રાજકોટ મનપામાં સીટી ઇજનેર અલ્પના મીત્રા નાં ઘરે દરોડો
ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડથી પુરા રાજયમાં ચર્ચામાં આવેલા રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનના વધુ એક અધિકારીની તપાસના સાણસામાં આવ્યા છે. તા. 31 જુલાઇના રોજ સ્વૈચ્છિક રાજીનામુ મંજુર થયા બાદ પૂર્વ સીટી ઇજનેર અલ્પના મિત્રા ઘરે ફાઇલો મંગાવીને હજુ નિકાલ કરતા હોવાની ફરિયાદ પરથી કમિશ્ર્નર દેવાંગ દેસાઇએ ગત સાંજે કોટેચા ચોક નજીક આવેલા તેમના નિવાસે વિજીલન્સ તપાસ કરાવી હતી. આ દરોડામાં તેમના ઘરેથી 50 જેટલી ફાઇલ સહિતના દસ્તાવેજો મળી આવતા તે જપ્ત કરી ઉંડી તપાસ શરૂ કરી છે.
નિવૃત સીટી ઇજનેરના ઘરે ફાઇલોની આપ-લે કરવામાં હાલ જે નવ અધિકારીઓના નામ કમિશ્નરના ધ્યાનમાં આવ્યા છે. તેમાં ચાર ડીઇઇ પ્રોજેકટ શાખાના કપિલ જોશી, વોટર વર્કસના દિવેશ ત્રિવેદી, વી.એચ.ઉમટ, એચ.એમ. ખખ્ખર, બે એઇઇ વોટર વર્કસ પ્રો્જકટના અશ્વિન કંજારીયા, અંકિત તલસાણીયા, ડ્રેનેજના એ.ઇ. રાજેશ રાઠોડ અને વોટર વર્કસ પ્રોજેકટના દેવરાજ મોરી, હિરેનસિંહ જાડેજાનો સમાવેશ થાય છે. આ તમામના ખુલાસા પુછવામાં આવ્યા છે.
આ અંગે કમિશ્નર દેવાંગ દેસાઇએ ‘સાંજ સમાચાર’ને જણાવ્યું હતું કે, નિવૃત થયા બાદ કોઇ અધિકારી ઘરે ફાઇલોની ચકાસણી કરી શકતા નથી. આમ છતાં આવું બન્યાનું ધ્યાન પર આવતા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ફાઇલો પહોંચાડનાર અધિકારીઓના નામો મેળવીને તેમને ખુલાસા કરવા સૂચના આપવામાં આવશે.
મનપા વોટરવર્ક્સ તથા સિટી બસ વિભાગમાં સિટી એન્જિનિયર તરીકે તા.31ના રોજ નિવૃત થયેલા અલ્પના મિત્રા નિવૃત થઈને ઘર બેઠા ફાઇલ નિકાલ કરી રહ્યાની બાતમી મ્યુનિ.કમિશનર ડી.પી.દેસાઈને મળતા તેમણે તાકીદે વિજીલન્સ અધિકારીઓની ટીમને આદેશ કરતા સાંજે મહિલા પોલીસના બંદોબસ્ત સાથે વિજીલન્સટીમે અલ્પના મિત્રાના બંગલામાં ત્રાટકીને બંગલામાંથી અને ત્યાં આવેલા મનપાના ઈજનેરો પાસેથી 50 ફાઈલો,રજીસ્ટરો કબજે કર્યા છે. મનપાના ઈતિહાસમાં કોઈ વર્ગ-1ના અધિકારી નિવૃત થયા બાદ તેના ઘરે વિજીલન્સે તપાસ માટે ગયાની પ્રથમ ઘટના છે.
પૂર્વ સીટી ઇજનેર અલ્પના મિત્રાનું રાજીનામુ મંજુર થતા ગત તા. 31 જૂલાઈએ તે નિવૃત થયા હતા. પરંતુ, તે પહેલા સાગરનગર આવાસમાં ગરબડ અંગે ચાર્જશીટ પણ અપાયું હતું. ગત સાંજે કાલાવડ રોડ પર કોટેચા ચોક પાસે આવેલા અલ્પના મિત્રાના નિવાસસ્થાને વિજીલન્સ અધિકારી ભરત કાથરોટીયા સહિતના અધિકારીઓ બે મહિલા પોલીસ અધિકારી અને બે મહિલા કોન્સ્ટેબલને સાથે લઈને ત્રાટક્યા હતા અને પચાસેક ફાઈલો,રજીસ્ટરો કબજે કર્યા છે.
જે અંગે હવે કમિશનરના માર્ગદર્શનમાં ઉંડી તપાસ શરૂ કરાઇ છે. આ ફાઈલો ડ્રેનેજ અને વોટરવર્ક્સના મરમ્મતના લાખોની ચૂકવણીના બિલો સહિતની હતી. ઈજનેરોને ફાઈલો લઈને ગત સાંજે ઘરે બોલાવ્યા અને ઈજનેરો પણ નિયમોનો ભંગ કરીને સરકારી ફાઈલો જે કોઈના ઘરે ન લઈ જવાય તે લઈને નિવૃત અધિકારીના બંગલે પહોંચી ગયા હતા. આમ, પ્રથમ નજરે ગંભીર ક્ષતિ જણાય છે.
વોટરવર્ક્સના પ્રોજેક્ટના સિટી ઈજનેર તરીકે મિત્રાનો ચાર્જ હાલ દેથરીયાને સોંપવામાં આવ્યો છે. તેમણે અગાઉ ગાંધી મ્યુઝિયમથી માંડીને આવાસો, લાઈબ્રેરી સહિતના કામો કર્યા છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.