વ્યક્તિને આપવા માટે કહ્યું હતું.
જે બાદ તેઓ ગાડીમાં સોપારીની છ બોરી ભરી માધાપર ચોકડી પાસે પહોંચ્યા હતાં. જ્યાંથી તેઓએ તેમને આપવામાં આવેલ મોબાઈલ નંબર પર કોલ કરતાં સામેથી ત્યાં એક બ્લુ શર્ટ પહેરેલ વ્યક્તિ છે, તેમને સોપારીની બોરી આપવા માટે કહ્યું હતું. બાદમાં ત્યાં હાજર બ્લુ શર્ટ પહેરેલ વ્યક્તિએ ત્યાં નજીકના કોમ્પલેક્ષમાં ચાર બોરી ઉતારી હતી. જેમનું પેમેન્ટ માંગતા તે શખ્સે હજું બે બોરી જે આપની પાસે છે તે રામાપીર ચોકડી પાસે ઉતારવાની છે, ત્યાં તમામ પેમેન્ટ કરી આપીશ કહીં તે શખ્સ પણ ગાડીમાં સાથે બેસી ગયો હતો.
બાદમાં ગાડી નાગેશ્વર રોડ પર યુનિકેર હોસ્પિટલ પાસે પહોંચતા અજાણ્યા શખ્સે ચા પીવા માટે ગાડી ઉભી રખાવી હતી. જ્યાં અજાણ્યા શખ્સે હું બાથરૂમ કરીને આવું છું કહીં ત્યાંથી નાસી છૂટ્યો હતો. મોડે સુધી તે શખ્સ ન આવતાં તેને આપેલ મોબાઈલ નંબર પર કોલ કરતાં તે સ્વિચઓફ આવ્યો હતો અને માધાપર ચોકડી પાસે ઉતારેલ સોપારીની બોરી વાળી જગ્યાએ જતાં ત્યાં બોરીઓ પણ ન જોવા મળતાં તેમની સાથે છેતરપીંડી થયાની જાણ થઈ હતી. જેથી બે અજાણ્યા શખ્સોએ ગાડી ડ્રાઇવર સાથે વિશ્વાસઘાત કરી રૂ.86333 ની સોપારી ઓળવી ગયાની ફરિયાદ નોંધાવી હતી.બનાવ અંગેની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે છેતરપીંડીની કલમ હેઠળ ગુનો નોંધી પીએસઆઈ એન.વી.હરિયાણીએ તપાસ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.