જસદણના દેવપરા ગામેથી 7 લાખના વિદેશી દારૂ ભરેલ ટ્રક સાથે ત્રણની ધરપકડ - At This Time

જસદણના દેવપરા ગામેથી 7 લાખના વિદેશી દારૂ ભરેલ ટ્રક સાથે ત્રણની ધરપકડ


(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
જસદણના દેવપરા ગામની સીમમાં પોલીસે દરોડો પાડી રૂા.7 લાખની કિંમતની 1656 બોટલ વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડયો હતો. પોલીસે દારૂ સહિત રૂા.33.59 લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. જ્યારે સપ્લાયર સહિત અન્ય ત્રણના નામ બહાર આવતાં તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. જસદણ પોલીસને મળેલી બાતમીના આધારે દેવપરા ગામની સીમમાં દારૂનું કટીંગ ચાલતું હતું ત્યારે જ પોલીસે દરોડો પાડયો હતો. ચોટીલાના ગુંદા ગામના રાજુ શિવા પરાલીયાએ દારૂનો જથ્થો મંગાવ્યો હોય અને જેનું કટીંગ ચાલતુ હતું ત્યારે જ પોલીસ ત્રાટકી હતી. આ દરોડામાં ચોટીલાના ગુંદા ગામનો રણજીત વિહાભાઈ પરાલીયા, જસદણનો મહેશ જીવન હિરપરા અને ટ્રક ડ્રાઈવર નાગોરનો જબ્બરસિંગ ગોવિંદસિંગ રાઠોડની ધરપકડ કરી હતી. પોલીસે અલગ અલગ બ્રાંડની વિદેશી દારૂની 138 પેટી એટલે કે 1656 બોટલ દારૂ તથા 15 લાખનો ટ્રક તથા રોકડ સહિત રૂા.33.59 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તપાસ કરતાં આ દારૂનો જથ્થો જબ્બરસિંગ દ્વારા ટ્રક મારફતે હરિયાણાથી રાજસ્થાન થઈ શામળાજી બોર્ડરથી ગુજરાતમાં એન્ટ્રી કરી હતી અને ગોધરા, વડોદરા, બોરસદ, તારાપુર, બગોદરા અને ચોટીલા થઈને આ દારૂનો જથ્થો ગઈકાલે સાંજે ચોટીલા આવ્યો હતો અને ચોટીલાની બળદેવ હોટલ ખાતે રાજુ પરાલીયાએ ટ્રકને હોલ્ટ કરવાની સુચના આપી હતી અને આ દારૂનો જથ્થો ઉતારવા માટે માણસો આવ્યા બાદ તેને કટીંગ કરવાનું હોય જેથી ચોટીલાથી આ ટ્રક જસદણ અને વિંછીયાના રસ્તે દેવપરાની સીમમાં પહોંચ્યો હતો અને દારૂનું કટીંગ કરવામાં આવતું હતું ત્યારે જ પોલીસ ત્રાટકી હતી. પોલીસ દરોડામાં આ દારૂનો જથ્થો મંગાવનાર બુટલેગર રાજુ શિવા પરાલીયા તથા સપ્લાયર રાકેશ ઉર્ફે રિન્કુ અને પ્રધાનજીનું નામ ખુલ્યું છે. જસદણ પોલીસ મથકના સ્ટાફે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.