સાયબર ક્રાઈમ રેટ : 1 વર્ષમાં મળી’તી, તેટલી અરજી 7 માસમાં નોંધાઈ : જનતાને ચેતવતી પોલીસ
સાયબર ચાંચિયાઓ અલગ અલગ રીતે લોકોને છેતરી મોટી રકમોના ફ્રોડ કરે છે. આ સમસ્યા દેશ વ્યાપી છે. ત્યારે રાજકોટ શહેરમાં પણ સાયબર ક્રાઈમ રેટ બમણો થતો જોવા મળે છે. ગત 1 વર્ષમાં જેટલી અરજી મળી હતી. તેટલી અરજી આ વર્ષે 7 માસમાં નોંધાઈ છે. જેથી પોલીસે સાયબર ક્રાઇમથી બચવા ચેતીને રહેવા અપીલ કરી છે.
ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ (આઇપીએસ)એ જણાવ્યા મુજબ, રાજકોટ શહેરમાં કોઇ ફાઇનાન્સીયલ ફ્રોડનો ભોગ બનેલ લોકોની બ્લોક કરેલ રકમ પરત (રીફંડ) અપાવવા માટે પોલીસ જનતાને સાયબર ફ્રોડથી ગુમાવેલ નાણા, બ્લોક કરાવેલ નાણા કોર્ટ મારફતે પરત કરવામાં આવે છે.
રાજકોટમાં અવાર-નવાર સાયબર ક્રાઇમથી બચવા માટે તકેદારીના પગલા રૂપે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેશના પ્રોગ્રામ કરવામાં આવે છે.
સાયબર ફ્રોડના મોડસ ઓપરેડીંગ બદલાતા રહેતા હોવાથી લોકો એ તેનાથી અવગત રહેવુ જરૂરી હોય જેથી હાલમાં સ્ટોક માર્કેટમાં ઇન્વેસટમેન્ટના નામે રોકાણ કરી લોકો સાથે ઓનલાઇન સાયબર ફ્રોડ થતા હોવાની માહિતી સામે આવી.
તે બાબતે રાજકોટ શહેર સાયબર ક્રાઇમ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે, કોઇ અજાણી લીંક ખોલવી નહી. કોઇ અજાણી વ્યકિત ને ઓ.ટી.પી. આપવો નહી. કે શેર બજારમાં વધુ પૈસા કમાવાની લાલચમાં આવી કોઇ એપ્લીકેશન ડાઉનલોડ કરવી નહીં. તેઓએ વધુમાં જણાવ્યું કે, રાજકોટ શહેરમાં ગત વર્ષે સાયબર ફ્રોડની 7783 અરજી મળી હતી.
જેની સાપેક્ષમાં ચાલુ વર્ષે 7062 અરજી મળી છે. ફ્રોડમાં ગયેલા રૂપિયા પરત કરાવવા પોલીસ ઝડપથી કામ કરી રહી છે, રાજકોટ શહેર સાયબર ક્રાઈમની ટીમે ગત વર્ષે 3.44 કરોડ અને ચાલુ વર્ષે 7 મહિનામાં જ 3.79 કરોડ રૂપિયા નાગરિકોને રિફંડ કરાવી આપ્યા છે.
આ પ્રક્રિયા હજુ પણ ચાલુ જ છે. તેઓએ નાગરિકોને સલાહ આપી હતી કે, ઓનલાઈન છેતરાયા બાદ સાયબર ક્રાઇમના હેલ્પલાઇન નંબર 1930 પર ઝડપથી ફરિયાદ કરવી જોઈએ. જેથી પોલીસ વધુ મદદરૂપ બની શકે. જ્યારે મોડી ફરિયાદ મળે છે ત્યારે કામગીરી પડકારજનક બની જાય છે.
►
ઓનલાઈન ગુના આચરતા તત્વો 28 પ્રકારે સાયબર ફ્રોડ કરે છે. જેમાં 1. ફેક આઇડેન્ટીટી ફ્રોડ, 2. ઇન્વેસ્ટમેન્ટ (શેર માર્કેટ ફ્રોડ ), 3. ક્રેડીટ કાર્ડ/ ડેબીટ કાર્ડ ફ્રોર્ડ, 4. ઓન લાઇન સોપીંગ ફ્રોડ, 5. વિધાઉટ ઓ.ટી.પી ફ્રોડ, 6. લોન એપ્લીકેશન ફ્રોડ, 7. લીંક દ્રારા ફ્રોડ, 8. જોબ ફ્રોડ, 9. બુકીંગ ફ્રોડ, 10. સોશીયલ મીડીયા ફેક ફેસબુક આઇ.ડી ફ્રોડ, 11. ટાસ્ક ફ્રોડ, 12. કસ્ટમર કેર ફ્રોડ, 13. વિથ ઓ.ટી.પી ફ્રોડ, 14. ન્યુડ વિડીયો કોલ ફ્રોડ, 15. પેન્સીલ જોબ ફ્રોડ, 16. સોશીયલ મીડીયા ફ્રોડ, 17. ઓ.એલ.એકસ ફ્રોડ, 18. કેશ બેક ફ્રોડ, 19. કે.વાય.સી ફ્રોડ, 20. ગીફટ ફ્રોડ, 21. લોટરી ફ્રોડ, 22. ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ફ્રોડ, 23. એસકોર્ટીંગ ફ્રોડ, 24. ઇન્સયોરન્સ પોલીસી ફ્રોડ, 25. ઇલેકટ્રીસીટી બીલ પેમેન્ટ ફ્રોડ, 26. બ્લેક મેલ ફ્રોડ, 27. મેટ્રો મોનીયલ ફ્રોડ, 28. બીજા અન્ય ફ્રોડનો સમાવેશ થાય છે.
►
ડીસીપી ક્રાઈમએ જણાવ્યું કે, મોબાઈલ ગુમ થઈ જાય કે, ચોરી થઈ જાય ત્યારે લોકો પોલીસમાં ફરિયાદ આપતા હોય છે. ગત વર્ષે રાજકોટ પોલીસના પ્રયત્નોથી રૂ.72,12,325ની કિંમતના 562 મોબાઈલ ફોન નાગરિકોને પરત મળેલ. ઉપરાંત ચાલુ વર્ષે 7 મહિના દરમિયાન રૂ.67,59,572ની કિંમતના 403 મોબાઈલ ફોન જેતે નાગરિકને પરત મળ્યા છે.
►
ડીસીપી ક્રાઇમએ જણાવ્યું કે, પોલીસે એકાઉન્ટ ફ્રીઝ કરવા અંગેની તેમની પોલીસીમાં પણ સુધારો કરેલ છે. નવી પોલીસી અસરકારક રીતે ગુના નિવારણ અને નિર્દોષ પક્ષો પર નાણાકીય બોજ ઘટાડવા વચ્ચે સંતુલન જાળવવા માટે એક મહત્વપુર્ણ પગલુ ભર્યુ છે. અગાઉ જે ખાતામાં ફ્રોડની રકમ જમા થતી તે ખાતાને સંપૂર્ણ ફ્રીઝ કરવામાં આવતું. હવે જે છેતરપીંડીથી અસરગ્રસ્ત હોય તેઓ હવે આખા એકાઉન્ટને બદલે માત્ર છેતરપીંડી સાથે સંકળાયેલી ચોક્કસ રકમને જ ફ્રીઝ કરશે.
આ ફેરફારનો હેતુ મધ્યમવર્ગની વ્યકિતઓ પર નાણાકીય તણાવને ઘટાડવાનો ઉદ્દેશ છે. જેઓ આખુ બેંક એકાઉન્ટ લોક થઇ જવાના કારણે મોટી મુશકેલીનો સામનો કરવો પડે છે. મધ્યમ વર્ગના લોકો સાયબર ક્રાઇમના લીધે આર્થિક રીતે પ્રભાવીત થયા હતા અને એકાઉન્ટ ફ્રીઝ થવાના કારણે તેઓ પોતાના ખાતામાં રહેલી રકમને મેળવવા માટે અસમર્થ હતા. હવે તેમના એકાઉન્ટ અનફ્રીઝ થવાના કારણે એટલે કે ખુલી જવાના કારણે તેઓ એ મોટી રાહત અનુભવી છે.
આ પગલુ એવા લોકો માટે રાહતદાયી છે. જેઓ બહુ ધનવાન નથી અને મોટાભાગે રોજીંદા વ્યવહારો માટે તેમના બેંક ખાતા ઉપર આધાર રાખે છે. જેમને પણ એવુ લાગતુ હોય કે તેમના એકાઉન્ટ ભૂલથી ફ્રીઝ કરવામાં આવ્યા છે. તેઓ તેમની બીનસંડોવણી દર્શાવતા પુરાવા સાથે આગળ આવે. એકાઉન્ટોની સમીક્ષા કરી શક્યત: અનફ્રીઝ કરવામા આવશે. ડીસીપીએ એવું ભાર પૂર્વક જણાવ્યું કે, જે ખાતામાં વારંવાર ફ્રોડની રકમ જમા થઈ હશે. તે બેંક ખાતાને સંપૂર્ણ રીતે ફ્રીઝ કરાશે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.